Sat May 02 2026

Logo

મસ્તરામની મસ્તીઃ વૈશાખના વરઘોડા...

2026-05-02 09:46:00
Author: Milan Trivedi
Article Image

મિલન ત્રિવેદી

ગુજરાતી પંચાંગ મુજબ વૈશાખ મહિનો એટલે સૂર્યનારાયણ ફૂલ ફોર્મમાં... ભલભલા બોલરોની આડેધડ ધુલાઈ કરતાં પેલા 14-15 વર્ષના વૈભવ સૂર્યવંશી જેવો! 

આ મહિનામાં જો તમે ભૂલેચૂકે બપોરે બહાર નીકળો, તો તમને લાગે કે કુદરતે પૃથ્વી પર `શેકેલા પાપડ' બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે, પણ ધન્ય છે આપણા જ્ઞાતિ-જાતિના પંચોને અને મુહૂર્ત કાઢનારા મહારાજોને, જેમને આકરા તાપમાં જ `લગ્નસરા' દેખાય છે!

વૈશાખમાં લગ્ન કરવા એ કોઈ સામાન્ય સાહસ નથી. એ તો સાક્ષાત્‌‍ `પરમવીર ચક્ર' મેળવવા જેવું પરાક્રમ ( કે દુ:સાહસ)  છે.
સૌથી વધુ દયા તો પેલા વરરાજા પર આવે. બિચારો સવારથી `ગ્લો' લાવવા માટે બ્યુટી પાર્લરમાં ઘસાઈને આવ્યો હોય, પણ જેવો એ અસ્તરવાળો, ડાર્ક કલરનો `થ્રી-પીસ શૂટ' પહેરે એટલે એનું ગ્લોઈંગ મોઢું `બાફેલા બટાકા' જેવું થવા લાગે. થોડીક વાર તો વરરાજા એવી રીતે વિચારવા માંડે કે ધોળા મલમલ નો સદરો અને ખાદીનો લેંઘો પહેરીને જ માંડવે જવાય.

તમે જસ્ટ કલ્પના કરો, બહાર તાપમાન 44 ડિગ્રી હોય અને વરરાજાએ શેરવાની કે જાડો કોટ ચડાવ્યો હોય! અંદર પંખો તો શું, હવા જવાનો પણ માર્ગ ન હોય. વરરાજાના ચહેરા પરના હાવભાવ જોજો, એ પરણવા જતો હોય એવું ઓછું અને સીધો `ફ્રાઈંગ પેન' કે ઉકળતા ચરુમાંથી બહાર નીકળ્યો હોય એવું વધુ લાગે. એના મનમાં સતત એક જ વિચાર ચાલતો હોય: `આ લગ્ન વિધિ પતે એટલે સીધો આઈસ ફેક્ટરીમાં જઈને સૂઈ જવું છે!'

ઉનાળામાં લગ્ન કરે તો ભલે કરે, પરંતુ વરઘોડો કાઢવો ફરજિયાત હોય અને તે વગર લગ્ન માન્ય નહીં થાય તેવો નિયમ હોય તેમ ફરજિયાત વરઘોડો નીકળે એટલે અસલી ખેલ શરૂ થાય.

બેન્ડવાજાવાળા `નાગિન'ની ધૂન વગાડે એટલે જાનૈયાઓમાં રહેલો `શેષનાગ' જાગી ઊઠે. ભલે ડામરના રોડ પરથી વરાળ નીકળતી હોય, પણ આપણા જાનૈયાઓ તો એ ગરમ રોડ પર આળોટીને ડાન્સ કરશે. એમાં   સૌથી વધારે તકલીફ આપતી વસ્તુમાં...

પગમાં ચામડાના બૂટ: અંદર જાણે ભઠ્ઠી સળગતી હોય.
ગળામાં ટાઈ: જાણે ફાંસો આપ્યો હોય એવો અનુભવ.
ખિસ્સામાં રૂમાલ: જે પાંચ મિનિટમાં ભીનું થઈને `પોતું' બની જાય.

એમાં પાછો નાગિન ડાન્સ કરતો જાનૈયો જ્યારે રૂમાલ કાઢીને મોઢું લૂછે, ત્યારે અડધો પાવડર અને અડધો પરસેવો ભેગો થઈને એના મોઢા પર `ગૂગલ મેપ' જેવી આકૃતિઓ બનાવી દે છે.

કન્યા પક્ષની હાલત તો એથીય ગંભીર હોય. ક્નયાએ ત્રણ કલાક પાર્લરમાં બેસીને જે `પેઇન્ટિંગ' કરાવ્યું હોય, તે વૈશાખની લૂ સામે ટકી શકતું નથી. વરરાજો જ્યારે લગ્નમંડપે પહોંચે અને સાસુમા પોંખવા આવે ત્યારે દૃશ્ય જોવા જેવું હોય છે.

કન્યા હરખાઈને વરરાજાનું મોઢું જોવા આવે, પણ ત્યાં સુધીમાં તો પરસેવાને કારણે આઈલાઈનર વહીને ગાલ પર આવી ગયું હોય અને લિપસ્ટિક દાંત પર ચોંટી ગઈ હોય. બિચારો વરરાજો એક ક્ષણ માટે તો ગભરાઈ જાય કે એ કોઈ અજાણી જગ્યાએ, અજાણ્યા લોકો વચ્ચે તો આવી ચડ્યો નથીને? 

સાસુમા પોંખતી વખતે મનોમન પ્રાર્થના કરતા હોય કે, `હે ભગવાન, વરરાજો માંડવો છોડીને ભાગી ન જાય તો સાં!'
વૈશાખના લગ્નમાં જમણવારમાં ગમે તેટલી વેરાયટી હોય, પણ લોકોની નજર તો માત્ર `આઈસક્રીમ' અને `ઠંડા પીણાં' પર જ હોય છે. ગુલાબજાંબુ બિચારા ગરમ ચાસણીમાં એકલા અટૂલા પડ્યા હોય છે, કોઈ એને પૂછતું નથી, પણ આઈસ્ક્રીમના કાઉન્ટર પર તો જાણે `મહાભારત' ખેલાતું હોય એવાં દ્રશ્યો જોવાં મળે...

માણસો પ્લેટ લઈને એવી રીતે તૂટી પડે છે કે જાણે આ આઈસક્રીમ નહીં, પણ અમૃત છે જે પીવાથી એ અમર થઈ જશે.
ખરેખર, જે માણસ 45 ડિગ્રી ગરમીમાં, જાન લઈને જાય, થ્રી-પીસ શૂટ પહેરે, ગરમ ડામર પર નાગિન ડાન્સ કરે અને પછી હસતા મોઢે સ્ટેજ પર ફોટા પડાવે... એને `વરરાજા' નહીં પણ `વર-વીર' કહેવો જોઈએ. સરકારને વિનંતી છે કે આવા વરરાજાઓને `પરમવીર' કે `અશોક ચક્ર' ન મળે તો કાંઈ નહીં, પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એક આઈસ પેક અને ઠંડા લીંબુ શરબતનું બોક્સ તો ઈનામમાં મળવું જ જોઈએ!

સ્ત્રીઓ તો એસી હોલમાં ચિલ્ડ વાતાવરણમાં કાળજાળ ગરમી ચીરીને આવતા વરઘોડાની રાહ જોતી મજા કરતી હોય છે. જોકે આવા `ગરમા ગરમ' માહોલમાં પુરૂષ માટે એક આશ્વાસન લેવા જેવી વાત એ છે કે વૈશાખ મહિનામાં જેણે લગ્ન કર્યા હોય તેને લગ્ન જીવનમાં ગમે તેટલા વિઘ્નો આવે, પરંતુ લગ્ન વખતનું વાતાવરણ યાદ કરે એટલે મોટું વિઘ્ન પણ નાનું લાગે.

વિચારવાયુ:
પુરૂંષોએ લગ્ન ન જ કરાય. સ્ત્રીઓએ કરવા હોય તો ભલે કરે.!