Fri Jun 19 2026

Logo

અમેરિકાના ટેક્સાસમાં ભારતીય પરિવારમાં પુત્રએ જ પરિવારના ત્રણ લોકોને ગોળી મારી હત્યા કરી

Texas   2026-06-19 21:41:28
Author: Chandrakant Kanoja
Article Image

 ટેક્સાસ: અમેરિકાના ટેક્સાસમાં ભારતીય પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરવામાં આવી છે. જેમાં પરિવારના આંતરિક ખટરાગમાં પુત્રએ તેની માતા, પિતા અને દાદીને માથા પર ગોળી મારીને હત્યા કરી હતી. આ યુવાન પંજાબના નવાશહર જિલ્લાના લખપુર ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું  છે. આ યુવાનની ઉંમર માત્ર 19 વર્ષની છે. પોલીસે તેની ધરપકડ કરી છે.  

ગૌરવ ચોપરા નામના યુવકની ધરપકડ

આ અંગેની વિગતો મુજબ, ટેક્સાસના એલ્ટન શહેરમાં પરિવારના ત્રણ સભ્યોની ગોળી મારીને હત્યા કરવાના કેસમાં ગૌરવ ચોપરા નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે.  શેરિફ ઓફિસના જણાવ્યા અનુસાર મૃતકોની ઓળખ  સ્વિતા રામ 56 વર્ષ,  કમલેશ રાની 46 વર્ષ, અને મિંદર કૌર 73 વર્ષ  તરીકે થઈ છે. 

દુર્ઘટના સ્થળેથી એક હેન્ડગન પણ મળી આવી હતી

આ ઘટનાની તપાસ કરતાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપી ગૌરવ ચોપરાએ તેના માતાપિતા અને દાદીને ગોળી મારી હતી. આ ઘટના દરમિયાન તેણે તેના ભાઈ પર પણ ગોળીબાર કર્યો હતો જે  ભાગી ગયો હતો. તેના ભાઈએ  ઘટનાની જાણ કરવા પોલીસને ફોન કર્યો હતો. જ્યારે આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો પરંતુ પીછો કર્યા પછી પોલીસે તેની ધરપકડ કરી હતી. આ  દરમિયાન થયેલા ટ્રાફિક અકસ્માતમાં બે અન્ય લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત સ્થળેથી એક હેન્ડગન પણ મળી આવી હતી.

આરોપી યુનિવર્સિટી ઓફ ટેક્સાસ રિયો ગ્રાન્ડે વેલીનો વિદ્યાર્થી

ગૌરવ ચોપરા પર હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ  કોર્ટમાં હાજરી દરમિયાન તેના પર મોતની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેને જામીન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. શેરિફ એડી ગુએરાએ જણાવ્યું હતું કે હત્યા પાછળના હેતુની તપાસ ચાલુ છે. આ આરોપી યુનિવર્સિટી ઓફ ટેક્સાસ રિયો ગ્રાન્ડે વેલી નો વિદ્યાર્થી હોવાનું જાણવા મળ્યું છે.