Wed May 13 2026

Logo

રિસાયેલી પત્ની પણ ચપટી વગાડતામાં માની જશે! 61 વર્ષ જૂનું એ ગીત જે આજે પણ છે રોમાન્સનું અસલી એન્થમ

2026-05-13 21:10:10
Author: Darshana Visaria
Article Image

ભારતીય સંગીતના સુવર્ણ યુગની એ એક એવી ક્ષણ હતી જ્યારે કિશોર કુમારનો તોફાની અંદાજ, મોહમ્મદ રફીની મધુરતા અને મુકેશનો દર્દભર્યો અવાજ આખા દેશ પર રાજ કરતો હતો. પરંતુ, આ દિગ્ગજોની વચ્ચે પણ એક એવા ગાયક પણ હતા કે જેમની પાસે ઈન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકનું વિશાળ ભાથું અને અવાજમાં અદભૂત 'વર્સેટિલિટી' હતી એ નામ એટલે મન્ના ડે અને 61 વર્ષ પહેલાં આવેલા જે કલ્ટ કવ્વાલી સોન્ગની આપણે વાત કરી રહ્યા છીએ એ ગીત એટલે 'અય મેરે ઝોહરા જબીં, તુઝે માલૂમ નહીં, તુ અભી તક હૈ હસીં ઔર મૈં જવાન...' 

આજે વાત કરવી છે એ કલ્ટ કવાલીની, જેણે 61 વર્ષ પહેલાં જન્મીને આજે પણ પ્રેમના આકાશમાં પોતાની ચમક જાળવી રાખી છે. વર્ષ હતું 1965નું અને ફિલ્મ હતી 'વક્ત'. સંગીતકાર રવિ એક એવી ધૂન તૈયાર કરી રહ્યા હતા કે જે સીધી અફઘાનિસ્તાનની પહાડીઓ પરથી ઉતરી આવી હતી. અફઘાન લોકસંગીતની એ ધૂનને જ્યારે ભારતીય કવાલીનું રૂપ આપવામાં આવ્યું, ત્યારે સૌથી મોટો સવાલ એ હતો કે આ ગીતને આખરે અવાજ કોણ આપશે?

એ સમયે મોહમ્મદ રફી એકદમ ફોર્મમાં અને સફળતાના શિખર પર હતા, તેમ છતાં પણ સંગીતકાર રવિ અને નિર્દેશક યશ ચોપરાએ મન્ના ડેની પસંદગી કરી. આ પાછળનું કારણ જણાવીએ તો આ ગીત કોઈ યુવાન પ્રેમીનું નહીં, પણ એક મધ્યમ વયના પતિનું હતું જે પોતાની પત્નીની આંખોમાં આજે પણ એ જ જુનું નૂર શોધી રહ્યો હતો. 

આવા આ રોમેન્ટિક મૂડના ગીત માટે જે ઠરેલપણું, ગંભીરતા અને મીઠાશ જોઈતી હતી, તે માત્ર મન્ના ડે પાસે જ હતી. મન્ના ડેએ ખુદ પણ એ વાત સ્વીકારી હતી કે કદાચ એટલે જ રફી સાહેબને છોડીને મને આ ગીત માટે પસંદ કરવામાં આવ્યો હતો.

સાહિર લુધિયાનવીના કલમે લખાયેલા એ શબ્દો 'અય મેરે ઝોહરા જબીં, તુઝે માલૂમ નહીં, તુ અભી તક હૈ હસીં ઔર મૈં જવાન...' આજે 61 વર્ષ બાદ પણ દરેક લગ્ન પ્રસંગ કે પાર્ટીની શાન છે. જ્યારે પણ કોઈ પતિ પોતાની પત્ની સામે આ ગીત ગાય છે, ત્યારે વાતાવરણમાં રોમાન્સની એક અલગ જ લહેર દોડી જાય છે અને માહોલમાં પ્રેમની સુગંધ ફેલાવવા લાગે છે. 

ભલે આ ગીત મધ્યમ વયના કપલ્સ માટે હતું, પણ તેની મસ્તી અને રજૂઆતે તેને દરેક ઉંમરના લોકોનું ફેવરિટ બનાવી દીધું છે. મન્ના ડે આ ગીતને પોતાનું સૌથી પ્રિય ગીત માનતા હતા, કારણ કે તેમાં સંગીતની સાદગી અને પ્રેમીની સાચી લાગણીઓ વણાયેલી હતી.