નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયન દેશોમાં પુનઃ શાંતિ સ્થપાતા ઈરાન-અમેરિકા વચ્ચે થયેલા યુદ્ધને કારણે ક્નઝાઈન્મેન્ટોની હેરફેર નોંધપાત્ર વિક્ષેપિત થવાથી વધી ગયેલા ઈનપૂટ ખર્ચમાં ઘટાડો થશે અને ભારતીય નિકાસકારોની ઓર્ડરબૂકમાં સુધારો થવાની શક્યતા નિકાસકારોના સંગઠન ફેડરેશન ઑફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (ફિઓ)એ વ્યક્ત કરી છે.
ફિઓએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા વિવાદને કારણે ભારતના વેપારનું વૉલ્યૂમ દબાણ હેઠળ આવ્યું હતું, ખાસ કરીને વિક્ષેપોના પ્રમાણમાં વધારો થવાથી મધ્ય પૂર્વ ખાતેની નિકાસ પર માઠી અસર પડી હતી. જોકે, હવે યુદ્ધ વિરામની સાથે અમે નિકાસકારોની ઓર્ડરબૂકમાં તાત્કાલિક ધોરણે સુધારો જોવા મળે તેવી ધારણા મૂકી રહ્યા છીએ, એમ ફિઓના પ્રમુખ એસસી રલ્હને જણાવ્યું હતું.
પશ્ચિમ એશિયામાં સ્થિરતા થવાથી ગ્રાહકલક્ષી અને ઔદ્યોગિક માગમાં વધારો થયો છે, જેનાથી ભારતીય નિકાસકારો માટે તેની હાજરી વધારવા અને આગામી કેટલાક ત્રિમાસિકગાળામાં માલસામાનની હેરફેરને વેગ આપવાનો માર્ગ મોકળો થયો છે. ઉલ્લેખનીય બાબત એ છે કે દેશની કુલ ક્રૂડતેલની આવશ્યકતા પૈકી 85 ટકાથી વધુ માગ આયાતથી સંતોષાતી હોવાથી વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના ભાવની વધઘટ આપણાં સ્થાનિક ઉત્પાદન ખર્ચનું માળખું નિર્ધારિત કરે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
એકંદરે પ્રાદેશિક પુરવઠાચેઈન સામેના જોખમે અગાઉ બે્રન્ટ ક્રૂડતેલના ભાવ ઊંચી સપાટીએ પહોંચાડી દીધા હોવાથી ભારતનાં હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સમાં વધારો થયો હતો. જોકે, હવે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિના સમજૂતી કરાર થતાં ક્રૂડતેલના ભાવ ઝડપભેર ઘટીને બેરલદીઠ 78 ડૉલર આસપાસ પહોંચ્યા છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ભૂરાજકીય જોખમના પ્રીમિયમમાં પણ ઘટાડો થવાથી ભારતનું આયાત બિલ ઘટવાની સાથે ઈંધણ આધારિત ફુગાવો પણ ઘટે છે. તેમ જ પ્લાસ્ટિક, પેઈન્ટ, ટેક્સ્ટાઈલ અને રસાયણ જેવાં ક્રૂડ આધારિત ક્ષેત્રોમાં સ્પર્ધાત્મકતામાં પણ વધારો થાય છે.
વધુમાં તેમણે એવું પણ અવલોકન કર્યું હતું કે ક્રૂડતેલના ભાવમાં ઘટાડાની સાથે કરન્સી બજારે પણ પ્રોત્સાહક પ્રતિસાદ આપ્યો હતો અને વિદેશી મૂડીગત્ આંતરપ્રવાહ થતાં ડૉલર સામે રૂપિયામાં સુધારો જોવા મળ્યો હતો અને રૂપિયો વધીને 94થી 94.50 આસપાસની સપાટીએ પહોંચ્યો હતો. એકંદરે નિકાસકારો માટે અનુમાનિત અને સ્થિર ચલણ સલામત હેજિંગ સુનિશ્ચિત કરે છે, માર્જિનનું રક્ષણ કરે છે અને લાંબાગાળાના વેપાર કરારોને ઐતિહાસિક રીતે પ્રભાવિત કરતી અસ્થિરતા દૂર કરે છે.
ચાલુ ખાતાની ખાધમાં ઘટાડો એકંદર અર્થતંત્રને મજબૂત રાજકોષીય દાવપેચનો અવકાશ આપે છે, એમ જણાવતાં તેમણે પરિવહન અંગે કહ્યું હતું કે દરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ તાત્કાલિક ધોરણે ખોલવો કેમ કે ત્યાંથી ભારતની આશરે અડધી ક્રૂડતેલની આયાત અને ક્નટેનરો વિશાળ હિસ્સો પસાર થાય છે. તેમ જ વૈશ્વિક પુરવઠા ચેઈન માટે એ સૌથી મોટી રાહત છે.
એકંદરે યુએસ નૌકાદળની નાકાબંધી હટાવી અને સામાન્ય ટ્રાફિકની પુનઃ સ્થાપના લાંબા દરિયાઈ માર્ગને દૂર કરે છે. જેનાથી યુરોપિયન યુનિયન, યુએસ અને પશ્ચિમ એશિયામાં ભારતની નિકાસ વધુ સ્પર્ધાત્મક બનાવે છે. હાલમાં ભારતમાંથી માલસામાન લઈ જતાં જહાજો કેપ હોપ ગૂડ હોપનો લાંબો માર્ગ અપનાવી રહ્યા છે, પરિણામે માલસામાનની ડિલિવરીમાં વિલંબ થવાની સાથે નૂર ભાડા અને વીમા પ્રીમિયમમાં પણ વધારો થયો છે.