Sat May 09 2026

Logo

ગાંધીનગરમાં યોજાશે એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ, 31 દેશોના ખેલાડીઓ ભાગ લેશે

2026-05-09 22:48:07
Author: Vimal Prajapati
Article Image

ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન દ્વારા 11થી 17 મે, 2026 સુધી આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું

ગાંધીનગરઃ ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે તારીખ 11થી 17 મે, 2026 દરમિયાન એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં 31 દેશોના આશરે 200 રમતવીરો, 200 જેટલા કોચ, સ્ટાફ, પ્રતિનિધિઓ અને મેનેજરો; 50 જેટલા આંતરરાષ્ટ્રીય ટેકનિકલ અધિકારીઓ, ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWF) અને એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (AWF) ના પ્રમુખ અને જનરલ સેક્રેટરી સહિત ૫૦ વિશિષ્ટ અતિથિઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

ભારતીય રમતગમત માટે આ એક પ્રતિષ્ઠિત પ્રસંગ
 
એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન એક્ઝિક્યુટિવ બોર્ડ અને વાર્ષિક કોંગ્રેસની બેઠકો પણ 12 મે, 2026ના રોજ અમદાવાદના ખાતે યોજાશે. ભારતીય રમતગમત માટે આ એક પ્રતિષ્ઠિત પ્રસંગ છે કારણ કે આ ચોથી વખત IWLF ને આ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું આયોજન સોંપવામાંઆવ્યું છે. જે વૈશ્વિક વેઇટલિફ્ટિંગ સમુદાયમાં ભારતના વધતા કદને પુષ્ટિ આપે છે. 2015માં પુણે, 2023માં ગ્રેટર નોઇડા, 2025માં અમદાવાદ- એમ વિવિધ શહેરોમાં ચેમ્પિયનશિપનું સફળતાપૂર્વક આયોજન કરાયું છે. 

વેઇટલિફ્ટિંગ માટે ભારતની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બની

ખાસ કરીને વાત કરવામાં આવે તો, કોમનવેલ્થ ચેમ્પિયનશિપ (યુવા, જુનિયર અને સિનિયર) માટે નવા ધોરણો સ્થાપિત થયા અને હવે વર્ષ 2026માં ગાંધીનગર યજમાન બન્યું છે. જેનાથી એશિયન દેશોમાં વેઇટલિફ્ટિંગ માટે ભારતની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બની છે. ઉલ્લેખનીય છે કે, વર્ષોથી ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશન સતત આ દિશામાં કામ કરી રહ્યું છે: જેમાં પાયાના સ્તરે ભાગીદારીને પ્રોત્સાહન આપવાથી માંડીને ભારતીય રમતવીરોને ઉચ્ચતમ સ્તરે સ્પર્ધા કરવા અને વિશ્વભરના શ્રેષ્ઠ ખેલાડીઓ સામે એક્સપોઝર મેળવવાની તકો ઊભી કરવામાં આવી રહી છે.

વિશ્વમંચ પર શ્રેષ્ઠતા માટે લક્ષ્ય રાખવા માટે પણ પ્રેરણા

ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2026એ ફક્ત એશિયન દેશો અને કોમનવેલ્થમાંથી ટોચના પ્રતિભાઓને એકસાથે લાવશે, એટલું જ નહીં, તે કોમનવેલ્થ ગેમ્સ-ગ્લાસગો માટે ક્વોલિફાયર ઇવેન્ટ પણ છે. જેથી તે ભારતની આગામી પેઢીના લિફ્ટર્સને વિશ્વમંચ પર શ્રેષ્ઠતા માટે લક્ષ્ય રાખવા માટે પણ પ્રેરણા આપશે. આ સ્પર્ધામાં એવા ચુનંદા વેઇટલિફ્ટર્સ ભાગ લેશે જેઓ પ્રતિષ્ઠિત મેડલવિજેતા છે જેમ કે, 6 ઓલિમ્પિક રમતોના મેડલ વિજેતા, 35 વિશ્વ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા, 10 એશિયન ગેમ્સ મેડલ વિજેતા, અસંખ્ય કોમનવેલ્થ ગેમ્સ અને કોન્ટિનેન્ટલ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા ભાગ લેશે.
 
આ ચેમ્પિયનશિપનો ઉદ્ઘાટન સમારોહ તારીખ 12 મે, 2026ના રોજ મહાત્મા મંદિર કન્વેન્શન અને પ્રદર્શન કેન્દ્ર ખાતે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી તથા રમતગમત રાજ્ય પ્રધાન ડૉ. જયરામ ગામિતની ઉપસ્થિતિમાં યોજાશે. જેમાં મોહમ્મદ હસન જલુદ, પ્રમુખ, ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશનઅને ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ, એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન, મોહમ્મદ બિન યુસુફ અલ માના, પ્રમુખ, એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન, મોહમ્મદ અહેમદ અલ હાર્બી, જનરલ સેક્રેટરી, એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન ઉપસ્થિત રહેશે. જેનું સમગ્ર આયોજન ડૉ. સહદેવ યાદવ, પ્રમુખ, ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના નેજા હેઠળ કરવામાં આવ્યું છે.