Wed May 13 2026

Logo

સવાર સવારમાં ઇમ્પોર્ટ ડ્યૂટીમાં વધારાની અસર, સોનું ₹10 હજાર અને ચાંદી ₹18 હજાર મોંઘી થઈ

2026-05-13 10:32:00
Author: mumbai samachar team
Article Image

અમદાવાદઃ કેન્દ્ર સરકારે સોના અને ચાંદીની આયાત પર લાગતી ડ્યૂટી 6% થી વધારીને 15% કરી દીધી છે. મંગળવારના આદેશ બાદ આજે એટલે કે 13 મેના રોજ વાયદા બજાર એટલે કે MCX પર સોનું 10 હજાર અને ચાંદી 18 હજાર રૂપિયા મોંઘી થઈ ગઈ છે.

10 ગ્રામ સોનાનો ભાવ 1.63 લાખ રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 2.97 લાખ રૂપિયા પર પહોંચી ગયો છે. સરકારનો હેતુ વિદેશી ખરીદી ઘટાડવાનો અને દેશના વિદેશી મુદ્રા ભંડાર પર પડી રહેલા દબાણને ઓછું કરવાનો છે. અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે સરકારે આ નિર્ણય લીધો છે.

સરકારે સોના પર 10% બેઝિક કસ્ટમ ડ્યુટી અને 5% એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC) લગાવ્યો છે. આ રીતે કુલ અસરકારક ટેક્સ 15% થઈ ગયો છે. આ પહેલા 2024ના બજેટમાં નાણામંત્રી સીતારમણે ઇમ્પોર્ટ ડ્યુટી 15% થી ઘટાડીને 6% કરી હતી.

સોના પરની કુલ આયાત ડ્યુટી 6% થી વધીને 15% થઈ

સોના પરની કુલ આયાત ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવી. સોના પરની બેઝિક કસ્ટમ ડ્યુટી 5% થી વધારીને 10% કરવામાં આવી. સોના પર એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC) 1% થી વધારીને 5% કરવામાં આવ્યો. આ ઉપરાંત, UAE થી નિર્ધારિત માત્રામાં ક્વોટા હેઠળ આવતા સોના પર પણ આયાત ડ્યુટી વધારવામાં આવી. UAE થી નિર્ધારિત માત્રામાં ક્વોટા હેઠળ રાહત દરે આયાત ડ્યુટી લાગતી હતી.

તમારા ખિસ્સા પર કઈ રીતે અસર પડશે?

ઈમ્પોર્ટ ડ્યૂટી ભારતમાં સોનાની કિંમત નક્કી કરતું એક મોટું પરિબળ છે. જ્યારે ડ્યુટી વધે છે, ત્યારે ગ્રાહકો માટે સોનું મોંઘું થઈ જાય છે. જ્યારે ડ્યુટી ઘટે છે, ત્યારે કિંમતોમાં થોડો ઘટાડો થાય છે. ભલે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત સ્થિર રહે, પરંતુ આયાત શુલ્કમાં ફેરફારની અસર તરત જ સ્થાનિક બજારમાં પ્રતિ ગ્રામ કિંમત અને જ્વેલરીના ભાવ પર દેખાય છે.

ઇમ્પોર્ટ ડ્યૂટી વધવાથી તમારા ખિસ્સા પર કઈ રીતે અસર પડશે એ જાણીએ, તો એક લાખ રૂપિયાના સોના પર પહેલા છ ટકાની અસરકારક કસ્ટમ ડ્યુટીથી 6000 રૂપિયા શુલ્ક લાગતો હતો જે હવે વધીને 15000 રૂપિયા થઈ ગયો છે. એટલે કે 9 હજારનો વધારો. આ શુલ્કનો બોજ જ્વેલર્સ ગ્રાહકો પર જ નાખશે.

જો 24 કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ 6 ટકા કસ્ટમ ડ્યુટી સાથે 1,50,000 રૂપિયા હતો તો તેમાં 9 હજાર રૂપિયાનો શુલ્ક શામેલ હતો. એટલે કે સોનાની કિંમત શુલ્ક વિના 1,41,000 હતી. હવે, ઇમ્પોર્ટ ડ્યુટી 15 ટકા થયા પછી સોનાની અંદાજિત કિંમત 1,62,150 રૂપિયા થઈ જશે. એટલે કે સોનું 12,150 રૂપિયા પ્રતિ દસ ગ્રામ મોંઘું થઈ જશે