નવી દિલ્હી: 2027ની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) પહેલાં દિલ્હી કૅપિટલ્સ (DC)નું ફ્રૅન્ચાઇઝી પોતાની ટીમમાં મોટો ફેરફાર કરવા વિચારે છે. અહેવાલ અનુસાર ભૂતપૂર્વ સ્ટાર ઑલરાઉન્ડર યુવરાજ સિંહ (YUVRAJ SINGH) હવે આ ફ્રૅન્ચાઇઝી સાથે નવી ભૂમિકામાં જોવા મળશે તો નવાઈ નહીં.
જો આવું થશે તો ડીસી માટે મોટો ટર્નિંગ પૉઇન્ટ સાબિત થઈ શકે છે. આ ટીમ છેલ્લાં થોડા વર્ષોથી ખૂબ સંઘર્ષ કરતી જોવા મળી રહી છે, પણ હવે એ સંઘર્ષ ઘટી શકે એમ છે. યુવરાજ સિંહ આઇપીએલમાં કુલ છ ટીમ વતી રમ્યો હતો. તેણે 11 વર્ષની કારકિર્દીમાં 126 ઇનિંગ્સમાં 2,750 રન બનાવ્યા હતા અને બોલર તરીકે 73 ઇનિંગ્સમાં 36 વિકેટ લીધી હતી. જોકે આંતરરાષ્ટ્રીય ફલક પર તેનો પર્ફોર્મન્સ વધુ સારો હતો.
2027ની આઇપીએલ મોટા ભાગે માર્ચના બીજા અઠવાડિયામાં શરૂ થશે અને મે મહિનાની મધ્ય સુધી ચાલશે. એ ટૂર્નામેન્ટમાં ડીસીની ટીમના સપોર્ટ સ્ટાફમાં યુવરાજ સામેલ થશે એવી સંભાવના છે. સૌરવ ગાંગુલીના નિયંત્રણમાં બીજી વાર આ ટીમ આવવાની સાથે યુવીને સપોર્ટ સ્ટાફનો હેડ બનાવવામાં આવશે એવી બાતમીને ડીસીના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ આપી હોવાનું મનાય છે.
44 વર્ષીય યુવી યુવાન ખેલાડીઓમાં ખૂબ લોકપ્રિય છે. તેણે અભિષેક શર્મા, શુભમન ગિલ અને પ્રભસિમરન સિંહને કોઈને કોઈ રીતે કોચિંગ આપ્યું છે અને આ ખેલાડીઓ નવી ઊંચાઈ સર કરી રહ્યા છે. આ કારણસર જ ડીસીનું ફ્રૅન્ચાઇઝી યુવીને પોતાની ટીમ સાથે જોડવા માગે છે. યુવી યુવા ખેલાડીઓને તાલીમ આપતો હોય ત્યારે માત્ર ફોનથી કે વર્ચ્યુઅલ મીટિંગથી જ તાલીમને સીમિત નથી રાખતો. તે કલાકો સુધી મેદાન પર તેમની સાથે રહે છે અને તેનો આ અભિગમ ઘણા યુવાન ખેલાડીઓને ફાયદારૂપ બન્યો છે.