નવી દિલ્હીઃ ભારતીય ખેલકૂદ ક્ષેત્રના વહીવટકારો (Administrators)ને ચેતવણી આપવામાં આવી છે કે હવે પછી એકથી વધુ રમતોવાળી મોટી સ્પર્ધા દરમ્યાન ઍથ્લીટોની સાથે દેશ-વિદેશમાં જતા અધિકારીઓ જો ઍથ્લીટો તથા ખેલાડીઓના પર્ફોર્મન્સ પર પૂરતું ધ્યાન આપવાને બદલે `રજા' માણશે તો એવા અધિકારીઓને સ્પર્ધામાં અધવચ્ચેથી જ પાછા બોલાવી લેવામાં આવશે.
કેન્દ્ર સરકાર અધિકારીઓના આવા લાપરવાહીભર્યું અને ઉદાસીન વલણ જરાય નહીં ચલાવી લે. આવા અધિકારીઓએ સ્પર્ધા દરમ્યાન ભારતીય સ્પર્ધકોને લક્ષમાં રાખીને પોતાના શેડ્યૂલ બનાવવા પડશે.
બીજી રીતે કહીએ તો ઍથ્લીટો સાથેના પ્રવાસ દરમ્યાન કેટલાક વહીવટકારો `પેઇડ હૉલિડેઝ' (paid holidays) માણતા હોય છે જે હવે નહીં ચલાવી લેવાય અને તેમને એ પ્રવાસ અધૂરો મૂકીને પાછા આવી જવાનું કહી દેવામાં આવશે.
આગામી જુલાઈમાં સ્કૉટલૅન્ડમાં કૉમનવેલ્થ ગેમ્સ તથા સપ્ટેમ્બરમાં જાપાનમાં એશિયન ગેમ્સ યોજાવાની છે. આ બે દેશના પ્રવાસ માટે નક્કી થનારા સંઘમાં અધિકારીઓની સંખ્યા મોટા પ્રમાણમાં હશે અને તેમની ભૂમિકા પણ મહત્ત્વની બની રહેશે. ખેલકૂદ મંત્રાલય દ્વારા એ બે પ્રવાસમાં ઍથ્લીટો કેવું પર્ફોર્મ કરશે એ ઉપરાંત અધિકારીઓ પણ પોતાની જવાબદારી કેવી રીતે નિભાવશે એની સતત સમીક્ષા કરવામાં આવશે.