Sat May 02 2026

Logo

કૂડતેલના ભાવ ઉછળતા વિશ્વ બજાર પાછળ નરમાઈ, પરંતુ માગમાં સુસ્ત વલણ રહેતાં પ્રીમિયમમાં ઘટાડો

2026-05-02 20:00:32
Author: રમેશ કે ગોહિલ
Article Image

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધનો અંત લાવવા માટેની વાટાઘાટોના અભાવ અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ ખૂલવા બાબતે અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા રહેતાં ગત સપ્તાહ દરમિયાન વિશ્વ બજારમાં એક તક્કે બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ વધીને બેરલદીઠ ૧૨૬ ડૉલરની સપાટી સુધી પહોંચ્યા હતા અને ડૉલર ઇન્ડેક્સમાં પણ મજબૂત વલણ રહ્યું હતું. આમ ક્રૂડતેલના ભાવમાં વધારાની સાથે ફુગાવામાં વધારો થવાની ભીતિ અને ફુગાવો વધતાં અમેરિકી ફેડરલ રિઝર્વ સહિતની મુખ્ય વૈશ્વિક કેન્દ્રવર્તી બૅન્કો પાસે વ્યાજદરમાં કાપ મૂકવાનો અવકાશ ઓછો થઈ જતાં ગત સપ્તાહે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા, જેમાં ખાસ કરીને સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે ૧.૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

જોકે, સપ્તાહના અંતે ઈરાને મધ્યસ્થી કરતાં દેશ પાકિસ્તાનને શાંતિ મંત્રણા માટેનો નવો પ્રસ્તાવ મોકલ્યો હોવાનું ઈરાની મીડિયા અને પાકિસ્તાનના અધિકારીઓએ જણાવતાં સપ્તાહના અંતે કૂડતેલના ભાવમાં અને ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ થતાં સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોના અને ચાંદીના ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો. ગત શુક્રવારના મોડી સાંજના અહેવાલ અનુસાર ઈરાને પાકિસ્તાનને મોકલેલા પ્રસ્તાવથી અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ નાખુશ હતા. આથી આગામી સપ્તાહના આરંભે સોમવારે વિશ્વ બજારમાં કૂડતેલ અને સોનાના ભાવ પર તેની કેવી અસર પડશે તે જોવું રહ્યું.

વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં ગત સપ્તાહે સોના અને ચાંદીના ભાવમાં એકંદરે નરમાઈનું વલણ રહ્યું હતું. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જવેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર વેરારહિત ધોરણે ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯૯ ટચ ચાંદીના કિલોદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત ૨૪મી એપ્રિલના રૂ. ૨,૪૩,૮૨૫ના બંધ સામે સાધારણ સુધારા સાથે રૂ. ૨,૪૪,૧૦૩ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૨,૩૬,૩૦૦ અને ઉપરમાં રૂ. ૨,૪૪,૧૦૩ની રેન્જમાં રહીને અંતે સાપ્તાહિક ધોરણે ૧.૪૩ ટકા અથવા તો કિલોદીઠ રૂ. ૩૪૯૪ના ઘટાડા સાથે રૂ. ૨,૪૦,૩૩૧ના મથાળે બંધ રહ્યા હતા.

તે જ પ્રમાણે ૯૯૯ ઊંચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ધોરણે ૧૦ ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંતના રૂ. ૧,૫૧,૪૭૯ના બંધ સામે રૂ. ૧,૫૧,૪૯૫ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૧,૪૭,૯૭૩ અને ઉપરમાં રૂ. ૧,૫૧,૧૮૬ની રેન્જમાં રહીને અંતે ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૧૬ અથવા તો ૦.૮૦ ટકાના ઘટાડા સાથે રૂ. ૧,૫૦,૨૬૩ના મથાળે બંધ રહ્યા હતા. જોકે, ગત સપ્તાહે શુક્રવારે પહેલી મેના રોજ મહારાષ્ટ્ર દિન નિમિત્તે બજાર સત્તાવાર ધોરણે બંધ રહી હતી. અત્રે નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહ દરમિયાન ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૬૯ પૈસાનું ધોવાણ થયું હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં વધારો થવાને કારણે વિશ્વ બજારની સરખામણીમાં સ્થાનિકમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર સપ્તાહ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવા છતાં અખાત્રીજના તહેવાર પશ્ચાત્ જવેલરોના શૉરૂમોમાં ઘરાકીની ચહેલપહેલ મંદ પડી ગઈ હોવાનું હૈદ્રાબાદસ્થિત કેપ્સ ગોલ્ડનાં મેનેજિંગ ડિરેક્ટર ચંદા વેંકટેશે જણાવતા ઉમેર્યું હતું કે એકંદરે માગ મંદ પડવાને કારણે સ્થાનિકમાં ડીલરો દ્વારા ઓફર કરવામાં આવતા સોનાના ભાવ પરનાં પ્રીમિયમમાં ઘટાડો થયો છે. આગલા સપ્તાહે ડીલરો સોનાના ભાવ વૈશ્વિક ભાવની સરખામણીમાં આઁસદીઠ ૧૫ ડૉલરના પ્રીમિયમ સાથે ઑફર કરી રહ્યા હતા, જ્યારે ગત સપ્તાહે પ્રીમિયમ ઔંસદીઠ પાંચ ડૉલર આસપાસની સપાટીએ રહ્યું હતું. હાલના તબક્કે લોકો જૂના સોના સામે નવાં આભૂષણોની ખરીદી કરી રહ્યા હોવાને કારણે જવેલરી ઉત્પાદકોની પણ નવી લેવાલી હપ્પ થઈ ગઈ હોવાનું મુંબઈ સ્થિત એક ડીલરે જણાવ્યું હતું.

પશ્ચિમ એશિયાની ભૂરાજકીય કટોકટી સપાટી પર રહેતાં વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં જોવા મળેલા વધારાને કારણે ફુગાવામાં વધારો થતાં કેન્દ્રવર્તી બૅન્કો દ્વારા વ્યાજદરમાં કાપ મૂકવાની શક્યતાઓ ઓસરી જવાથી ગત સપ્તાહે સોનાના ભાવમાં ૧.૫ ટકા જેટલો ઘટાડો થયો હતો. વધુમાં અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ઈરાન જ્યાં સુધી પરમાણુ કરાર નહીં કરે ત્યાં સુધી સ્ટ્રેટ ઑફ હોર્મુઝ માર્ગમાં નાકાબંધી જાળવી રાખવામાં આવશે એવું જણાવતાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધવાની શક્યતા સપાટી પર આવતા ક્રૂડતેલના ભાવમાં તેજીનું વલણ જોવા મળ્યું હતું અને સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું એસએમસી ઇન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે ગત સપ્તાહે અમેરિકી ફેડરલ રિઝર્વે બજારની અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્ રાખ્યા હતા.

તેમ જ કૂડતેલના વધી રહેલા ભાવને ધ્યાનમાં લેતા ભવિષ્યમાં ફુગાવામાં વધારો થવાની ચિંતા ફેડરલ રિઝર્વના અધ્યક્ષે વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે વર્તમાન ભૂરાજકીય તણાવની સ્થિતિ અને કૂડતેલના વધતા ભાવને ધ્યાનમાં લેતા આગામી સપ્તાહ દરમિયાન વૈશ્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૪૩૭૦થી ૪૭૩0ની રેન્જમાં અને વૈશ્વિક ચાંદીના ભાવ આઁસદીઠ ૬૮થી ૭૯ ડૉલર આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧,૪૬,૫૦૦થી ૧,૫૫,૦૦૦ અને ચાંદીના વાયદામાં ભાવ કિલોદીઠ રૂ. ૨,૨૭,૦૦૦થી ૨,૫૦,000ની રેન્જમાં રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.

દરમિયાન ગત સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ખાસ કરીને ક્રૂડતેલ અને ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ જોવા મળતાં હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૪૬૨૭.૨૩ ડૉલર આસપાસ અને જૂન ડિલિવરી વાયદામાં ભાવ ૦.૪ ટકા વધીને ૪૬૪૯.૬૦ ડૉલર આસપાસ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ત્રણ ટકાના ઉછાળા સાથે આઁસદીઠ ૭૫.૯૧ ડૉલર આસપાસ ક્વોટ થઈ રહ્યા હતા.

ગત શનિવારે ઈરાને અમેરિકા સાથેની વાટાઘાટ માટેનો પ્રસ્તાવ મધ્યસ્થી કરતા દેશ પાકિસ્તાનનો મોકલ્યો હોવાના અહેવાલોએ સોનાના ભાવમાં સુધારાને ટેકો આપ્યો હોવાનું એવરબૅન્કના વર્લ્ડ માર્કેટનાં પ્રેસિડેન્ટ ક્રિસ ગેક્નીએ જણાવતાં ઉમેર્યું હતું કે જો વાટાઘાટ સફળ થાય અને યુદ્ધનો અંત આવતા ફેડરલ રિઝર્વ દ્વારા રેટકટની શક્યતા પ્રબળ બનતા સોનામાં સુધારાને ટેકો મળશે. જોકે, ઈરાનના આ પ્રસ્તાવથી અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ નાખુશ હોવાના નિર્દેશોની સોમવારે સોના-ચાંદી સહિત ઈક્વિટી બજારો પર કેવી અસર પડશે તેના પર બજાર વર્તુળોની મીટ મંડાયેલી રહેશે.