Thu Sep 03 2026

Logo

ફિફ્થ વ્હીલ પિન તૂટતાં દુર્ઘટના: મીઠીરોહર પાસે ગેસ ભરેલું ટેન્કર પલટી મારતા તંત્રમાં દોડધામ

2026-07-27 13:10:00
Author: Mumbai Samachar Team
ફિફ્થ વ્હીલ પિન તૂટતાં દુર્ઘટના: મીઠીરોહર પાસે ગેસ ભરેલું ટેન્કર પલટી મારતા તંત્રમાં દોડધામ

મુંદ્રાથી અજમેર જઈ રહેલા ટેન્કરના અકસ્માતથી ગેસ ગળતરની ભીતિ વચ્ચે અફરાતફરી; સદનસીબે જાનહાનિ ટળી

ભુજ: ગાંધીધામ-ભચાઉ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા મીઠીરોહર નજીક અજવા પાર્કિંગ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મુંદ્રાથી ગેસ ભરીને અજમેર તરફ જઈ રહેલું એક ટેન્કર અચાનક રોડ પર પલટી મારી જતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.

મળતી વિગતો મુજબ, ટેન્કર ધોરીમાર્ગ પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક તેની 'ફિફ્થ વ્હીલ' પિન તૂટી ગઈ હતી. પિન તૂટવાના કારણે ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને અત્યંત જ્વલનશીલ ગેસ ભરેલું ટેન્કર રોડ પર જ પલટી મારી ગયું હતું. ગેસ ભરેલું ટેન્કર પલટી જતાં મોટા વિસ્ફોટ કે ગેસ ગળતરની આશંકાને પગલે આસપાસના સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિત વહીવટી તંત્રનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. સુરક્ષાના આગોતરા પગલે તંત્રે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી વાહનવ્યવહારને સુરક્ષિત રીતે નિયંત્રિત કર્યો હતો. સદનસીબે આ ગંભીર ઘટનામાં કોઈ જાનહાનિ કે ગેસ ગળતર ન થતાં તંત્રે અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, કચ્છના આ અત્યંત વ્યસ્ત ધોરીમાર્ગ પર અવારનવાર સર્જાતા આવા જ્વલનશીલ પદાર્થો ધરાવતા વાહનોના અકસ્માતો ભવિષ્યમાં કોઈ મોટી હોનારત નોતરે તેવી ભીતિ પણ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસે અકસ્માત અંગે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

(ઉત્સવ વૈદ્ય)