પાંચ સત્રની તેજીને પંક્ચર પડતા સેન્સેક્સ 607 પૉઈન્ટ અને નિફ્ટી 154 પૉઈન્ટ તૂટ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આઈટી ક્ષેત્રની વૈશ્વિક અગ્રણી કંપની એસેન્ચરે ગઈકાલે જાહેર કરેલા પરિણામ બજારની અપેક્ષા કરતાં નબળા આવ્યા હતા તેમ જ સંપૂર્ણ વર્ષની રેવેન્યૂનું ગાઈડન્સ પણ નબળું આપ્યું હોવાથી આજે વિશ્વ બજાર પાછળ આઈટી શૅરોમાં વ્યાપક વેચવાલીનું દબાણ અને અમેરિકા-ઈરાન વચ્ચેની શાંતિ ડીલ અંગે આજે સ્વિટ્ઝર્લેન્ડ ખાતે વાટાઘાટ થવાની હતી તે મુલતવી રાખવામાં આવી હોવાના અહેવાલો સાથે વૈશ્વિક બજારોમાં ભૂરાજકીય તણાવ ફરી સપાટી પર આવ્યો હતો. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પાંચ સત્રની તેજીને પંક્ચર પડ્યું હતું,
જેમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ સત્ર દરમિયાન 940.26 પૉઈન્ટ ઘટ્યા બાદ અંતે 607.08 પૉઈન્ટના ઘટાડા સાથે અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો 50 શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી સત્ર દરમિયાન 266.10 પૉઈન્ટ ઘટ્યા બાદ અંતે 154.90 પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે છેલ્લાં પાંચ સત્રમાં સેન્સેક્સમાં 3577.43 પૉઈન્ટની અને નિફ્ટીમાં 1006.4 પૉઈન્ટની તેજી જોવા મળી હતી.
આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના 77,409.98ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 76,852.86ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 76,469.72 અને ઉપરમાં 76,901.65ની રેન્જમાં રહીને અંતે ગઈકાલના બંધ સામે 0.78 ટકા અથવા તો 607.08 પૉઈન્ટ ઘટીને 76,802.90ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નિફ્ટી ગઈકાલના 24,168ના બંધ સામે 23,991.20ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન 23,901.90થી 24,047.20ની રેન્જમાં રહીને અંતે ગઈકાલના બંધ સામે 0.64 ટકા અથવા તો 154.90 પૉઈન્ટ ઘટીને 24,013.10ની સપાટીએ બંધ રહ્યો હતો.
જોકે, આજે ઘટાડાના માહોલમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 31,442.87 કરોડની ખરીદી સામે રૂ. 26,583.80 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 4859.07 કરોડની ચોખ્ખી લેવાલી રહી હતી, જ્યારે તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 18,020.49 કરોડની ખરીદી સામે રૂ. 19,180.13 કરોડની વેચવાલી રહેતાં રૂ. 1159.64 કરોડની ચોખ્ખી વેચવાલી જોવા મળી હતી.
એકંદરે વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચેના શાંતિ કરાર અંગે આજે થનારી વાટાઘાટો મુલતવી રાખવામાં આવી હોવાના નિર્દેશો સાથે ભૂરાજકીય તણાવ સપાટી પર આવતા પાંચ સત્રની તેજી બાદ નફારૂપી વેચવાલીનું દબાણ ઉપરાંત ગઈકાલે એસેન્ચરે તેનાં સંપૂર્ણ વર્ષ માટેના રેવેન્યૂ ગાઈડન્સમાં સાવચેતીનો અભિગમ વ્યક્ત કર્યો હોવાથી આજે આઈટી શૅરોમાં વેચવાલીનું દબાણ વધ્યું હોવાથી બૅન્ચમાર્ક વધુ દબાણ હેઠળ આવ્યા હોવાનું ઓનલાઈન ટ્રેડિંગ અને વૅલ્થ કંપની એનરીચ મીના ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર પોન્મુડીએ જણાવ્યું હતું.
આઈટી ક્ષેત્રની વૈશ્વિક અગ્રણી કંપની એસેન્ચરે ખર્ચ, વિલંબિત સોદાઓમાં રૂપાંતરણો અને ગ્રાહકોના ખર્ચની પેટર્નને ધ્યાનમાં લેતા સંપૂર્ણ વર્ષની રેવેન્યૂ અંગે સાવચેતીનું વલણ દાખવ્યું હોવાથી તેમ જ પશ્ચિમ એશિયાની ભૂરાજકીય તણાવની ચિંતા સપાટી પર આવતા બજાર પર માઠી અસર પડી હોવાનું રેલિગેર બ્રોકિંગના સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ અજિત મિશ્રાએ જણાવતા ઉમેર્યું હતું કે એસેન્ચરના નબળા ગાઈડન્સને ધ્યાનમાં લેતા ભારીચ ટેક્નોલૉજી કંપનીઓની માગ પર માઠી અસર પડવાની શક્યતાને ધ્યાનમાં લેતા આઈટી શૅરોમાં વ્યાપક વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું અને તેમાં પાંચ સત્રની તેજી પશ્ચાત્ નફારૂપી વેચવાલીનું દબાણ પણ રહેતા ગબડતી બજારને ઢાળ મળ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આજે બીએસઈ ખાતે 4415 શૅરોમાં કામકાજ થયા હતા, જેમાં 2110 શૅરના ભાવ વધીને, 2138 શૅરના ભાવ ઘટીને અને 167 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ આજે 169 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 66 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા. વધુમાં એક્સચેન્જની આંકડાકીય માહિતી અનુસાર આજે સેન્સેકસ હેઠળના 30 શૅર પૈકી 12 શૅરના ભાવ વધીને અને 18 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. આજે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ 6.69 ટકાનો ઘટાડો ઈન્ફોસિસમાં નોંધાયો હતો. ત્યાર બાદ અનુક્રમે ટીસીએસમાં 3.53 ટકાનો, એચસીએલ ટેક્નોલૉજીસમાં 2.74 ટકાનો, ટેક મહિન્દ્રામાં 2.47 ટકાનો, એચડીએફસી બૅન્કમાં 2.32 ટકાનો અને મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં 2.11 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ ઈટર્નલમાં 2.21 ટકાનો, ભારતી એરટેલમાં 1.80 ટકાનો, પાવરગ્રીડ કોર્પોરેશનમાં 1.32 ટકાનો, એનટીપીસીમાં 1.04 ટકાનો, ટાઈટનમાં 0.84 ટકાનો અને આઈટીસીમાં 0.79 ટકાનો સુધારો આવ્યો હતો.
આજે બીએસઈ ખાતે સ્મોલકેપ ઈન્ડેક્સ 0.62 ટકા અને મિડકેપ ઈન્ડેક્સ 0.42 ટકા વધીને બંધ રહ્યા હતા. તેમ જ આજે સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં બીએસઈ આઈટી ઈન્ડેક્સમાં 3.57 ટકાનો અને ફોકસ્ડ આઈટી ઈન્ડેક્સમાં 2.81 ટકાનો કડાકો બોલાયો હતો. આ સિવાય ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં 1.21 ટકાનો, એનર્જી ઈન્ડેક્સમાં એક ટકાનો, રિઅલ્ટી ઈન્ડેક્સમાં 0.94 ટકાનો અને પીએસયુ બૅન્ક ઈન્ડેક્સમાં 0.61 ટકાનો ઘટાડો આવ્યો હતો. તેની સામે આજે ટેલિકોમ્યુનિકેશન ઈન્ડેક્સમાં 1.59 ટકાનો, પાવર ઈન્ડેક્સમાં 1.02 ટકાનો, ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડેક્સમાં 0.83 ટકાનો, હૅલ્થકૅર ઈન્ડેક્સમાં 0.76 ટકાનો અને યુટિલિટી ઈન્ડેક્સમાં 0.39 ટકાનો સુધારો આવ્યો હતો.
દરમિયાન આજે એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાના કોસ્પીમાં સાધારણ ઘટાડો આવ્યો હતો અને જાપાનનો નિક્કી 225 સુધારા સાથે બંધ રહ્યો હતો, જ્યારે શાંઘાઈ અને હૉંગકૉંગની બજાર બંધ રહી હતી. જોકે, આજે યુરોપના બજારોમાં મધ્યસત્ર દરમિયાન સાધારણ સુધારો જોવા મળ્યો હતો.