ટીના દોશી
અગિયાર રો હાઉસ મળીને બનેલી સ્વસ્તિક સોસાયટીમાં સાયરન વગાડતી પોલીસ જીપ પહોંચી ત્યારે સાંજના સાત વાગેલા. ઈન્સ્પેક્ટર કરણ બક્ષી તેના જુનિયરો જયરાજ જાડેજા અને દેવકી દીક્ષિત સાથે પોલીસ જીપમાંથી નીચે ઊતર્યો. પોલીસ ત્રિપુટી કમાનાકાર કોતરણી કરેલા પ્રવેશદ્વારમાંથી સોસાયટીમાં દાખલ થઈ.
બે બાજુ લહેરાતાં ને ઝૂમતાં આસોપાલવ, પીપળો, ચંપો, નાળિયેરી, ગરમાળો, ગુલમહોર, લીમડો, આંબો, ચીકુડી, જાંબુડી જેવાં વૃક્ષોનું અભિવાદન ઝીલતી પોલીસ ત્રિપુટીએ જોયું કે સોસાયટીની મધ્યમાં બગીચો આવેલો. હરિયાળો ને ધ્યાનાકર્ષક. ગુલાબ, ચમેલી, જાસૂદ, પારિજાત ને મોગરા સહિત રંગબેરંગી પુષ્પોથી મહેકી રહેલો બગીચો. બગીચા ફરતે ઘાસની લીલીછમ લોન. લોનમાં વડીલોને બેસવાના આસમાની ને ગુલાબી રંગે રંગેલા બાંકડા. બાળકો માટે ઝૂલા ને લપસણી.
બગીચાની બરાબર સામેની બાજુ અગિયાર રો હાઉસ અર્ધગોળાકારમાં ગોઠવાયેલાં. એકસરખી ડિઝાઈન અને એકસરખો રંગ. આથમતા સૂર્યનાં કિરણો પડવાથી સોનેરી ઝાંયવાળા દેખાતા આછા પીળા રંગના એકસરખા દેખાતા બંગલાની બહાર, પિત્તળના આંકડાથી બંગલાનો નંબર લખેલો. એમ તો બંગલામાં રહેનારનું નામ પણ બંગલાની બહારની દીવાલે કોતરેલું, પણ એ નામ દૂરથી ન દેખાતું. નજીક જઈને વાંચવું પડતું. પણ બંગલાનો નંબર દૂરથીય વંચાતો. પોતાને ક્યાં જવાનું હતું એ જાણતી પોલીસ ત્રિપુટીએ નવ નંબરના બંગલા ભણી પગ ઉપાડ્યાં.
બંગલાની બહાર નામ કોતરેલું : માલતી. બાજુમાં માલતીના ફૂલનું ચિત્ર. બંગલાની બહાર નાનકડી ઓસરી હતી. ઓસરીની ફરતે બે ફૂટ જેટલી જગ્યામાં ફૂલછોડ વાવેલાં. ઓસરીમાં ઝાંખો દીવો બળી રહેલો. ચાર પગથિયાં ચડીને કરણ, જયરાજ અને દેવકી ઓસરીમાં આવ્યાં. બંગલાની દીવાલે કળાયેલ મોરલાની ઘંટડી લાગેલી. દેવકી ઘંટડી વગાડવા આગળ વધી એટલામાં તો એક બહેન ઝંઝાવાતની જેમ દોડી આવ્યાં. બોલી ઊઠ્યાં : `પોલીસ...અમારે આંગણે તમાં વળી શું કામ પડ્યું ?'
પોલીસ ત્રિપુટી આવનાર સ્ત્રીને નીરખી રહી. ચાળીસેક વર્ષની આસપાસની ઉંમર હશે. એકવડિયો, છતાં કસાયેલો બાંધો. સાડા પાંચ ફૂટથી સહેજ ઓછી ઊંચાઈ. લંબગોળ મોં પર મક્કમતા. હોઠ ભીડેલા. આંખોમાં કરડાકી. વાદળી કોરની સુતરાઉ સફેદ સાડી પહેરેલી એણે. સળબંધ નહોતી. ક્યાંક આછી ને ક્યાંક વધુ કરચલીઓ પડેલી. કોણી ઢંકાય એવું સફેદ બંધ ગળાનું બ્લાઉઝ. કપાળ કોંધાકોર. નામમાત્રનું આભૂષણ નહીં. હાથની કલાઈ પર તથા કાંડાથી કોણી વચ્ચેના ભાગમાં આછા ઉઝરડા પડેલા. પોલીસ ત્રિપુટી એ ઉઝરડા જોઈ રહી.
`અરે, આ તો ફૂલછોડ રોપતાં ઉઝરડા પડ્યા છે...' પેલી સ્ત્રી બોલી ઊઠી: `પણ તમે જણાવ્યું નહીં કે અમારે આંગણે કેમ આવવું પડ્યું ?'
`આ માલતીબહેનનું જ ઘર છે ને ?' કરણ બક્ષી પૂછી રહ્યો. `એમણે અમને ફોન કરેલો કે એમનો જીવ જોખમમાં છે.'
`શું કહ્યું ?' પેલી સ્ત્રી બેબાકળી બની ગઈ: `ભાભીનો જીવ જોખમમાં છે ?'
`ભાભી...?' કરણ કહી રહ્યો : માલતીબહેન તમારાં ભાભી છે ? એનો અર્થ એ કે...'
`હા, ઈન્સ્પેક્ટર... હું માલતીભાભીની સગ્ગી નણંદ વિભાવરી.' પેલી સ્ત્રીના અવાજમાં કંપ ભળ્યો. દરમિયાન દેવકીએ દ્વારે લાગેલી ઘંટડી વગાડી. પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. દેવકીએ ઉપરાઉપરી ઘંટી વગાડી, પણ ભીતર કોઈ સળવળાટ થયો નહીં.
`ઓ, મારાં ભાભી...' વિભાવરીએ ઠૂઠવો મૂક્યો, ત્યાં તો કરણ બોલી ઊઠ્યો: `વિભાવરીબહેન, રોવાનું બંધ કરો. તમારાં ભાભીએ થોડી વાર પહેલાં જ અમને ફોન કરીને કહેલું કે, `મારો જીવ જોખમમાં છે. કોઈ મને મારવા આવ્યું હોય એવું લાગે છે... અરે, આ તો તું છે. તું...તું..મને...' આટલું કહેતાં માલતીબહેનનો અવાજ બંધ થઈ ગયો. ટેલિફોનનું જોડાણ તૂટી ગયું હોય એવું લાગ્યું. એટલે તો અમે દોડી આવ્યાં છીએ. હવે તમે ઝડપથી બારણું ઉઘાડો. તમારી પાસે દરવાજાની બીજી ચાવી તો હશે ને ?'
`હા, ઈન્સ્પેક્ટર સાહેબ...' વિભાવરીબહેને આંખો લૂછી. કેડે લટકાવેલી ચાવીનો ઝૂડો કાઢ્યો. એમાંની એક ચાવી દરવાજે લાગેલા લેચમાં ઘુમાવી. દરવાજો ખૂલી ગયો. સાત-આઠ પગલાંનો કોરિડોર ઝડપથી વટાવીને પોલીસ ત્રિપુટી દીવાનખંડમાં ધસી આવી.
દીવાનખંડની ત્રણ દીવાલે મલમલના પિસ્તા રંગના એલ આકારના સોફા સજાવેલા. સોફાની પીઠ પર રંગબેરંગી ઓશિકા. ઓશિકાની સાથે લાલ રંગનું લેડીઝ પર્સ પણ પડેલું. પર્સની બાજુમાં એક નમણો સ્ત્રીદેહ સોફામાં પડેલો. રેશમની લાલ સાડી ને નખશિખ સોનાથી સજ્જ. ગળામાં લાંબી સોનાની સેર, કાનમાં સુવર્ણકુંડળ, હાથની કલાઈએ સોનાનાં કંકણ. આંગળીઓમાં નંગ જડેલી સોનાની વીંટીઓ. પગમાં ઝાંઝર. દેવકી મનોમન ગણગણી : `વાહ, નણંદભાભીની શું જોડી છે.. નણંદ સાદગીની મૂર્તિ ને ભાભી શૃંગારની પ્રતિમા !'
દરમિયાન કરણ બક્ષીએ વિભાવરી સામે જોયું. એ ચીસ પાડી ઊઠી : `અરે, આ તો મારાં ભાભી છે... મારાં વહાલાં ભાભી... ઓ ભાભી કયા કાળમુખાએ તમારો જીવ લઈ લીધો.. કોણે તમને મારી નાખ્યાં રે...'
`અરે, શાંત થઈ જાવ...' કરણે વિભાવરીને સાંત્વન આપ્યું. પછી એની આંખમાં આંખ પરોવીને કહી રહ્યો: `તમે રડો નહીં. તમે એમ કેમ માનો છો કે તમારાં ભાભી મરી ગયાં છે... કદાચ માલતીબહેન બેહોશ થઈ ગયાં હોય એવું પણ બને.' `હેં..? હા, હા...પણ ભાભીના શ્વાસ તો બંધ...' બોલતાં બોલતાં વિભાવરી ચૂપ થઈ ગઈ. નીચું જોઈને ભોંય ખોતરવા લાગી.
પોલીસ ત્રિપુટી કામે વળી. દેવકીએ જોયું કે માલતીનું શરીર હજુ ગરમ હતું. એણે માલતીના નાક પાસે આંગળી મૂકી. શ્વાસ બંધ થઇ ગયેલા. મરણને એકાદ કલાક જેટલો સમય જ થયો હશે. મોં પર પીડાના ભાવ મોજૂદ હતા. જીભ બહાર નીકળી ગયેલી. આંખોના ડોળા બહાર આશ્ચર્ય અને આઘાતથી બહાર આવી ગયેલા. ગળા પર ગળાફાંસો ખાધો હોય એવો નાયલોનના દોરડાનો કે પછી કોઈ વાયરનો, નરી નજરે ન દેખાય એવાં નિશાન હતાં. ફોરેન્સિક તપાસમાં બીજી બાબતોની ખબર પડશે, પણ ગળું ભીંસાવાથી માલતીનું મૃત્યુ થયું હોવાનું સ્પષ્ટ હતું.
દરમિયાન જયરાજે જોયું કે એ જ સોફાનો એલ આકારનો ખાંચો પડતો'તો. ખાંચામાં ઊભું સ્ટેન્ડ મૂકેલું. સ્ટેન્ડ પર કાળા રંગનો ટેલિફોન. પોલીસ ત્રિપુટી એ ટેલિફોનને જોઈ રહી. હાથમોજાં પહેરેલા જયરાજે ટેલિફોનનું ભૂંગળું ઉપાડ્યું ને કાને ધર્યું. ડાયલ ટોન આવી રહેલો. આ ટેલિફોન પર કદાચ હજુ પણ માલતીબહેનનાં આંગળાંની છાપ હશે એવું વિચારીને જયરાજે ભૂંગળું યથાસ્થાને મૂક્યું. એટલામાં કરણે વિભાવરીને પૂછ્યું : `આ ઘટના બની ત્યારે તમે ક્યાં ગયેલાં?'
`હું... હું તો આ જુઓને, તમારી નજર સામે તો બહારથી આવી...સામાન્યપણે તો હું સાંજે ઘરમાં જ હોઉં છું. પણ આજે થોડી કંટાળેલી. એટલે સામેના બંગલામાં ગયેલી...' વિભાવરીએ સામેના બંગલા ભણી આંગળી ચીંધી ત્યારે પોલીસ ત્રિપુટીએ એ તરફ અછડતી નજર કરી. ત્રણેયે મનોમન નોંધ કરી કે સામેનો બંગલો વિભાવરીના રોહાઉસની બરાબર સામે હતો. બંને ઘરના દરવાજા સામસામે આવેલા. વિભાવરીના બંગલાના દીવાનખંડમાંથી સામેના ઘરનો દીવાનખંડ દેખાઈ રહેલો. વિભાવરી આગળ બોલી રહેલી : `ત્યાં રહેતી કોકિલા સાથે મારે બેનપણાં છે. હું કંટાળી જાઉં ત્યારે એને ઘેર બેસવા જાઉં છું. થોડી ગપસપ કરીને પાછી. તમે આવ્યાં ત્યારે હું એને ઘેરથી જ આવેલી.'
`તમે કેટલા વાગ્યે કોકિલાને ત્યાં ગયેલાં ?' કરણ બક્ષીએ સહજતાથી પૂછ્યું.
`અં, સવા છ સાડા છ જેવું થયું હશે...' વિભાવરી બોલી : જોકે મેં ઘડિયાળ જોઈ નહોતી.'
`તમે ગયાં ત્યારે માલતીબહેન શું કરી રહેલાં ?' કરણ બક્ષીએ પૂછ્યું.
`ભાભીને વાંચવાનો બહુ શોખ હતો....' વિભાવરીએ હડપચી પર આંગળી ટેકવી : `હું બહાર કોકિલાને ઘેર જવા નીકળી ત્યારે ભાભીએ મારી પાસે પુસ્તક માંગ્યું. મેં એમને રંગરસિયા નામનું પુસ્તક આપ્યું અને બહાર નીકળી ગઈ.'
`હં, પછી તમે સીધાં જ કોકિલાને બંગલે ગયાં ?' દેવકીએ સહજતાથી પૂછ્યું.
`અં, હા...' વિભાવરી બોલી.
`આ બંગલેથી પેલે બંગલે જતાં એકાદ મિનિટ થઈ હશે, ખરૂ ?' જયરાજ પૂછી રહ્યો.
`અરે, ના...' વિભાવરી મલકી: `અડધી મિનિટ પણ નહીં થઈ હોય. કોકિલાનો બંગલો સામે જ તો છે.'
`વિભાવરીબહેન, તમારે બંગલેથી સામેના બંગલે જઈ રહેલાં, ત્યારે તમારે ઘેર કોઈ આવી રહ્યું હોય એવું તમને લાગેલું અથવા તો એવું કોઈ તમને મળેલું ?' કરણ બક્ષી સવાલ પૂછી રહ્યો.
`ના, ઈન્સ્પેક્ટર સાહેબ... કોઈ મારા ઘર ભણી આવ્યું નહોતું. મને કોઈ મળ્યું નહોતું.' વિભાવરી સવાલ સમજવાનો પ્રયત્ન કરતાં જવાબ આપી રહી : `અરે, મારી ગેરહાજરીમાં પણ મારે ઘેર કોઈ આવ્યું નહોતું.'
`એ તમને કેવી રીતે ખબર ?' કરણ બક્ષી વિભાવરીની આંખમાં આંખ પરોવીને બોલ્યો.
`હું કોકિલાના દીવાનખંડમાં જ બેઠેલી. ત્યાંથી મારા બંગલાનો દરવાજો મને દેખાતો'તો.' વિભાવરીએ કારણ જણાવ્યું : `કોઈ આવ્યું હોત તો મને જરૂર ખબર પડી હોત.'
`હં, હવે એ જણાવો કે બંગલામાં તમે બે જ રહેતાં કે પછી બીજું કોઈ પણ રહેતું ?' કરણે પૂછ્યું.
`અમે ત્રણ જણા રહેતાં. હું, ભાભી ને મારો ભાઈ...' વિભાવરી કહેવા લાગી: `ભાઈ મારાથી પાંચ વર્ષ નાનો. એની નોકરી એવી છે કે એણે લાંબો સમય બહારગામ રહેવું પડે છે. અત્યારે પણ એ અઠવાડિયા માટે બહાર ગયો છે.'
`અને તમે...? તમે લગ્ન નથી કર્યાં કે..' દેવકીએ વાક્ય અધૂરૂં મૂક્યું.
`મારાં લગ્ન તો થયાં...' વિભાવરીનો અવાજ ગળગળો થઈ ગયો. એની આંખે આંસુ ઉભરાયાં : `પણ માં નસીબ બે ડગલાં આગળ. બે જ વર્ષમાં માં સૌભાગ્ય નંદવાયું. સાસરિયાંએ મને ખરાબ પગલાંની કહીને કાઢી મૂકી. મારાં અશ્રુઓની એમના પર કોઈ અસર ન થઈ. બીજે ક્યાં જાઉં ? એકમાત્ર ભાઈની ઓથ મને. એટલે અહીં રહું છું. બાકી મને કોણ સંઘરવાનું?'
`ઓહ, આઈ એમ સોરી...' દેવકી આગળ કાંઈ બોલે એ પહેલાં જ વિભાવરી બોલવા લાગી : `મારા પતિ ગુજરી ગયા એ જાણે મારો વાંક હોય એમ સહુ કોઈ મને અપશુકનિયાળ અને બુંદિયાળ કહીને મહેણાં મારવા લાગ્યાં. મને પહેરવાઓઢવાનો ભારે શોખ. પણ માં સૌભાગ્ય નંદવાતાં જ મારી પાસેથી બધું છીનવી લેવાયું. મારાં રેશમી વસ્ત્રો, મારાં આભૂષણો, માં સન્માન, મારી ગરિમા...સઘળું છીનવાઈ ગયું.'
`એટલે વિભાવરી સાદગીની મૂર્તિ બનીને રહે છે અને માલતી શૃંગારની પ્રતિમા...' દેવકી મનમાં જ ગણગણી. કંઈક વિચારીને એણે પૂછી લીધું : `તમારાં ભાભી પણ...'
`એ તો નાગણ હતી નાગણ...' દુ:ખતી નસ દબાઈ ગઈ હોય એમ વિભાવરી ફુત્કારી ઊઠી : `તમને થશે કે હું મોતનો મલાજો નથી રાખી રહી. સાચું કહું તો એના મૃત્યુનો મને કોઈ વસવસો નથી. ઉલટું, હું તો એના મરવાથી રાજી જ છું. પણ શું કં ? ભાભી હતી જ એવી. મારૂં બધું જ તો એણે છીનવી લીધેલું. મારાં ઘરેણાંગાંઠાં, મારા રૂપિયા ને બીજું બધું જ. અરે, સંપત્તિ ગયાનો મને વસવસો નથી. પણ માં સન્માન પણ એણે છીનવી લીધું. ગુલામથી પણ બદતર પરિસ્થિતિ કરી દીધેલી એણે મારી. એક જાનવરની જેમ હું અહીં રહેતી. હું ઢસરડો કર્યા કરતી ને એ એશ કરતી.'
`અને તમારા ભાઈ...' જયરાજ કહી રહ્યો.
`ભઈલો મારો ખૂબ ડાહ્યો. ભગવાનનું માણહ....' વિભાવરીની આંખોમાં ચમક આવી ગઈ. એ કહી રહી : `ભાઈએ વધુ બહાર રહેવાનું થાય એટલે એને ઘરમાં શું થાય છે એ ખબર ન હોય. હું પણ ફરિયાદ ન કં. નાહક મારે કારણે ભાઈભાભીમાં કંકાસ થાય. બાકી ભાઈને ભાભીનાં કારનામા અંગે ખબર પડે ને તો એ તો એનું ગળું જ ઘોંટી નાખે.'
`અચ્છા, એટલે ભાઈને તકલીફ આપવાને બદલે તમે જ માલતીનું ગળું ઘોંટી નાખ્યું ?' કરણ બક્ષીએ વેધક સ્વરે પૂછ્યું.
`શું વાત કરો છો, ઈન્સ્પેક્ટર સાહેબ ?' વિભાવરી આવેશમાં આવી ગઈ : `હું તમારી નજર સામે બહારથી આવી છું. આપણે સાથે જ ભાભીનો મૃતદેહ જોયો. તો તમે કયા આધારે કહો છો કે મેં ભાભીનું ખૂન કર્યું છે. એ કઈ રીતે શક્ય બને ?'
`એ હું કહું... ધ્યાનથી સાંભળો.' કરણ બક્ષી ધારદાર અવાજે કહેવા લાગ્યો : `હું માનું છું કે આપણે એકસાથે દીવાનખંડમાં દાખલ થયાં અને માલતીબહેનને સોફા પર ઢળી પડેલાં જોયાં. તમે એમને જોઈને તરત જ કહ્યું કે ભાભીને કોણે મારી નાખ્યાં...મેં કહ્યું કે ભાભી તો બેહોશ પણ થયાં હોઈ શકે, ત્યારે તમે કહ્યું કે એમનાં શ્વાસ તો બંધ થઈ ગયાં છે. તો તમે જવાબ આપો કે તમને કેવી રીતે ખબર પડી કે ભાભીનાં શ્વાસ બંધ થઈ ગયેલાં ?'
`એ તો...એ તો.....' વિભાવરી લોચા મારવા લાગી.
`બીજું, તમે કહેલું કે તમે ભાભીને રંગરસિયા નામનું પુસ્તક વાંચવા આપેલું.' જયરાજ આગળ બોલે એ પહેલાં વિભાવરી બોલી ઊઠી : `હા, મેં સાચું જ કહેલું. કોકિલાના દીવાનખંડમાંથી મેં ભાભીને પુસ્તક વાંચતાં પણ જોયેલાં.'
`તો એ પુસ્તક ક્યાં ગાયબ થઈ ગયું ?' દેવકી અણિયાળો સવાલ પૂછી રહી : `ભાભીના મૃતદેહ પાસેથી તો કોઈ પુસ્તક મળ્યું નથી. એનો અર્થ એ કે પુસ્તકવાળી વાત તમે ઉપજાવી કાઢી છે.'
`ભાભીએ એ પુસ્તક ક્યાંક મૂકી દીધું હશે.' વિભાવરી ગલ્લાંતલ્લાં કરવા લાગી : `વળી એ પુસ્તક ન જડે એનો અર્થ એમ થોડો જ થાય કે મેં ભાભીનું ખૂન કર્યું છે. બની શકે કે કોઈ બહારથી આવ્યું હોય ને ભાભીનું ખૂન કરી નાખ્યું હોય.'
`એ જરૂર બની શકે...' કરણ બક્ષીએ શાંતિથી કહ્યું : `પણ તમે જ હમણાં કહ્યું કે તમારી ગેરહાજરીમાં પણ બહારનું કોઈ આવ્યું નથી. વળી કોકિલાના દીવાનખંડમાંથી તમને ઘરનો દરવાજો દેખાતો'તો. કોઈ આવ્યું હોત તો તમને જરૂર ખબર પડી હોત.'
વિભાવરી નીચું જોઈ ગઈ. એના જ શબ્દોનો ગાળિયો બનાવીને એને પહેરાવવામાં આવેલો. છતાં ડૂબતું તરણાંને ઝાલે એમ છેલ્લો પ્રયત્ન કરતાં એ બોલી: `તમે કહ્યું એ બધું કબૂલ. પણ એનાથી એમ ક્યાં સાબિત થાય છે કે મેં ભાભીનું ખૂન કર્યું છે !'
`લ્યો, આ રહી સાબિતી...' કરણના સંકેતથી દેવકી બોલી: `તમારાં ભાભીએ અમને ફોન કરીને કહેલું કે એમનો જીવ જોખમમાં છે. કોઈ એમને મારવા માંગે છે. અને પછી આ તો તું...તું...મને.. કહેતાં એમનો અવાજ કપાઈ ગયો. એ `તું' તમે જ હોઈ શકો. કારણ બહારથી તો કોઈ આવ્યું જ નથી. વળી મૃત્યુ થયાને માંડ કલાક થયો છે. તમે પણ અડધા પોણા કલાક પહેલાં જ કોકિલાને ઘેર ગયેલાં. આ ગાળામાં કોઈ આવ્યું નથી એમ તમારૂ જ કહેવું છે. પણ તમારો પ્રપંચ તમને જ ભારે પડી ગયો. તમારા નિવેદન પરથી તો સ્પષ્ટ થઈ ગયું કે ખૂની તમારા સિવાય બીજું કોઈ ન હોઈ શકે.'
`હોઈ શકે જેવા શબ્દો પોલીસને ન શોભે...' વિભાવરીએ ફેણ માંડી: `નક્કર પુરાવો જોઈએ. છે તમારી પાસે એવો કોઈ પુરાવો ?'
`પુરાવા વિના પોલીસ વાત કરતી નથી...' જયરાજે દોર સંભાળ્યો: `ફોન કપાઈ ગયો એ સંજોગોમાં ફોનનું રિસીવર ક્રેડલ પર ન હોવું જોઈએ, ફોનનું દોરડું લટકતું હોવું જોઈએ. પણ એ તો એની જગ્યાએ મુકાયેલું હતું. તો વિભાવરી, એ જણાવો કે જો તમે ત્યાં હાજર નહોતાં તો રિસીવર ક્રેડલ પર કોણે મૂક્યું ? તમે તો કહી જ ચૂક્યાં છો કે બહારથી તો કોઈ આવ્યું જ નથી.
એનો અર્થ એમ કે તમે જ ટેલિફોનના વાયરથી ભાભીનું ખૂન કર્યું. એનાં જ નિશાન એમનાં ગળા પર છે. ભાભીએ છૂટવા તરફડિયાં માર્યાં હશે. તમારા હાથ પકડી લીધા હશે. એનાં જ ઉઝરડા તમારાં હાથ પર છે. ફૂલછોડ રોપવાના નહીં. ફોરેન્સિક તપાસમાં એ સાબિત થઈ જશે. ભાભીનું મૃત્યુ થયા પછી એમના હાથમાંથી ફોન લઈને યથાસ્થાને મૂકી દીધો. એ તમારી સૌથી મોટી ભૂલ સાબિત થઈ. પછી તમારા પર દોષ ન આવે એ માટે ઘરની બહાર નીકળી ગયાં. બોલો, ખરૂ કે ખોટું ?'
`મેં તો માત્ર મારા સ્વમાનની અને આત્મસન્માનની રક્ષા કરવા...' વિભાવરીએ પોતાનો બચાવ કરવાનો પાંગળો પ્રયત્ન કર્યો. `કાયદો હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી...' કરણ બક્ષી કરડાકીથી બોલ્યો અને દેવકીએ વિભાવરી સામે હાથકડી લંબાવતાં કહ્યું : `કરો તેવું ભરો !'
---
આવતા અઠવાડિયે નવી કથા