Sun Mar 08 2026

Logo

RERA ને ખતમ કરી દો, સંસ્થા બિલ્ડરોને બચાવવાનું કેન્દ્ર બની ગઈ છે! સુપ્રીમ કોર્ટે આવું કેમ કહ્યું

3 weeks ago
Author: Savan Zalaria
Article Image

નવી દિલ્હી: આજે ગુરુવારે સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) અંગે મહત્વની ટીપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે તમામ રાજ્યો RERAના બંધારણ પર પુનર્વિચાર કરે, કેમ કે RERA ડિફોલ્ટર બિલ્ડરોને સુવિધા આપવા સિવાય બીજું કઈ કામ નથી કરી રહી.
ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચે કહ્યું કે હકીકતે જે લોકો માટે RERA બનાવવામાં આવ્યું છે, તે સંપૂર્ણપણે હતાશ અને નિરાશ છે. કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે જો RERA  નાબૂદ કરવામાં આવે તો તેમને કઈ ફરક નહીં પડે.


આ મામલે સુનાવણી કરવામાં આવી:

સુપ્રીમ કોર્ટની બેંચ હિમાચલ પ્રદેશની RERA ની ઓફીસ શિમલાથી ધર્મશાલા ખસેડવા મામલે સુનાવણી કરી રહી હતી. હિમાચલ પ્રદેશ સરકારે જૂન 2025માં નોટિફિકેશન બહાર પાડીને RERA ની ઓફીસ શિમલાથી ધર્મશાલા ખસેડવાની જહેરાત કરી હતી. હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે આ નોટિફિકેશન પર આગામી આદેશ સુધી સ્ટે આપ્યો હતો. હિમાચલ પ્રદેશ સરકાર અને અન્ય લોકો દ્વારા આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે RERA ની ઓફીસ ખસેડવાની મંજુરી આપી છે, આ દરમિયાન બેન્ચે આ ટીપ્પણી કરી હતી.

RERA નાબુદ કરી દો....:

સુનાવણી દરમિયાન CJI એ કહ્યું."ડિફોલ્ટ બિલ્ડરોને મદદ કરવા સિવાય, આ સંસ્થા કંઈ કરી રહી નથી. આ સંસ્થાને નાબૂદ કરવી વધુ સારું રહેશે, અમને તેનાથી કોઈ વાંધો નથી. તમામ રાજ્યોએ RERAના બંધારણ અંગે પુનર્વિચાર કરવાનો સમય આવી ગયો છે.”

RERAમાં નિવૃત અધિકારીઓની શું જરૂર?

જ્યારે પ્રતિવાદીના વકીલે બેંચને જાણ કરી કે RERA માં એક નિવૃત્ત IAS અધિકારીની નિમણૂક કરવામાં આવી છે, ત્યારે CJI એ નારાજગી દર્શાવી. તેમણે કહ્યું, "દરેક રાજ્યમાં, RERA પુનર્વસન કેન્દ્ર બની ગયું છે. આ બધા પદ આવા વ્યક્તિઓ દ્વારા કબજે કરવામાં આવ્યા છે. નિવૃત્ત અમલદાર રાખવા પાછળ તર્ક શું છે? તમારે કોઈ એવા આર્કિટેક્ટની સર્વિસ લેવી જોઈએ, જે સમગ્ર વિસ્તારોને જાણે છે અને પર્યાવરણને અનુકૂળ કામ કરી શકે.

CJI એ કહ્યું, "જે લોકો માટે આ સંસ્થા બનાવવામાં આવી હતી, તેઓ સંપૂર્ણપણે હતાશ અને નિરાશ છે. તેથી કોઈને પણ કોઈ રાહત મળતી નથી. આ સંસ્થા ખરેખર કોને સેવા આપી રહી છે?”

સુપ્રીમ કોર્ટના બેન્ચે કહ્યું, "રાજ્યને RERA ની ઓફિસને તેની પસંદગીના સ્થળે ખસેડવાની મંજુરી છે, જો કે, તે હાઇકોર્ટ સમક્ષ પેન્ડિંગ રિટ પિટિશનના અંતિમ પરિણામને આધીન રહેશે.”