Tue Aug 18 2026

Logo

પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવના અહેવાલો અને ક્રૂડતેલના ભાવની વધઘટ પર ઈક્વિટી માર્કેટની આગામી ચાલ નિર્ભર

2026-08-16 18:54:27
Author: Ramesh Gohil
Article Image

મુંબઈઃ વર્તમાન નાણાકીય વર્ષનાં પહેલા ત્રિમાસિકગાળાના પરિણામોની મોસમ લગભગ પૂરી થઈ ગઈ હોવાથી વર્તમાન સપ્તાહમાં ઈક્વિટી માર્કેટની વધઘટ મુખ્યત્વે દરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઑફ હોર્મુઝને સ્પર્શતા પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવના અહેવાલો અને ક્રૂડતેલના ભાવની વધઘટ પર અવલંબિત રહેશે. જોકે, રોકાણકારોની નજર વિદેશી રોકાણકારોની લે-વેચ પર પણ મંડાયેલી રહે તેવી શક્યતા વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે. 

આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સ્ટ્રેટ ઑફ હોર્મુઝને લગતાં અહેવાલો અને ક્રૂડતેલના ભાવની વધઘટ બજારનું મુખ્ય ચાલકબળ રહેશે. હવે પરિણામોની મોસમ પૂરી થવામાં હોવાથી રોકાણકારો વૈશ્વિક નાણાનીતિની અપેક્ષાઓ, ક્રૂડતેલના ભાવની વધઘટ અને પશ્ચિમ એશિયાના ભૂરાજકીય અહેવાલો પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી શક્યતા રેલિગેર બ્રોકિંગ લિ.ના સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ અજિત મિશ્રાએ વ્યક્ત કરી હતી. 

વર્તમાન સપ્તાહે વૈશ્વિક સ્તરે ફેડરલ ઓપન માર્કેટ કમિટીની છેલ્લી નીતિવિષયક બેઠકની જાહેર થનારી મિનિટ્સ પર રોકાણકારોની મીટ મંડાયેલી રહેશે. તેમાં ખાસ કરીને ઊભરતાં અર્થતંત્રો પર અસર કરે તેવાં તંગ કે હળવી નાણાનીતિના સંકેત ફેડરલ રિઝર્વ આપે છે કે નહીં તેના પર રોકાણકારોની નજર રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું. 

તે જ પ્રમાણે ઓનલાઈન ટ્રેડિંગ અને વેલ્થ ટૅક કંપની એનરીચ મનીનાં ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર પોન્મુડી આરએ જણાવ્યું હતું કે રોકાણકારોની નજર અમેરિકા અને ઈરાનની સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગની મડાગાંઠનાં ઉકેલ અંગેનાં અહેવાલો પર તેમ જ આગામી 19મી ઑગસ્ટનાં રોજ જાહેર થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની ગત જુલાઈ મહિનાની નાણાનીતિની બેઠકની મિનિટ્સ પર સ્થિર રહેશે. વધુમાં રોકાણકારોની નજર વિદેશી સંસ્થાકીય રોકાણકારોનાં આંતર અને બાહ્યપ્રવાહ પર રહેશે. 

નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ 0.62 ટકા અથવા તો 489.92 પૉઈન્ટ ઘટીને અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી 0.83 ટકા અથવા તો 204.65 પૉઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. સતત બે સપ્તાહ દરમિયાન બૅન્ચમાર્ક સુધારા સાથે બંધ રહ્યા બાદ ગત સપ્તાહે ખાસ કરીને ભૂરાજકીય તણાવ વધવાની સાથે ક્રૂડતેલના ભાવ વધી આવવાને કારણે રોકાણકારોનું માનસ ખરડાયું હોવાનું પોન્મુડીએ ઉમેર્યું હતું. 

વધુમાં બજાજ બ્રોકિંગના રિસર્ચ વિભાગનાં ડેપ્યૂટી વાઈસ પ્રેસિડૅન્ટ પવિત્રો મુખરજીએ પણ જણાવ્યું હતું કે રોકાણકારોની નજર અમેરિકા-ઈરાનના ભૂરાજકીય તણાવ અને ક્રૂડતેલના ભાવ પર મંડાયેલી રહેશે, જ્યારે જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.ના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે વર્તમાન સપ્તાહે ભૂરાજકીય તણાવ, ક્રૂડતેલના ભાવ, ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સ, ચીનનાં જાહેર થનારા આર્થિક ડેટાઓ અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિ પર તમામ પરિબળોની સંભવિત અસરને ધ્યાનમાં લેતા ઈક્વિટી માર્કેટની વધઘટ જોવા મળે તેવી શક્યતા છે.