Sat May 02 2026

Logo

શું અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત થઈ ગયું? અમેરિકી રાષ્ટ્રપતિએ કોંગ્રેસને લખ્યો પત્ર

Newyork   2026-05-02 10:51:00
Author: Vimal Prajapati
Article Image

ન્યૂ યોર્કઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઈરાન સામે ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે સમાપ્ત થઈ ગયું છે. વ્હાઇટ હાઉસ દ્વારા અમેરિકી સંસદને મોકલવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે 7 એપ્રિલ 2026 પછી બંને દેશો વચ્ચે કોઈ સશસ્ત્ર સંઘર્ષ થયો નથી. આ સાથે જ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે યુદ્ધ માટે સંસદની મંજૂરી લેવાની સમયસીમા હવે તેમના પર લાગુ પડતી નથી. અમેરિકાએ કોઈ પણ દેશ પર હુમલો કરવા માટે સૈન્ય કાર્યવાહી કરવાની હોય તો તે માટે અમેરિકી સંસદ એટલે કે કોંગ્રેસની મંજૂરી લેવી અનિવાર્ય હોય છે. 

યુદ્ધ સમાપ્ત, પણ શાંતિ મંત્રણાનું શું?

ટ્રમ્પે કોંગ્રેસના નેતાઓને લખ્યું કે, ‘28 ફેબ્રુઆરી 2026 થી શરૂ થયેલી દુશ્મની હવે પૂરી થઈ ગઈ છે." જોકે, ઈરાન સાથેની શાંતિ વાર્તા અંગે ટ્રમ્પે નિરાશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ઈરાની નેતૃત્વમાં ભારે અસંમતિ અને અરાજકતા છે, જેના કારણે સોદો મુશ્કેલ બન્યો છે. ટ્રમ્પના મતે, ઈરાન સમજૂતી કરવા તો માંગે છે, પરંતુ તેમના વર્તમાન પ્રસ્તાવો સ્વીકાર્ય નથી. એટલે માટે શાંત કાયમ થઈ નથી. જોકે હુમલા પણ કરવામાં આવ્યાં નથી. એટલે કે આ યુદ્ધ શાંત થયું છે કે નહીં તે પણ અત્યારે એક પ્રશ્ન બની ગયો છે. 

વોર પાવર રેઝોલ્યુશન અને 60 દિવસની મર્યાદા શું છે?

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમેરિકામાં 1973ના 'વોર પાવર રેઝોલ્યુશન' મુજબ, અમેરિકી રાષ્ટ્રપતિએ સૈન્ય કાર્યવાહી શરૂ કર્યાના 60 દિવસમાં સંસદની મંજૂરી લેવી પડે છે. ટ્રમ્પ પ્રશાસને 2 માર્ચે સંસદને જાણ કરી હતી, જેની અંતિમ મુદત 1 મેના રોજ પૂરી થતી હતી. ટ્રમ્પે દાવો કર્યો છે કે યુદ્ધ વહેલું પૂરું થઈ ગયું હોવાથી હવે મંજૂરીની કોઈ જરૂર નથી. પણ છતાં યુદ્ધ પૂર્ણ થયું તેવો દાવો કરી શકાય તેમ નથી. કારણ કે ધમકીઓ આપવાનું તો ચાલુ જ છે. 

ઈરાન પાસે નથી રહી સૈન્ય તાકાતઃ અમેરિકી રાષ્ટ્રપતિ

અમેરિકી રાષ્ટ્રપતિએ મોટો દાવો કરતા જણાવ્યું હતું કે, તાજેતરના હુમલા બાદ ઈરાનની સૈન્ય શક્તિ સાવ નબળી પડી ગઈ છે. ઈરાન પાસે હવે કોઈ અસરકારક નૌકાદળ કે વાયુસેના બચી નથી. તેમની સંરક્ષણ ક્ષમતા અત્યંત મર્યાદિત થઈ ગઈ છે. અમે ઈચ્છીએ તો તેમને સંપૂર્ણ તબાહ કરી શકીએ છીએ, પણ હું માનવીય ધોરણે કૂટનીતિક ઉકેલને પ્રાથમિકતા આપું છું. પરંતુ પ્રશ્ન એ છે કે, ત્યાં ઈરાનમાં 'અસલી નેતા' કોણ છે તે નક્કી કરવું મુશ્કેલ છે, જે વાટાઘાટોને જટિલ બનાવી રહ્યું છે’. સ્વાભાવિક છે કે, અમેરિકાએ ઈરાન પર નેતૃત્વનો અભાવ હોવાનો આક્ષેપ કર્યો છે. વારંવાર અલગ અલગ નેતાઓ દ્વારા નિવેદનો અને ચેતવણીઓ આપવામાં આવતી હોય છે.