ટીના દોશી
શિવમ ઉપર ઉપરથી શાંત જણાતો હતો, પણ અંદરથી આખેઆખો હચમચી ઊઠેલો. મનને મનાવવાની જેટલી કોશિશ કરી રહેલો, એટલું જ મન વધુ અશાંત બની રહેલું. સંયમ રાખવાના ભરપૂર પ્રયત્નો કર્યા પણ પાંપણનો પરદો તોડીને આંસુ વહી જ નીકળ્યાં. એક બાજુ અશ્રુધારા વહી રહેલી ને બીજી બાજુ ક્રોધ અને ક્રોધના પર્યાય સમી જેટલી લાગણીઓ હોય એ તમામ એના મનને ઘેરી વળેલી. ગુસ્સો, આક્રોશ, આવેશ, દ્વેષ, રોષ, રીસ, ખીજથી શિવમનું ચિત્ત ડહોળાઈ રહ્યું. એ લાગણીઓએ ધીમે ધીમે રૌદ્રરસનું રૂપ ધારણ કર્યું.
કેટલોક સમય પસાર થઈ ગયો. અશ્રુધારા વહેવાની સાથે મનનો ભાર પણ હળવો થયો હોય એમ શિવમે કંઇક નિશ્ચય કર્યો. આંસુ લૂછી નાખ્યાં ને મક્કમતાથી હોઠ ભીડ્યા. સામેની દીવાલે જડેલા અરીસામાં પડતા પોતાના પ્રતિબિંબ સામે જોયું. ચહેરો તો એ જ હતો. બહુ આકર્ષક નહીં, તોય જોવો ગમે તેવો ચહેરો હતો એનો. ઘેરો બદામી વર્ણ. કાળી ભાવવાહી આંખો. માથા પર ભરાવદાર વાળ.
શિવમે વિચાર્યું, પોતાનો ચહેરો તો ઠીકઠાક જ હતો. એણે નોંધેલું કે હજુય ક્યારેક કોઈ યુવતી મુગ્ધ ભાવે એને જોયા કરતી. આ જ ચહેરા પર તો અંજના ફિદા થઈ ગયેલી. બેયનો પરિચય થયો ને પરિણય પણ. ધામધૂમથી લગ્ન પણ થયાં. પોતાના અને શિવમના કાનની નીચે અંજના કાજળનું ટપકું લગાવતી. ને હસતાં હસતાં ઈશ્વરને પ્રાર્થના કરતી: `આપણી જોડીને ક્યાંક નજર ન લાગી જાય!'
પણ નજર લાગી જ ગઈ. લગ્નનાં ત્રણ વર્ષ પછી એવી તો બૂરી નજર લાગી કે ઈશ્વરે બનાવેલી જોડીમાં તિરાડ પડવા માંડી. તિરાડ વધીને પહોળી થઈ. પહોળી થઈને ખાઈ બની. શિવમને એક દિવસ અચાનક ખબર પડી કે અંજનાના નયનોમાંથી નીતરતો નેહ ઓસરવા માંડેલો. અંજનાના જીવનમાંથી પોતાની બાદબાકી થઈ રહેલી. ને બીજું કો'ક ઝડપથી પોતાનું સ્થાન લઈ રહેલું. હમણાં સુધી પોતે અંજના સાથે આંબાની ડાળે ને સરોવરની પાળે લીલાલહેર કરી રહેલો, પણ હવે પ્રેમીપંખીડાંના પ્રેમમાં ત્રીજો ખૂણો બની રહેલો. પ્રણય ત્રિકોણ બની ગયેલો.
ત્રિકોણનો એ ત્રીજો કોણ એટલે રાકેશ. ત્રણેક મહિના પહેલાં જ પાડોશમાં રહેવા આવેલો. એકલો જ રહેતો. દેખાવડો ને સોહામણો હતો મોડેલ બનવા આવેલો મહાનગરમાં. આરંભે ઓળખાણ થયેલી માત્ર. પછી પાડોશીધર્મ બજાવવા રાકેશને એકાદબે વાર ચાપાણી માટે ને જમવા માટે નોતરેલો. એમાં અસામાન્ય કાંઈ જ નહોતું. બધું ઠીકઠાક ચાલી રહેલું, પણ ધીમે ધીમે સામાન્ય સંબંધો અસામાન્ય બનતા ચાલ્યા.
શિવમે નોંધ્યું કે પોતાના ઘરમાં રાકેશની અવરજવર વધતી ચાલેલી. શરૂઆતમાં શિવમની હાજરીમાં જ રાકેશ આવતો. પણ પછી તો પોતાની ગેરહાજરીમાં પણ રાકેશ બેરોકટોક ઘેર આવતોજતો થયેલો. શિવમ ઓફિસેથી ઘેર આવે ત્યારે અંજના સાથે ગપ્પાં મારતો રાકેશ અચાનક જ ઊભો થઈને ચાલ્યો જતો. છતાં શિવમ શંકાશીલ સ્વભાવનો નહોતો. એ ખુલ્લા દિમાગનો હતો. સ્ત્રીપુરૂષની મિત્રતામાં એને કાંઈ અજુગતું લાગતું નહોતું. વળી અંજના પર એ સંપૂર્ણ વિશ્વાસ કરતો. એથી અંજનાને રાકેશની કસમયની આવજા અંગે કાંઈ પૂછતો નહીં.
પણ એ જ તો શિવમની મોટી ભૂલ હતી. વિશ્વાસે એનું પ્રેમનું વહાણ ડૂબ્યું. શિવમને અંજના અને રાકેશના સંબંધો મિત્રતાના સીમાડા વટાવી રહ્યા હોવા વિશે જાણ થઈ ત્યારે ઘણું મોડું થઈ ગયેલું. અંજનાની વાતોમાંથી શિવમ એટલું સમજી શકેલો કે રાકેશ અંજનાને મોડેલિંગની લાલચ આપી રહેલો. આંબાઆંબલી બતાડેલાં. પણ શિવમ જાણતો હતો કે રાકેશ જ્યાં આંબા કહે છે ત્યાં આકડો ય નહીં હોય. એણે અંજનાને આડકતરી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ અંજના મોડેલ બનવાની લાલચમાં કશું જ સાંભળવા તૈયાર નહોતી. એના જીવનનું કેન્દ્ર હવે શિવમ નહોતો. શિવમ ધીમે ધીમે હડસેલાતો ગયો ને મોડેલ બનવાનું સ્વપ્ન કેન્દ્રસ્થાને આવી ગયેલું. શિવમની ઉપેક્ષા કરતી થઈ ગયેલી અંજના.
તોય શિવમને ઝાઝો વાંધો નહોતો. મોડેલિંગનું ભૂત ઊતરશે એટલે અંજના પહેલાં જેવી થઈ જશે એવું એને લાગ્યા કરતું. પણ શિવમની ગણતરી ઊંધી વળી ગઈ. કારણ કે અંજનાના જીવનનું કેન્દ્રસ્થાન પચાવી પાડેલું રાકેશે. અંજના જાણતી નહોતી કે પોતે એની બેવફાઈ વિશે જાણી ગયો છે. એટલે અંજના બેધડક રાસલીલા રચી રહેલી.
છતાં શિવમે અંજનાને કાંઈ કહ્યું નહીં. અંજનાને ખૂબ ચાહતો. એથી અંજનાને સુધરવાની એક તક હજુયે આપવા માંગતો હતો એ. શિવમે એક દિવસ અંજના સાથે આ સંબંધે વાત કરવાનું નક્કી કર્યું. ઓફિસેથી પાછા જઈને અંજનાને સામે બેસાડીને પોતે સમજાવશે તો એ સમજી જશે એવી શ્રદ્ધા હતી શિવમને. પણ એ દિવસે ભીતરથી આવતા અવાજ સાંભળીને શિવમે ઘરના દરવાજે જ ઊભા રહી જવું પડ્યું.
ઘરની ભીતરથી રાકેશનો સ્વર બહાર આવી રહેલો : `અરે અંજુ ડાર્લિંગ, તું જરાય ચિંતા ન કરતી. શિવમ તો બોચિયો છે. આપણા પ્રેમસંબંધો વિશે એને કાંઈ ખબર પડી? તું જોજે, એ બબૂચકને આપણા વિશે ક્યારેય જાણ થવાની નથી. અને જો ક્યારેક ખબર પડશે તોય શું કરી લેશે.. કંઈ કરવાનો પ્રયત્ન કરશે તો એનું કાસળ કાઢી નાખતાં મને જરાય વાર નહીં લાગે...' શિવમ સ્તબ્ધ થઈ ગયેલો. પણ જયારે અંજનાનું ઉપાલંભભર્યું હાસ્ય એને સંભળાયું ત્યારે એ આઘાતમાં સરી પડેલો. ક્યારેય વિચાર્યું નહોતું કે અંજના પોતાને છેહ દેશે. એટલું જ નહીં, રાકેશના પ્રેમમાં પડીને પોતાને મોતને ઘાટ ઉતારવાની પણ એની તૈયારી હતી. પોતાના પ્રેમનો આ બદલો વાળ્યો અંજનાએ?
આ બાબતનું સ્મરણ થતાં જ અરીસા સામે ઊભેલા શિવમની મુખમુદ્રા ને હાવભાવ સદંતર બદલાઈ ગયા. આંખોમાં લોહી ઊતરી આવ્યું. ચહેરા પર ખુન્નસ. અરીસામાં દેખાતા આદમીનો દેખાવ તો એનો એ જ હતો, પણ ભીતરથી સંપૂર્ણ બદલાઈ ગયેલો શિવમ. ભીતર ભયંકર ઝંઝાવાત જાગેલો. રોષ ઘૂંટાઈ રહેલો રગરગમાં. નફરત પ્રસરી ગયેલી નસનસમાં. અંજનાની બેવફાઈ બરદાસ્ત નહોતી. પાઠ ભણાવવો જરૂરી હતો. પોતાનું નામ શિવમ હતું એનો અર્થ એ નહીં કે શિવજીની જેમ હળાહળ પી જશે!
વિષપાન પોતે નહીં કરે, બીજાને કરાવશે.. ના, આવેશમાં કોઈ પગલું ભરવું નથી...શિવમ ઠંડે કલેજે વિચારી રહ્યો. ખાસ્સી ગડમથલને અંતે કાતિલ સ્મિત એના ચહેરા પર અંકાયું. અંજના માફીને લાયક નહોતી. સજાની હકદાર હતી. પોતે વફા કરી ને એણે બેવફાઈ. પોતે અંજનાને એટલો પ્રેમ કરતો કે એના માટે જીવ દેવા પણ તૈયાર હતો. પણ હવે એ અંજનાને એટલી નફરત કરતો થઈ ગયેલો કે એનો જીવ લેવા પણ તૈયાર હતો. હા, એ જ બરાબર છે. એને જીવવાનો અધિકાર નથી. માત્ર અંજનાને જ નહીં, રાકેશને પણ...અંજનાના પ્રેમી રાકેશને પણ જીવવાનો અધિકાર નથી !
અંતિમ નિર્ણય... હવે પીછેહઠ કરવી નથી. શિવમે દ્રઢ સંકલ્પ કરી લીધો. અંજના અને રાકેશને મોતને ઘાટ ઉતારીશ ત્યારે જ પોતાનો બદલો પૂરો થશે. પણ એ માટે ફૂલપ્રૂફ ને પરફેક્ટ પ્લાન ઘડવો પડશે. શિવમે યોજના બનાવવાનું શરૂ કર્યું. ત્રણ-ચાર યોજના મનમાં ઊગી ને મનમાં આથમી. ના, દરેકમાં પકડાઈ જવાનો ડર હતો.
શિવમ ગ્રંથાલયમાંથી ક્રાઈમકથાઓનાં પુસ્તકો લઈ આવ્યો. વારંવાર વાંચી ગયો. ગુનેગાર ગુનો કરતી વખતે કેવી કેવી ભૂલો કરે છે એ વિશે વાંચી ગયો. પોતે એ ભૂલો નહીં દોહરાવે. પોતાની પાછળ એક પણ પુરાવો નહીં છોડે. શિવમે કેટલીક યોજનાઓ મનમાં ને મનમાં વાગોળી. આખરે એક યોજના પર મન ઠર્યું. બધી બાજુથી યોજના ચકાસી જોઈ. કોઈ પણ નબળી કડી ન જણાઈ. એ જ યોજના અમલમાં મૂકવાનો નિશ્ચય કર્યો શિવમે. પ્લાન પરફેક્ટ હતો અને ફૂલપ્રૂફ પણ...!
ત્રણ દિવસ પછી શિવમે યોજનાના પ્રથમ ચરણમાં અંજનાને કહ્યું : `મારે ઓફિસના કામે બે દિવસ દિલ્હી જવું પડે એમ છે...'
`અરે, શિવમ...' અંજના લાડ કરતી હોય એવી રમતિયાળ શૈલીમાં બોલી: `મને તારા વિના જરાય નહીં ગમે. બબ્બે દિવસ હું તારા વિના શું કરીશ?'
`બે દિવસ તો ચપટી વગાડતાંમાં નીકળી જશે અંજુ...' શિવમે કહેવા ખાતર જ કહ્યું. અંદરખાને તો એ સમજી ગયો કે અંજના પોતાની બે દિવસની ગેરહાજરીથી મનોમન અત્યંત ખુશ થયેલી. તકનો લાભ ઉઠાવીને રાકેશને ઘેર જ બોલાવશે ને રંગરેલિયા મનાવશે. પોતે પણ એ જ તો ઈચ્છતો હતો. અંજના અને રાકેશ બેફિકર થઈને રંગરાગ માણતાં હોય ત્યારે રંગે હાથ જ એમને પકડવા.. અને પછી... અને પછી.. શિવમના ચહેરા પર કાતિલ ને કુટિલ સ્મિત ફરકી ગયું.
પોતાની યોજનાથી બેખબર અંજનાને બેફિકરાઈમાં રાચવા દઈને શિવમ નાનકડી ટ્રાવેલ બેગ લઈને નીકળી પડ્યો. રેલવે સ્ટેશને કે એરપોર્ટ નહીં, પણ પોતાના ઘરથી માંડ એક કિલોમીટરને અંતરે આવેલી વિરામ હોટેલમાં. ચાલતો જ ગયો જેથી પોતે હોટેલમાં ગયો હોવાનો કોઈ સાક્ષી ન રહે. નકલી નામ સાથે, બનાવટી દાઢીમૂછ સાથે ને આંખે ચશ્માં ચડાવીને શિવમે ચેકઈન કર્યું. એકસો એક નંબરના રૂમમાં જઈને ગરમાગરમ ચાનો ઓર્ડર આપ્યો. પછી નરમ બિસ્તરમાં લંબાવીને પોતાની યોજના અંગે ફરી ફરીને વિચારવા માંડ્યો.
હોટેલનું નામ ભલે વિરામ હોય, શિવમનો ઈરાદો વિરામ કરવાનો જરાય નહોતો પરફેક્ટ જણાતા પ્લાનનો એક એક અંકોડો જોડતો રહ્યો. દરમિયાન ચા આવી. ચા પીતાં પીતાં પણ વિચારચક્ર ચાલતું રહ્યું. પ્લાનમાં કોઈ કચાશ તો નથી રહી ગઈને એ તપાસતો રહ્યો. એક નાની અમથી કમી પણ પોતાના પ્લાન પર પાણી ફેરવી દે એમ હતું. એક ભૂલ ને પોતે સીધો જેલમાં. ના, એ જરાય ન પરવડે. સજાને પાત્ર તો અંજના હતી, પોતે નહીં.
હોટેલના રૂમમાં આખો દિવસ પુરાઈને શિવમ ફરી ફરીને વિચારતો રહ્યો. યોજનાની એક એક કડી ગૂંથતો રહ્યો. વારંવાર ચકાસ્યા પછી પણ પોતાની યોજનામાં કોઈ છીંડું ન દેખાયું. એવામાં સાંજના સાડાસાત થયા. શિવમ આળસ મરડીને ઊભો થયો. ના, હવે આળસ કર્યે પાલવે એમ નહોતું. યોજનાનું બીજું ચરણ અમલમાં મૂકવાનો સમય આવી ગયેલો. શિવમ બેગ લઈને બહાર નીકળ્યો. રિસેપ્શન પર બિલ ચૂકવીને ચેકઆઉટ કર્યું. પછી આરામથી ટહેલતો ટહેલતો ઘરભણી ચાલવા માંડ્યો.
ઘેર પહોંચ્યો ત્યારે આઠ વાગી ગયેલા. ઘરના દીવાનખંડની એક બારી રસ્તા પર પડતી. શિવમે એ બારીમાંથી ભીતર ડોકિયું કર્યું. બત્તીના ઝળહળતા પ્રકાશમાં એણે જોયું કે રાકેશ આવી ગયેલો. પેટમાં પેસીને પહોળો થયેલો રાકેશ. અંજના એને વળગીને રસિક વાતોમાં ગૂંથાયેલી હોય એવું લાગ્યું. શિવમ સમસમી ઊઠ્યો. આખો ને આખો સળગી ઊઠ્યો. માંડ માંડ મન પર કાબૂ મેળવ્યો. ઘરના મુખ્ય દરવાજા પાસે ગયો. અવાજ ન થાય એ રીતે પોતાની પાસેની ચાવીથી ઘરનું બારણું ખોલ્યું. ભીતર દાખલ થયો. સીધો જ અંજના ને રાકેશ સામે ખડો થઈ ગયો.
`અરે, શિવમ,ત..ત...તું, અત્યારે...તું તો બે દિવસ...?' અંજના તતપપ કરવા લાગી.
`હું ઓફિસના કામે બહાર જાઉં એટલે તું તારા યાર સાથે રંગરાગ માણી શકે, કેમ ?' શિવમ ધિક્કાર ને તિરસ્કારથી કહી રહ્યો. એના હાથમાં બંદૂક રમવા લાગી : `મારે તમને રંગે હાથ પકડવા'તા, સમજી? એટલે જ કામનું બહાનું કાઢેલું..'
`શિવમ, તું સમજે છે એવું કાંઈ નથી...' બંદૂક જોઈને ડરી ગયેલો રાકેશ કરગરી રહ્યો: `તું અમને માફ કરી દે. ફરી આવી ભૂલ નહીં થાય..'
`માફી જોઈએ છે ?' શિવમના હોઠ વંકાયા: `તો ઉઠાવ કાગળ ને કલમ. હું કહું છું એમ લખવા માંડ. ને નીચે બંને સહી કરો.'
અંજના કાગળ ને કલમ લઈ આવી. રાકેશ શિવમના કહ્યાનુસાર લખવા માંડ્યો :
હું અને અંજના છેલ્લા કેટલાય સમયથી શિવમની પીઠ પાછળ પ્રણયફાગ ખેલી રહ્યા છીએ. પણ શિવમનો સરળ સ્વભાવ જોઈને અમને અમારા પર જ ધિક્કાર છૂટ્યો છે. અમે એને વધુ સમય અંધારામાં રાખી શકીએ એમ નથી. હૈયે અપરાધભાવનો બોજ લઈને અમે ફરી રહ્યા છીએ. પણ આ બોજ હવે ઉઠાવી શકાય એમ નથી. એથી ઝેર પીને અમાં જીવન ટૂંકાવીએ છીએ. અમારા મૃત્યુ માટે અમે જ જવાબદાર છીએ. શિવમ, અમને માફ કરજે. અમે તારા પ્રેમ અને વિશ્વાસને લાયક નહોતા... કાગળ પૂરો થયા પછી રાકેશ અને અંજનાએ હસ્તાક્ષર કર્યા.
શિવમે કાગળને અડ્યા વિના જ વાંચી લીધો. પછી કપડામાં લપેટેલી એક શીશી રાકેશના હાથમાં પકડાવી. કહ્યું: `તમે બંનેએ સાથે જીવવાના ને સાથે મારવાના ખોટા સોગંદ અનેક વાર લીધા હશે. અંજનાને તો એનો સારો એવો અનુભવ છે. હવે એ સોગંદ સાચા કરવાનો સમય આવી ગયો છે. લ્યો, આ ઝેરની શીશી બેય વારાફરતી ગટગટાવી જાવ. પછી તમને એક થતાં કોઈ નહીં રોકી શકે.'
`ના, ના.. અમને માફ કરી દે, શિવમ. તેં કહેલું કે તું અમને માફ કરી દેશે.' અંજના અને રાકેશ શિવમના પગમાં પડ્યા. કાકલૂદીઓ કરી. પણ શિવમે ફરી બંદૂક હાથમાં લેતાં કહ્યું: `માફી કેવી.. બેવફાઈની તે માફી હોતી હશે? તમે ઝેર નહીં પીઓ તો આ ફટકડી તમારી સગી નહીં થાય. ભૂલેચૂકે ઝેરથી બચશો તો ગોળીથી મરશો.'
આખરે ઘણી આનાકાની પછી અંજનાએ અને રાકેશે ઝેર પીવું જ પડ્યું. કેટલીક સેકન્ડોમાં જ તરફડી તરફડીને મરણને શરણ. શિવમે દીવાનખંડનું દૃશ્ય આંખોમાં સમેટી લીધું. ના, પોતાની હાજરીનો કોઈ પુરાવો રહેવા દીધો નથી. ન આંગળાંની છાપ, ન બીજું કોઈ નિશાન. અજબ પ્રકારના સંતોષ સાથે શિવમ બત્તી બુઝાવી ને બેગ ઉઠાવીને ઘરની બહાર નીકળ્યો. એવામાં દૂર ઘંટા ઘડિયાળમાં નવ ડંકા પડ્યા.
શિવમે હવે યોજનાનું અંતિમ ચરણ અમલમાં મૂક્યું. પોલીસ સ્ટેશને ફોન કરી દીધો. થોડી જ વારમાં ઈન્સ્પેક્ટર કરણ બક્ષી અને જુનિયર જયરાજ જાડેજા આવી પહોંચ્યા. શિવમે એમને જોઈને રોવાધોવાનું નાટક શરૂ કરી દીધું : `સાહેબ, હું તો ઓફિસના કામે બહારગામ ગયેલો. પણ મીટિગ રદ થતાં હમણાં જ ઘેર પાછો ફર્યો. ઘર સુધી પહોંચ્યો કે બારીમાંથી મેં જોયું કે અંજના અને રાકેશ કાગળમાં કંઈક લખી રહેલાં. ને પછી એક શીશીમાંથી કશુંક પી ગયા. પછી ઢળી પડ્યા. હું તો આ દ્રશ્ય જોઈને જ ગભરાઈ ગયો. ને તરત જ તમને ફોન કરી દીધો.
`હં, ચાલો, અંદર જઈને જોઈએ...' કરણ બક્ષી અને જયરાજ જાડેજા સાથે ભયથી કાંપતો શિવમ પણ ઘરમાં દાખલ થયો. કરણ બક્ષીએ દીવાલ પર હાથ ફંફોસીને વીજળીની ચાંપ દાબીને લાઈટ ઓન કરી. દીવાનખંડના સોફા પર અંજના અને રાકેશના મૃતદેહ પડેલાં. મેજ પર ઝેરની શીશી ઉપરાંત પત્ર. જયરાજે કાગળ વાંચીને કહ્યું કે આ તો આપઘાત કરતાં પહેલાં લખાયેલો પત્ર છે. શિવમ સાથે દગો કર્યાના અપરાધબોજને કારણે બંનેએ આપઘાત કર્યો છે !'
`અરે, મારી વહાલી અંજુ, માણસ માત્ર ભૂલને પાત્ર...હું તને માફ કરી દેત. તેં આવું અંતિમ પગલું કેમ ભર્યું ?' શિવમે ઠૂઠવો મૂક્યો. એટલામાં જ ઈન્સ્પેક્ટર બક્ષીએ પૂછ્યું : `શિવમ, તમે બહારગામથી ક્યારે આવ્યા ?'
`સાહેબ, મેં કહ્યું ને હું તો હજુ હમણાં જ ચાલ્યો આવું છું. ને આવતાંની સાથે તમને ફોન કરેલો.' શિવમે પોતાની વાત દોહરાવી.
`એટલે કે તમે બહારગામથી પાછા ફર્યા બાદ ઘરની ભીતર ગયા જ નથી, બરાબર ?' કરણ બક્ષીએ સીધો ને સટ સવાલ કર્યો.
`જી સાહેબ...' શિવમના દિલની ધડકનો તેજ થઈ ગઈ. ના, પોતે કોઈ પુરાવો નથી જ છોડ્યો.
`તમારા દેખતાં બીજું કોઈ ઘરમાં દાખલ થયેલું ?'કરણ બક્ષીએ સહજતાથી પૂછ્યું.
`ના સાહેબ...' શિવમે માથું ધુણાવ્યું : `બીજું તો કોણ ઘરમાં દાખલ થઈ શકે ?'
`એનો અર્થ એ શિવમ, કે તમે પણ ઘરમાં ગયા નહોતા અને બીજું કોઈ પણ ઘરમાં ગયું નહોતું, બરાબર ને ?' કરણ બક્ષીએ ઘુમાવીને ફરી એનો એ જ પ્રશ્ન કર્યો.
`જી, સાહેબ...' શિવમ પ્રશ્નનો અર્થ સમજવા મથી રહ્યો.
`તમે કહેલું કે તમે ઘેર પહોંચ્યા ત્યારે અંજના અને રાકેશ કાંઈ લખી રહેલા. ને પછી શીશી ગટગટાવી ગયાં. પછી ઢળી પડ્યાં, બરાબર ?' કરણે શિવમનું બયાન દોહરાવ્યું.
`હા, મેં એમ જ કહેલું.' શિવમ કહી રહ્યો : `એમાં ખોટું શું છે ?'
`તો શિવમ, અંજના અને રાકેશને આપઘાત કરવા મજબૂર કરવા બદલ તમારી ધરપકડ કરવામાં આવે છે...' કરણ બક્ષીએ ઠાવકાઈથી કહ્યું.
`વ્હોટ...' શિવમ ચિલ્લાયો : `ઈન્સ્પેક્ટર, તમે મારા પર ખોટું આળ ચડાવો છો. તમારા આક્ષેપ પાછા ખેંચો અથવા તમારા શબ્દો સાચા છે એનો પુરાવો આપો.'
`પુરાવો તો તમે જ છોડી ગયા છો, શિવમ...' કરણ મંદ મુસ્કુરાઈને બોલ્યો.
`ના, મેં કોઈ પુરાવો છોડ્યો નથી...' પણ બોલવામાં ભૂલ કર્યાનો અહેસાસ થતાં શિવમે જીભ કચરી : `બોલો, શું પુરાવો છે તમારી પાસે ?'
`તમે ધ્યાનથી વિચારશો તો તમને ખ્યાલ આવી જશે કે તમે ભાંગરો ક્યાં વાટ્યો છે...' કરણે જુઠાણું પકડ્યું : `અમે આવ્યા ત્યારે દીવાનખંડની બત્તી બંધ હતી. મેં જ બત્તીની ચાંપ દાબીને અજવાળું કરેલું. હવે તમે કહો કે અંધારામાં અંજના ને રાકેશ આપઘાતનો પત્ર કેવી રીતે લખી શકે? ને અંધાં હોય તો તમે કેવી રીતે જોયું કે બંને કાંઈક લખી રહેલાં ને પછી શીશીમાંથી કશુંક પી લીધું. અને માની લઈએ કે તમે આવ્યા ત્યારે ઘરમાં બત્તી જલી રહેલી. પણ જો બત્તી બળતી હોય તો એને બંધ કોણે કરી ? એ તમે જ હોઈ શકો. કારણ કે તમે જ કહ્યું કે ઘરની ભીતર બીજું કોઈ ગયું નહોતું. બીજું કોઈ ન ગયું હોય તો એનો અર્થ એ કે અપરાધી તમે જ છો. બોલો, ખરૂં કે ખોટું ?'
`હા, ઈન્સ્પેક્ટર...હું જ ગુનેગાર છું...' શિવમ ભાંગી પડ્યો : `હું અંજના અને રાકેશ સાથે બદલો લેવા માગતો હતો. એથી બહારગામ જવાનું બહાનું કાઢીને બેયને રંગે હાથ પકડ્યાં. બંને પાસે આપઘાતનો પત્ર લખાવ્યો અને શીશીનું ઝેર પણ પીવડાવી દીધું. ને બહાર નીકળતી વખતે ભૂલમાં જ બત્તી બુઝાવી દીધી. મને તો હતું કે મારો પ્લાન ફૂલપ્રૂફ છે, પણ...'
`દરેક ગુનેગાર એમ જ માને છે કે પોતાના પ્લાનમાં કોઈ ઊણપ નથી...' હાથકડી લંબાવી રહેલા જયરાજ જાડેજાએ કહ્યું : `પરંતુ એ ભૂલી જાય છે કે કોઈ પણ પ્લાન ન તો ફૂલપ્રૂફ હોય છે, ન તો પરફેક્ટ !'
આવતા અઠવાડિયે નવી કથા