(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર કરારમાં પ્રગતિ થઈ રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે સત્ર દરમિયાન એક તબક્કે ગઈકાલના બંધ સામે 20 પૈસાનો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ ત્યાર બાદ વિશ્વ બજારમાં અમેરિકા અને ઈરાન વચ્ચે આજે થનારી શાંતિ અંગેની વાટાઘાટોમાં અનિશ્ચિતતા પ્રવર્તી રહી હોવાના અહેવાલો વહેતા થતાં ડૉલર ઈન્ડેક્સમાં અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં તેજીને બે્રક લાગવાની સાથે ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1025.20 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવતાં સત્રના અંતે રૂપિયો સાધારણ સાત પૈસાના સુધારા સાથે 94.33ની સપાટીએ બંધ રહ્યો હતો.
આજે દેશના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે તેનાં તેના વાટાઘાટકર્તાઓને વહેલી તકે વેપાર કરારને અંતિમ ઓપ આપવા નિર્દેશ આપ્યો હોવાનું જણાવતાં સુધારાતરફી વલણ રહ્યું હતું, પરંતુ અમેરિકી ઉપપ્રમુખ જે ડી વાન્સે તેની સ્વિટ્ઝર્લેન્ડની મુલાકાત વ્હાઈટ હાઉસ ખાતે પરિવહનની સમસ્યાને કારણે પડતી મૂકી હોવાનું જણાવતાં અમેરિકા સાથે ઈરાનની ડીલ અંગે અનિશ્ચિતતા સપાટી પર આવતા બજારનું માનસ ખરડાઈ ગયું હોવાનું ફોરેક્સટ્રેડરોએ જણાવ્યું હતું.
દરમિયાન આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 94.40ના બંધ સામે સુધારા સાથે 94.30ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 94.52 અને ઉપરમાં 94.20ની રેન્જમાં રહીને અંતે ગઈકાલના બંધ સામે સાત પૈસાના સુધારા સાથે 94.33ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં 10 પૈસાનો સુધારો આવ્યો હતો.
એકંદરે વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના ભાવમાં જોવા મળેલા ઘટાડા સાથે દેશમાં મૂડીગત્ આંતરપ્રવાહને ધ્યાનમાં લેતાં એશિયન બજારમાં રૂપિયામાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં 94.10ની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને 94.90ની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા એચડીએફસી સિક્યોરિટીઝના વિશ્લેષક દિલીપ પરમારે વ્યક્ત કરી હતી.
આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.08 ટકા વઘટીને 100.76 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.65 ટકા ઘટીને બેરલદીઠ 79.33 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 607.08 પૉઈન્ટનો અને 154.90 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.