Thu Jul 23 2026

Logo

રિલાયન્સના શેરમાં નકારાત્મક વળતરથી રોકાણકારો નિરાશ

2026-07-23 16:36:00
Author: Nilesh Waghela
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)ના શેરમાં પાછલા કેટલાક સમયથી સતત દબાણ જોવા મળ્યું છે અને આ શેરમાં અનેક સમયગાળા દરમિયાન નકારાત્મક વળતર મળી રહ્યું હોવાથી રોકાણકારોમાં નિરાશા વ્યાપી રહી છે.

આજે ગુરુવારે એનએસઇ પર રિલાયન્સના શેર ૧.૨૪ ટકાના ઘટાડા સાથે રૂ. ૧૨૭૨.૬૦ની સપાટીએ સ્થિર થયા છે. એક અઠવાડિયામાં આ શેર ૨.૮૪ ટકા, એક મહિનામાં ૧.૮૯ ટકા અને ત્રણ મહિનામાં ૨.૯૨ ટકા તૂટ્યો છે. આ સંદર્ભમાં પાછલા લાંબા સમયગાળાનું ચિત્ર પણ નબળું છે. ઉપલબ્ધ ડેટા દર્શાવે છે કે રિલાયન્સ પાછલા છ મહિનામાં ૬.૬૮ ટકા અને એક વર્ષના લસમયગાળામાં ૮.૧૧ ટકા તૂટ્યો છે.

નોંધવું રહ્યું કે કોઇપણ શેરના ભાવ રોજેરોજ બદલાતા હોય છે, આથી અન્ય ટ્રેકર્સ તારીખ અને સ્ત્રોતના આધારે એક વર્ષના ઘટાડાને ૭.૦૬ ટકા, ૧૨.૭૮ ટકા અને ૧૪.૮૭ ટકાના ઘટાડાનો આંકડો મૂકે છે. આ શેર હાલમાં તેના બાવન સપ્તાહના રૂ. ૧,૬૧૧.૮૦ના ઉચ્ચતમ સ્તરથી નીચે અને તેના બાવન સપ્તાહના રૂ. ૧૨૫૩.૨૦ના નીચલા સ્તરની નજીક ટ્રેડ કરી રહ્યો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ૧૭ જુલાઈના રોજ જાહેર કરેલા પ્રથમ ત્રિમાસિક સમયગાળાના નાણાકીય પરિણામમાં
પાછલા વર્ષના ઊંચા આધારને કારણે ૨૨.૪ ટકાના ઘટાડા સાથે રૂ. ૨૦,૯૪૬ કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નપો નોંધાવ્યો હતો. જોકે તેલથી રસાયણ સુધીના ક્ષેત્રે કાર્યરત આ કંપનીની આવક અને એબીટા વૃદ્ધિ જોવા મળી હતી.

વિશ્ર્લેષકો નોંધે છે કે સ્ટોક મુખ્ય મૂવિંગ એવરેજથી નીચે કરેકશનના તબક્કામાં છે, જેમાં રૂ. ૧,૨૮૦-રૂ. ૧,૩૦૦ની આસપાસ સપોર્ટ લેવલે છે. એકંદરે રિલાયન્સે ટૂંકાથી મધ્યમ ગાળામાં નકારાત્મક વળતર નોંધાવ્યું છે. પાછલા છ મહિનાથી એક વર્ષમાં, વિવિધ ડેટા પોઈન્ટના આધારે સ્ટોક સાત ટકાથી પંદર ટકાની વચ્ચે ઘટ્યોે છે. જોકે, પાંચ વર્ષમાં શેર ૩૫ ટકાથી ૩૭ ટકા વધ્યો છે.