ભુજઃ ઓપરેશન સિંદૂર બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ હોવા છતાં સરહદની સુરક્ષા માટે નવો પડકાર સામે આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ પાકિસ્તાને છેલ્લા ૧૬ મહિનામાં ૧૬ જેટલા અર્થ-ઓબ્ઝર્વેશન સેટેલાઇટ અવકાશમાં તૈનાત કર્યા છે અને તેની સીધી નજર હવે કચ્છના સંવેદનશીલ વિસ્તારો પર મંડરાયેલી છે. આ સેટેલાઇટ હાઇ-રિઝોલ્યુશન કેમેરા અને એ.આઈ આધારિત ઇમેજ પ્રોસેસિંગથી સજ્જ હોવાથી સરહદી સલામતી દળ અને ભારતીય સેનાની હિલચાલ, ઉપરાંત નવા બનતા બંકર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થતા નાના ફેરફાર પણ પકડી શકે છે.
કચ્છની વાત કરીએ તો સૌથી પહેલી અસર ભારત-પાક સરહદથી માત્ર ૫૦ કિ.મી. દૂર આવેલા નલિયા એરબેઝ પર પડી છે. આ સૌથી નજીકનું એરબેઝ હોવાથી અહીં લડાકુ વિમાનોની પાર્કિંગ, રનવેની ગતિવિધિ અને નવા નિર્માણની દરેક વિગત હવે અવકાશથી સતત સ્કેનિંગ થઈ રહ્યું છે. એટલું જ નહીં, કચ્છનું છેલ્લું ગામ ગણાતા કોટેશ્વર અને પ્રસિદ્ધ કોટેશ્વર મહાદેવ મંદિર વિસ્તારની આસપાસ બીએસએફના પેટ્રોલિંગ અને સરહદી રસ્તાઓની સ્થિતિનું પણ મોનીટરીંગ થઈ રહ્યું છે. અહીંથી પાકિસ્તાનની દરિયાઈ સરહદ ખૂબ નજીક હોવાથી જમીન અને તેમની, દરિયાઈ બંને પ્રકારની હિલચાલ પર એકસાથે સતત નજર રાખવામાં આવી રહી છે.
સૌથી મોટી ચિંતા સરક્રીક વિસ્તારને લઈને છે. ભારત-પાકિસ્તાન વચ્ચેનો ૯૬ કિ.મી. લાંબો આ વિવાદિત ભેજવાળો પટ્ટો હવે સેટેલાઇટની નજર હેઠળ આવી ગયો છે. સરક્રીકમાં ભારતીય કોસ્ટગાર્ડ, નૌકાદળ અને માછીમારી બોટની દરેક હિલચાલનું રીઅલ-ટાઇમમાં ટ્રેકિંગ થઈ રહ્યું છે. અહેવાલ મુજબ નવા લોન્ચ થયેલા સેટેલાઇટની ભ્રમણકક્ષા ખાસ કરીને દક્ષિણ એશિયા અને કાશ્મીર-કચ્છ પટ્ટા પર વારંવાર રિ-વિઝિટ માટે ગોઠવવામાં આવી છે, જેથી દર બે દિવસે એક વખત આખો વિસ્તાર મેપ થઈ જાય. વાદળ હોય કે રાતનો સમય, રડાર અને હાઇપરસ્પેક્ટ્રલ સેન્સરથી બોટ અને નાની હિલચાલ પણ પકડી શકાય છે.
સુરક્ષા નિષ્ણાતોનું કહેવું છે કે, ખેતી અને હવામાન માટે બનાવાયેલા આ નાગરિક સેટેલાઇટ વાસ્તવમાં ડ્યુઅલ-યુઝ ટેકનોલોજી ધરાવે છે. એટલે જ આ સેટેલાઇટથી આપણી પેટ્રોલિંગ પેટર્ન, બંકરની જગ્યા અને સરહદના બ્લાઇન્ડ સ્પોટનો અંદાજ દુશ્મનને મળી શકે છે. સરક્રીક જેવા સંવેદનશીલ વિસ્તારમાં નાની બોટની હિલચાલ સત ટ્રેક કરીને ઘુસણખોરી કે સ્મગલિંગ માટે નવા રૂટ પણ તૈયાર થઈ શકે. આ ઉપરાંત ચીન-પાકિસ્તાન વચ્ચે થતી સેટેલાઇટ ડેટાની આપ-લેને કારણે કચ્છની દરેક ઇંચની જાણકારી હવે દુશ્મન પાસે ઉપલબ્ધ થઈ રહી છે.
આ નવા ખતરાને ધ્યાનમાં રાખીને ભારતીય સેના અને સીમા સુરક્ષા દળે કચ્છ સેક્ટરમાં પોતાની ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ અને સેટેલાઇટ કવરેજ વધારવાની કામગીરી તેજ કરી છે. પણ નિષ્ણાતો માને છે કે ભવિષ્યની સરહદી સુરક્ષા હવે માત્ર જમીન પર નહીં, અવકાશમાંથી પણ નક્કી થશે.
(ઉત્સવ વૈદ્ય)