(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ઑલ ફોલ ડાઉનનું વલણ જળવાઈ રહ્યું હતું અને સત્ર દરમિયાન ભારે ચંચળતાના માહોલમાં ડૉલર સામે રૂપિયો એક તબક્કે ગઈકાલના બંધ સામે 12 પૈસા ગબડીને 95.80ની સપાટી સ્પર્શી ગયા બાદ અંતે સાધારણ એક પૈસાના સુધારા સાથે 95.66ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે સંભવિતપણે રિઝર્વ બૅન્કનો બજારમાં હસ્તક્ષેપ અને સરકારે સોનાની આયાત ઘટાડવા માટે ડ્યૂટીમાં કરેલા વધારાને કારણે રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.
અત્રે નોંધનીય બાબત એ છે કે પશ્ચિમ એશિયાની કટોકટીને પગલે ક્રૂડતેલના ભાવમાં આવેલા વધારા અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં આ વર્ષમાં અત્યાર સુધીમાં એશિયાના તમામ ચલણો પૈકી રૂપિયામાં સૌથી વધુ છ ટકાનું ધોવાણ અથવા તો સૌથી વધુ નબળી કામગીરી જોવા મળી હોવાનું ટ્રેડરોએ ઉમેર્યું હતું.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.68ના બંધ સામે સુધારાના અન્ડરટોને 95.52ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.80 અને ઉપરમાં 95.51ની રેન્જમાં રહીને અંતે ગઈકાલના બંધ સામે સાધારણ એક પૈસાના સુધારા સાથે 95.66ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે ગઈકાલે રૂપિયો 40 પૈસાના કડાકા સાથે 95.68ના મથાળે બંધ રહ્યો હતો.
હાલમાં ડૉલર સામે રૂપિયો 95.60 આસપાસની રેન્જમાં જોવા મળી રહ્યો છે, જે પશ્ચિમ એશિયાની ભૂરાજકીય કટોકટીને પગલે ક્રૂડતેલના ભાવમાં આવેલા ઉછાળાને પ્રતિબિંબિત કરે છે. જોકે, રિઝર્વ બૅન્કનો બજારમાં હસ્તક્ષેપ અને સોના પરની આયાત જકાતમાં વધારા જેવાં સરકારના ડ્યૂટી વિષયક પગલાં રૂપિયામાં નબળાઈ મર્યાદિત રાખે છે, એમ કોટક સિક્યોરિટીઝનાં કૉમૉડિટી અને કરન્સી રિસર્ચ વિભાગનાં હેડ અનિંદ્ય બેનરજીએ જણાવ્યું હતું. સોનાની ટૅરિફમાં વધારાથી સોનાની માગ દબાણ હેઠળ આવી શકે છે અને વિદેશી ચલણોનાં દબાણ પર તેની સકારાત્મક અસર પડી શકે છે, એવું ટ્રેડરનોનું માનવું છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા ભૂરાજકીય તણાવને કારણે તાજેતરમાં ક્રૂડતેલના ભાવમાં મક્કમ વલણ અને તેને કારણે ફુગાવામાં વધારો થવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નરમાઈ જળવાઈ રહેતાં 95.45થી 96.15 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે રિઝર્વ બૅન્કનો બજારમાં હસ્તક્ષેપ રૂપિયામાં ઘટાડો મર્યાદિત રાખી શકે છે.
આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના વધ્યા મથાળેથી 0.44 ટકા ઘટીને બેરલદીઠ 107.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ છતાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.22 ટકા વધીને 98.51 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 49.74 પૉઈન્ટનો અને 33.05 પૉઈન્ટનો સાધારણ સુધારો આવ્યો હોવાથી રૂપિયાને સાધારણ ટેકો મળ્યો હતો. જોકે, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1959.39 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.