Fri Jun 19 2026

Logo

‘ટાઇગર અકેલા શિકાર કરતા હૈ’: શિવસેનાના 60મા સ્થાપના દિવસે એકનાથ શિંદેની ગર્જના

2026-06-19 22:18:11
Author: Yogesh D Patel
Article Image

મુંબઈ: ‘કુત્તે ઝુંડમાં આકે ભોંકતે હૈ, ટાઇગર અકેલા શિકાર કરતા હૈ. શ્ર્વાનો ભસે છે, પણ ટાઇગર ગર્જના કરે છે. આ વાસ્તવિક શિવસેના છે. આજે આપણે જોઇ રહ્યા છીએ કે પૂજ્ય બાળાસાહેબ ઠાકરે અને ધર્મવીરોના વિચારો સાથે આપણે આગળ વધી રહ્યા છીએ, એમ  શિવસેનાના 60મા સ્થાપના દિને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગોરેગામના નેસ્કો સેન્ટરમાં ભાષણ આપતી વખતે જણાવ્યું હતું.

શિવસેનાનો જન્મ મરાઠી લોકોના સ્વાભિમાન માટે થયો છે. દેશદ્રોહીઓ પર હુમલો, પ્રિય બહેનોનું સ્વાભિમાન, ખેડૂતોનો તારણહાર તેમ જ વારકરીઓનો જયજયકાર એટલે શિવસેના, આવું કહીને તેમણે ઉપસ્થિત લોકોમાં સ્ફૂર્તિ લાવી દીધી હતી. 

શિંદએ કહ્યું હતું કે શિવસેના જમીનનો ટુકડો નથી, પણ કાળજાનો ટુકડો છે. મહારાષ્ટ્રમાં ભગવાનાં વાદળો છવાયાં છે. રાજ્યમાં બધે જ ભગવો લહેરાઇ રહ્યો છે, જેનો મને ગર્વ છે. આપણી મહાયુતિ મજબૂત છે અને અમે ટીમ તરીકે કામ કરી રહ્યા છીએ. અમારો પગ એક્સિલરેટર પર છે અને ગાડી વિકાસ તરફ પૂરપાટ વેગે ભાગી રહી છે. 

મેં ગરીબી જોઇ છે. આથી રાજ્યમાં લાડકી બહિણ યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો. જોકે અનેક લોકોએ તેનો વિરોધ કર્યો હતો, પણ કોઇ માઇનો લાલ નથી બન્યો, જે આ યોજનાને બંધ કરી શકે. શિવસેનાને પહેલા રાષ્ટ્રવાદીએ ફોડી અને બાદમાં કૉંગ્રેસે. શિવસેનાને જે વ્યક્તિ ભૂલી એ રાજકારણમાં ખલાસ થઇ સમજો. પક્ષ એટલે શિવસૈનિકો, તેમના જોર પર આપણે ચૂંટાઇ આવીએ છીએ. ચૂંટણી આવે એટલે આપણે કાર્યકર્તાઓે લાડ લડાવીએ છીએ, પણ બાદમાં તેમને આપણે નજરઅંદાજ કરીએ છીએ. 

કાર્યકર્તાઓ જ આપણો પ્રચાર કરે છે અને મહત્ત્વનો ફાળો આપે છે, તેમને આપણે ભૂલવું ન જોઇએ, એમ તેમણે કહ્યું હતું.