Sat Jun 13 2026

Logo

સોનાની ચમક ફિક્કી, દૈનિક વેપારમાં 1400 કરોડ રૂપિયાનો તોતિંગ ઘટાડો રોકાણ પણ અટક્યું

2026-05-13 18:43:20
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ કેન્દ્ર સરકારે આજે સોનાચાંદી પર ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો કરતા સોનાની કિંમત સાતમા આસમાને પહોંચી રહી છે. પરિણામ એ આવી રહ્યું છે કે, સોનું ખરીદનારા કે સોનામાં રોકાણ કરનારા લોકો હવે સોનાથી દૂર ભાગી રહ્યા છે. સોનું લેવાનું ટાળી રહ્યા છે. મુંબઈના ઝવેરી બજારમાં સોનાના વ્યાપારમાં એકાએક ઘટાડો થયો છે. વડા પ્રધાન મોદીની અપીલ બાદ દૈનિક વ્યાપાર 1400 કરોડથી ઘટીને અડધો થઈ ગયો છે. છેલ્લા ચાર દિવસમાં સોનામાં જ્યાં 4200 કરોડ રૂપિયાનો વ્યાપાર હતો એ હવે 2000-2500 કરોડ સુધી આવીને અટક્યો છે. 

ચમક ફિક્કી પડી
મુંબઈના ઝવેરી બજારમાં સોનાની ચમક થોડી ફિક્કી પડી રહી છે. જ્યાં સવાર કરોડો રૂપિયાના સોદાથી થઈ હતી ત્યાં આજે સ્મશાન જેવી અણધારી શાંતિ છે, જે માર્કેટની શેરીઓમાં દૈનિક ધોરણે 1400 કરોડ કરોડ રૂપિયાનું સોનું વેચાતું એ વેપાર એકાએક ઘટી ગયો છે. વડા પ્રધાન મોદીની અપીલ માનો કે વધતી જતી કિંમતની અસર દેશના સૌથી મોટા ગોલ્ડ માર્કેટમાં રોનક ધીમે ધીમે ખોવાઈ રહી છે. આ કોઈ અસ્થાયી ઘટાડો છે કે, માર્કેટમાં કોઈ મોટી ચહલપહલના એંધાણ એ હજુ સ્પષ્ટ થતું નથી. છેલ્લા 4 દિવસમાં જ્યાં 4200 કરોડ રૂપિયાનો બિઝનેસ થતો ત્યાં હવે આ આંકડો 2000-2500 સુધી આવીને અટક્યો છે. 

ઈમ્પોર્ટ ડ્યૂટી વધતા દાગીનાની કિંમત વધી
ગોલ્ડ પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારી દેવામાં આવી છે. આ કારણે સોનાની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. આના કારણે સોનું ખરીદનારા અને રોકાણ કરનારા સોનામાં કંઈક કરવાનું ટાળી રહ્યા છે. મુંબઈ બુલિયન એસો. આગામી 2 દિવસ માટે ઘટાડા સંબંધિત કેટલાક આંકડા જાહેર કરી શકે છે. ગોલ્ડની માર્કેટમાં એકાએક ઘટાડા પાછળ બે કારણો જવાબદાર હોઈ શકે છે. એક કારણ વડા પ્રધાન મોદીની અપીલ. આ અપીલથી રોકાણકારો અને સામાન્ય ખરીદી કરનારા લોકો પર સીધી અસર થઈ છે. જ્યારે દેશનું નેતૃત્વ આર્થિક પ્રાથમિકતામાં ફેરફારની વાત કરે છે ત્યારે માર્કેટમાં એની સીધી અસર થાય છે. બીજું મોટું કારણ ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો છે. સોનાની આયાત હવે મોંઘી પડી રહી છે. આ કારણે તૈયાર સોના કે ઘરેણાંની કિંમતમાં વધારો થયો છે.આ ભાવ વધારો દરેક દેશવાસીઓના ખિસ્સાને પોસાય એમ નથી. 

સોનામાં રોકાણને પણ અસર
ખરીદી કરનાર પર જ આ અસર નથી, પણ સોના-ચાંદી સાથે જોડાયેલા નાના વેપારીઓ પર રાતોરાત સંકટ ઊભું થયું છે. ઓછા માર્જિન માટે સ્ટોક વેચી શકાય એમ નથી અને ખરીદી માટે વધારે કિંમત ચૂકવવી પડે એમ છે. છેલ્લા ચાર દિવસમાં 2000 કરોડથી વધારેનો વ્યાપાર રાતોરાત અટકતા પરિણામ એ સ્પષ્ટ જોઈ શકાય છે કે, માર્કેટમાં એક પ્રકારની મોટી અનિશ્ચિતતા છે. કોઈ પણ કપરા સમયમાં સોનામાં રોકાણને સૌથી સુરક્ષિત માનવામાં આવતું પણ હાલની સ્થિતિએ રોકાણકારો સોનામાં કોઈ રોકાણ કરવા માગતા નથી.