Fri Sep 04 2026

Logo

યુવરાજ સિંહ વિશે નવું અપડેટ: દિલ્હી કૅપિટલ્સનો બૅટિંગ-કોચ બનશે

2026-06-19 22:39:08
Author: Ajay Motiwala
યુવરાજ સિંહ વિશે નવું અપડેટ: દિલ્હી કૅપિટલ્સનો બૅટિંગ-કોચ બનશે

નવી દિલ્હીઃ 2027ની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પહેલાં દિલ્હી કૅપિટલ્સ (DC)નું ફ્રૅન્ચાઇઝી પોતાની ટીમમાં મોટો ફેરફાર કરવા વિચારે છે અને એના ભાગરૂપે ભૂતપૂર્વ સ્ટાર ઑલરાઉન્ડર યુવરાજ સિંહ (YUVRAJ SINGH)ને આ ફ્રૅન્ચાઇઝીએ પોતાની ટીમનો બૅટિંગ-કોચ બનાવવા તેનો સંપર્ક કર્યો હોવાનું જાણવા મળ્યું છે. એ સાથે, આઇપીએલમાં યુવી પહેલી જ વખત કોચ તરીકેની જવાબદારી સંભાળશે.

આ ટીમ છેલ્લાં થોડાં વર્ષોથી ખૂબ સંઘર્ષ કરતી જોવા મળી રહી છે, પણ હવે એ સંઘર્ષ ઘટી શકે એમ છે. યુવરાજ સિંહ આઇપીએલમાં કુલ છ ટીમ વતી રમ્યો હતો જેમાં દિલ્હી કૅપિટલ્સનો પણ સમાવેશ હતો. તેણે 11 વર્ષની આઇપીએલની કારકિર્દીમાં 126 ઇનિંગ્સમાં 2,750 રન બનાવ્યા હતા અને બોલર તરીકે 73 ઇનિંગ્સમાં 36 વિકેટ લીધી હતી. જોકે આંતરરાષ્ટ્રીય ફલક પર તેનો પર્ફોર્મન્સ વધુ સારો હતો.

2027ની આઇપીએલ મોટા ભાગે માર્ચના બીજા અઠવાડિયામાં શરૂ થશે અને મે મહિનાની મધ્ય સુધી ચાલશે. એ ટૂર્નામેન્ટમાં ડીસીની ટીમના સપોર્ટ સ્ટાફમાં યુવરાજ સામેલ થવાથી ટીમ અત્યારથી જ મજબૂત થઈ રહી છે. અક્ષર પટેલ આ ટીમનો સુકાની છે.

44 વર્ષીય યુવી યુવાન ખેલાડીઓમાં ખૂબ લોકપ્રિય છે. તેણે અભિષેક શર્મા, શુભમન ગિલ અને પ્રભસિમરન સિંહને કોઈને કોઈ રીતે કોચિંગ આપ્યું છે અને આ ખેલાડીઓ નવી ઊંચાઈ સર કરી રહ્યા છે. આ કારણસર જ ડીસીનું ફ્રૅન્ચાઇઝી યુવીને પોતાની ટીમ સાથે જોડવા માગે છે. યુવી યુવા ખેલાડીઓને તાલીમ આપતો હોય ત્યારે માત્ર ફોનથી કે વર્ચ્યુઅલ મીટિંગથી જ તાલીમને સીમિત નથી રાખતો. તે કલાકો સુધી મેદાન પર તેમની સાથે રહે છે અને તેનો આ અભિગમ ઘણા યુવાન ખેલાડીઓને ફાયદારૂપ બન્યો છે.