શાંઘાઈ: ભારતીય મહિલા ટીમે રવિવારે ચીનને એની જ ધરતી પર તીરંદાજીના વર્લ્ડ કપની ફાઇનલમાં હરાવીને બહુ મોટી સિદ્ધિ મેળવી હતી. ત્રણ તીરંદાજની ભારતીય ટીમે ચીનને રસાકસીભરી ફાઈનલમાં 5-4 (28-26)થી હરાવીને ગોલ્ડ મેડલ પર કબજો કરી લીધો હતો.
ભારતીય ટીમને ‘મધર્સ ડે' ફળ્યો
રવિવાર 10મી મેએ ‘મધર્સ ડે'નો દિવસ ભારતની મહિલા ટીમને ખૂબ ફળ્યો. આ દિવસે દેશની ત્રણ દીકરીઓએ ચીની સ્પર્ધકોને તેમની જ ધરતી પર લપડાક લગાવીને ભારત માતાને સુવર્ણચંદ્રક અપાવ્યો છે, ચાર વર્ષે ફરી વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું છે.

ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન તીરંદાજ દીપિકા કુમારી તેમ જ અંકિતા ભકત અને કુમકુમ મોહોદ સહિતની ભારતીય ટીમ અને ચીનની ટીમ વચ્ચે આર્ચરી (Archery) વર્લ્ડ કપના બીજા તબક્કાના આ નિર્ણાયક મુકાબલામાં ચાર સેટના અંતે સ્કોર બરાબરીમાં હતો. ત્યાર બાદ પરિણામ લાવવા માટે શૂટ-ઑફ રાખવામાં આવ્યું હતું.
દીપિકાનો દમદાર પર્ફોર્મન્સ
શૂટ-ઑફ (Shoot-Off)માં પણ બંને દેશની ટીમ એકસમાન સ્કોર સાથે આગળ વધી રહી હતી. ફાઈનલનું પરિણામ બેમાંથી કોઈ પણ દેશની તરફેણમાં જઈ શકે એમ હતું. બંને દેશ તરફી ખેલાડીઓ અને પ્રેક્ષકોના જીવ અધ્ધર કરી મૂકે એવી દિલધડક સ્થિતિ સર્જાઇ હતી. જોકે થોડા વર્ષ પહેલાં વિશ્વમાં નંબર વન પર રહી પર રહી ચૂકેલી દીપિકા કુમારી (DEEPIKA KUMARI)એ ભારે માનસિક દબાણ વચ્ચે નવ (9)ના સ્કોર સાથે ભારતને વિજય અપાવ્યો હતો. ભારતે 5-4 (28-26)થી જીત હાંસલ કરતા જ દેશના નામે અનેરી સિદ્ધિ લખાઈ હતી. ચીનની મહિલા ટીમમાં ઝુ જિંગયી, હુઆન્ગ યુઈ અને ટીનેજ સ્પર્ધક યુ કીનો સમાવેશ હતો.

2021 પછી ભારત ફરી વર્લ્ડ ચેમ્પિયન
ભારતીય મહિલા તીરંદાજોની આ સફળતાથી દેશને 20021ની સાલ પછી ફરી એકવાર આર્ચરીના વર્લ્ડ કપનો ગોલ્ડ મેડલ મળ્યો છે.
સેમિ ફાઇનલમાં ઑલિમ્પિક વિજેતા કોરિયાને પછડાટ
ફાઇનલના થ્રિલર પહેલાં ભારતે દસ વખત ઑલિમ્પિક ચેમ્પિયન બની ચૂકેલા સાઉથ કોરિયાની સ્પર્ધકોને સેમિ ફાઇનલમાં હરાવી દીધી હતી.
ચીનમાં ભારતનો બીજો ચંદ્રક
ચીનમાં ચાલી રહેલા આર્ચરી વર્લ્ડ કપમાં ભારતનો આ બીજો ચંદ્રક છે. ભારતનો સાહિલ જાધવ કમ્પાઉન્ડ કૅટેગરીમાં શનિવારે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.