Wed Jun 17 2026

Logo

સવારે મેસીના જાદુ જોયા, હવે રાત્રે રોનાલ્ડોનો અનોખો વર્લ્ડ રેકૉર્ડ જોવા મળી શકે

New York   2026-06-17 16:51:24
Author: Ajay Motiwala
Article Image

Cristiano Ronaldo


ન્યૂ યૉર્કઃ કરોડો ફૂટબૉલપ્રેમીઓએ સવારે ફિફા વર્લ્ડ કપમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ મનાતા 38 વર્ષના ફૂટબોલર આર્જેન્ટિનાના લિયોનેલ મેસીની ત્રણ અદ્દભુત ગોલની હૅટ-ટ્રિક જોઈ ત્યાર પછી હવે (ભારતીય સમય મુજબ રાત્રે 10.30 વાગ્યાથી) બીજા સુપરસ્ટાર ફૂટબોલર 41 વર્ષીય ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Ronaldo)નો કરિશ્મા જોવા મળી શકે.

મેસીની માફક રોનાલ્ડોનો પણ આ છઠ્ઠો વર્લ્ડ કપ છે જે વિશ્વવિક્રમ (World Record) છે. જોકે 10 નંબરની જર્સીવાળો મેસી તમામ છ વિશ્વ કપમાં ગોલ નથી કરી શક્યો, જ્યારે 7 નંબરવાળા રોનાલ્ડોએ પાછલા પાંચ વર્લ્ડ કપમાં એક કે એકથી વધુ ગોલ કર્યા બાદ હવે આજે છઠ્ઠા વિશ્વ કપમાં પણ જો તે ગોલ કરશે તો તમામ છ વિશ્વ કપમાં ગોલ કરનાર એકમાત્ર ખેલાડી બનશે. 2006માં મેસી પહેલી વખત વર્લ્ડ કપમાં રમ્યો હતો જેમાં તેણે ગોલ કર્યો હતો, પણ 2010માં તે એક પણ ગોલ નહોતો કરી શક્યો.

આજે રાત્રે હ્યુસ્ટનમાં રોનાલ્ડોના પોર્ટુગલની ડીઆર કૉન્ગો વિરુદ્ધ મૅચ છે. આ વખતના વર્લ્ડ કપમાં દિગ્ગજ ખેલાડીઓએ ગોલ કરીને પોતાના અસંખ્ય ચાહકોને ખુશ કર્યા છે. ફ્રાન્સના કીલિયાન ઍમ્બપ્પે અને નોર્વેના અર્લિંગ હાલૅન્ડે અનુક્રમે સેનેગલ અને ઇરાક સામે બે-બે ગોલ કર્યા અને ત્યાર પછી લિયોનેલ મેસી અલ્જિરિયા પર તૂટી પડ્યો હતો અને ત્રણ ગોલ કરીને સપાટો બોલાવ્યો હતો. મેસીએ વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ 16 ગોલની જર્મન ખેલાડી મિરોસ્લાવ ક્લોઝની બરાબરી કરી છે.

હવે રોનાલ્ડોને આજે તેના છઠ્ઠા વર્લ્ડ કપમાં ગોલ કરીને તમામ છ વિશ્વ કપમાં ગોલ કરનાર પ્રથમ પ્લેયર બનવાનો મોકો છે. આજની પોર્ટુગલની હરીફ ટીમ ડીઆર કૉન્ગોના કોચ સેબાસ્ટિયન ડેસાબે્રએ પોર્ટુગલના લેજન્ડ રોનાલ્ડો વિશેની પ્રતિક્રિયામાં કટાક્ષમાં કહ્યું, `હું તેને શુભકામના આપું છું. આશા રાખું છું કે તે ગોલ કરશે, પણ અમારી ટીમ સામે નહીં.'