ગોલ્ડમેન સાશે વર્ષના અંત સુધીમાં સોનાના ભાવનો અંદાજ ઘટાડીને 4900 ડૉલર મૂક્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી તંગ નાણાનીતિ જાળવી રાખે તેવા અણસાર ઉપરાંત અમેરિકા અને ઈરાન વચ્ચે આજે થનારી ડીલ અને વાટાઘાટો અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીમાં ભાવઘટાડો આગળ ધપ્યો હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 8218નો અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 3110થી 3123નો ઘટાડો આગળ ધપ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી આયાત પડતરો ઘટવાને કારણે વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ ઉપરાંત ભાવઘટાડાના માહોલમાં ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 8218 ઘટીને રૂ. 2,31,973ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ ઘટતી બજારે રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં વિશ્વ બજાર પાછળ વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 3110 ઘટીને રૂ. 1,44,390 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 3123 ઘટીને રૂ. 1,44,970ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 1.5 ટકા ઘટીને આૈંસદીઠ 4145.02 ડૉલર અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ 1.9 ટકાના ઘટાડા સાથે 4163.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 1.8 ટકા તૂટીને આૈંસદીઠ 64.61 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
તાજેતરમાં સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણને ધ્યાનમાં લેતા ગોલ્ડમેન સાશે આ વર્ષના અંત સુધીમાં સોનાના ભાવનો અંદાજ જે અગાઉ 5400 ડૉલરનો મૂક્યો હતો તે હવે ઘટાડીને 49800 ડૉલરનો મૂક્યો હોવાનું એક નોટ્સમાં જણાવ્યું હતું.
ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વે તંગ નાણાનીતિના સંકેત આપવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું ઝેનર મેટલ્સનાં સ્ટ્રેટેજિસ્ટ પીટર ગ્રાન્ટે જણાવતાં ઉમેર્યું હતું કે ગઈકાલે ફેડરલ રિઝર્વે અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્ રાખ્યા હતા, પરંતુ કુલ 19 નીતિઘડવૈયાઓ પૈકી નવ ઘડવૈયાઓનું મંતવ્ય વર્ષના અંત પૂર્વે એક વખત વ્યાજદરમાં વધારો કરવાનું હોવાથી ડૉલર ઈન્ડેક્સમાં આગેકૂચ જળવાઈ રહેતાં સોનું વધુ ઘટ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.
અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિના સુધીમાં વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો વધારો કરે તેવી 70 ટકા શક્યતા બજાર વર્તુળો સીએમઈ ફેડ વૉચ ટૂલ પર જોઈ રહ્યા હતા. સામાન્યપણે ફુગાવામાં વધારો થાય ત્યારે સોનામાં હેજરૂપી માગ ખૂલતી હોય છે, પરંતુ વધતા ફુગાવાને અંકુશમાં રાખવા વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા પ્રબળ હોવાથી સોનાના ભાવ દબાણ હેઠળ આવી રહ્યા હોવાનું બજાર વર્તુળો જણાવે છે.