ધરમશાલાઃ આ વખતની આઇપીએલની શરૂઆતમાં સતત સાત મૅચ જીતીને ઘણા સમય સુધી નંબર-વન પર રહેનાર પંજાબે (PUNJAB) સોમવારે અહીં સતત ચોથી હાર જોવી પડી એને પગલે અખબારી માધ્યમોમાં તેમ જ ખાસ કરીને સોશ્યલ મીડિયામાં પંજાબની ટીમની ટીકા જે રીતે કરવામાં આવી છે અને ટીમની કેટલીક કચાશ તરફ આંગળી ચીંધવામાં આવી એને પગલે ટીમની માલિક પ્રીટિ ઝિન્ટા (PREITY ZINTA) ગુસ્સે થઈ છે અને પોતાની ટીમ વિશે ખોટી વાતો ફેલાવનારાઓને ચેતવ્યા છે અને સચોટ માહિતી જ લોકો સુધી પહોંચાડવા સતર્ક કર્યા છે.
પંજાબની ટીમમાં ગેરશિસ્ત છે, ખેલાડીઓ મેદાન પર હોય કે મેદાનની બહાર તેમનામાં શિસ્તનો અભાવ જોવા મળ્યો છે એવી વાતો વાઇરલ થતાં પ્રીટિ ઝિન્ટા ઉશ્કેરાઈ છે. તેણે `એક્સ' પર પોતાના હૅન્ડલ પર જણાવ્યું છે કે `કોઈની ટીકા કરવી અને ઇરાદાપૂર્વક (લક્ષ્યાંક બનાવીને) વખોડવું એ બન્ને વચ્ચે મોટો ફરક છે. રમતમાં જો યોગ્ય કારણો અને પુરાવા સાથે ચર્ચા થાય તો ચાલે, પણ કોઈ વ્યક્તિ કે ટીમ કે બૅ્રન્ડને નુકસાન કરવાના ઇરાદાથી જાણી જોઈને ખોટા નૅરેટિવ ફેલાવવામાં આવે એને જરાય હળવાશથી ન લેવાય. હું ભરોસાપાત્ર માધ્યમો અને મીડિયા પ્રોફેશનલો સહિત દરેકને વિનંતી કરું છું કે ખોટી અને ઉપજાવી કાઢેલી વાતો બીજા લોકો સુધી પહોંચાડતાં પહેલાં પોતાની જવાબદારી શું છે એ સમજી રાખજો.'
અક્ષર-મિલરની 64 રનની ભાગીદારી
સોમવારે ધરમશાલામાં પંજાબે પાંચ વિકેટે 210 રન બનાવ્યા પછી દિલ્હીએ કૅપ્ટન અક્ષર પટેલના 56 રન, ડેવિડ મિલરના 51 રન, આશુતોષ શર્માના 24 રન, નવા ખેલાડી માધવ તિવારીના અણનમ 18 તેમ જ આકિબ નબીના અણનમ 10 રનની મદદથી 19 ઓવરમાં સાત વિકેટે 216 રન બનાવીને વિજય મેળવી લીધો હતો. અક્ષર-મિલર વચ્ચે 64 રનની ભાગીદારી થઈ હતી જે પંજાબને નડી હતી. એ મૅચમાં પંજાબના કૅપ્ટન શ્રેયસ ઐયરે મુખ્ય સ્પિનર અને આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર યુઝવેન્દ્ર ચહલને બોલિંગ જ નહોતી આપી. જોકે પંજાબના પાંચ-પાંચ બોલર પણ દિલ્હીને લક્ષ્યાંક મેળવતા નહોતા રોકી શક્યા અને પંજાબે સતત ચોથી હાર જોવી પડી હતી.
પંજાબના ફ્રૅન્ચાઇઝીએ `એક્સ' પર એક પોસ્ટમાં જણાવ્યું છે, `રમતગમતમાં ટીકા તો થાય અને મસ્તીમજાક પણ થતી રહે. મંતવ્યો પણ ખેલકૂદનો એક હિસ્સો જ ગણાય, પરંતુ હલકી પબ્લિસિટી મેળવવા ખોટી સ્ટોરીઓ બનાવીને ચગાવવી એ જરાય ન સાંખી લેવાય. અમે દરેકને વિનંતી કરીએ છીએ કે કોઈ પણ વાતને (સાચી છે કે ખોટી એ) ચકાસ્યા વિના ન ફેલાવો.'
ચહલને કેમ બોલિંગ નહોતી અપાઈઃ
સોમવારે ધરમશાલામાં પંજાબનો દિલ્હી સામે ત્રણ વિકેટે જે મૅચમાં પરાજય થયો એમાં પંજાબના કૅપ્ટન શ્રેયસ ઐયરે ટીમના મુખ્ય સ્પિનર અને આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ 229 વિકેટ લઈ ચૂકેલા યુઝવેન્દ્ર ચહલને એક પણ ઓવર બોલિંગ નહોતી આપી અને એ મુદ્દો થોડો ચર્ચાસ્પદ થતાં પંજાબના સ્પિન-બોલિંગ કોચ સાઇરાજ બહુતુલેએ પત્રકારોને કહ્યું કે `ટાઇમ-આઉટ વખતે અમે ચર્ચા કરી જ હતી કે સ્પિનર્સને બોલિંગ આપવી જોઈએ. જોકે બૉલ ઘણો સીમ થતો હતો અને ફાસ્ટ બોલર્સને પિચ પર ઘણી મદદ મળી રહી હતી એટલે અમે ફાસ્ટ બોલર્સને જ બોલિંગ આપતા રહેવાનું નક્કી કર્યું હતું. દિલ્હીની એક મોટી ભાગીદારી અમને નડી ગઈ હતી.'