વોશિંગટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પનો આકરો મિજાજ ફરી જોવા મળ્યો છે. જર્મનીના મુદ્દે તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે, જર્મનીમાં તહેનાત અમેરિકી સૈનિકોની સંખ્યા માત્ર 5 હજાર સુધી જ સીમિત નહીં રહે, આ સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવશે. 5 હજાર સૈનિકોને અમેરિકા પરત બોલાવી લેવામાં આવ્યા છે, આ અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે. આ અભિયાન આગળના સમયમાં પણ યથાવત રહેશે. આ પહેલા ટ્રમ્પે યુરોપિયન યુનિયનની કાર અને ટ્રક પર 25 ટકા ટેરિફ વસુલ કરવા એલાન કર્યું હતું.
વ્યાપારિક સમજૂતી ફરી ચર્ચામાં
હવે આની અસર જર્મની પર પડી શકે છે. ટ્રમ્પની નારાજગીનું કારણ વ્યાપારિક સમજૂતીનું યોગ્ય રીતે પાલન ન થવું એ છે. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર તેમણે ખુલ્લેઆમ કહ્યું હતું કે, યુરોપિયન સંઘે કોઈ પ્રકારનો વાયદો નિભાવ્યો નથી. આ કારણે આગામી અઠવાડિયે ત્યાં તૈયાર થતી કાર અને ટ્રક પર 25 ટકા ટેક્સ લગાવવામાં આવશે.
ગાડીઓના નિર્માણ માટે જર્મની દુનિયાભરમાં જાણીતું રાષ્ટ્ર છે. એમના માટે ટેક્સ વસુલીનો અમેરિકાનો નિર્ણય એક આર્થિક ઝટકા સમાન છે. હકીકતમાં આ મામલો ફ્લોરિડામાંથી સામે આવ્યો જ્યારે પત્રકારોના સવાલ પર ટ્રમ્પે કડક અવાજમાં જવાબ આપ્યો હતો. 5 હજારનો આંકડો ઘણો નાનો છે, અમે આનાથી પણ વધારે સૈનિકોને છૂટા કરવાના મૂડમાં છીએ. સૈન્ય જવાનોની સંખ્યા નોંધપાત્ર રીતે પછી ઘટી જશે.
અમેરિકામાં જ ટ્રમ્પનો વિરોધ
ચોંકાવનારી વાત એ છે કે, પેંટાગોને પહેલા માત્ર 5 હજાર સૈનિકોને પાછા અમેરિકા બોલાવવાની વાત કરી હતી પણ ટ્રમ્પના તાજેતરના નિવેદનથી સૌ વિચારતા થઈ ગયા છે. અમેરિકામાં જ આ ટ્રમ્પના આ નિર્ણયનો વિરોધ શરૂ થઈ ગયો છે. અનેક એવા મોટા નેતાઓનું એવું માનવું છએ કે, જો કોઈ અમેરિકી સૈનિક જર્મની છોડીને જાય છે તો રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને પોતાની શક્તિ દેખાડી દેવાનો ખુલ્લો મોકો મળી જશે.
ખાસ કરીને જ્યારે યુક્રેન-રશિયા જંગને પાંચ વર્ષ પૂરા થવાના છે.જર્મનીના રક્ષામંત્રી બોરીસ પિસ્ટોરિયસે કહ્યું હતું કે, સૈનિકોને પરત બોલાવવાની વાત તો ટ્રમ્પ વર્ષોથી કરી રહ્યા છે. આ કોઈ નવી વાત નથી. હવે યુરોપના દેશ ખુદ પોતાની સુરક્ષા માટે આગળ આવવું પડશે. પોતાની જવાબદારીઓને સમજવી પડશે. બીજી તરફ જર્મન કાર પણ મોંઘી બનશે જે અમેરિકાથી ખરીદાઈ રહી છે.
અમેરિકન ફર્સ્ટ પોલિસી
મંત્રીએ એ વાત પણ યાદ અપાવી હતી કે, અમેરિકી સૈનિકોનું જર્મનીમાં હોવું માત્ર અમારા માટે જ નહીં, ખુદ અમેરિકા માટે પણ થોડા ફાયદાની વાત તો છે જ. હવે પેંટાગોનનું માનીએ તો સૈનિકોની વાપસી 6થી 12 મહિનામાં પૂર્ણ થઈ જશે. હાલમાં જર્મનીમાં આશરે 36 હજાર અમેરિકી સૈનિકો જર્મનીમાં રહે છે. મોટા મિલિટરી ઑપરેશન અને એરબેઝની તેઓ સુરક્ષા કરી રહ્યા છે.
જાણકારોનું એવું કહેવું છે કે, સૈનિકોનું અમેરિકા પાછું જવું એ એક અલગ મુદ્દો છે. પણ આનાથી દુનિયાભરના રાષ્ટ્રને એ મેસેજ જશે કે, અમેરિકા ગંભીર નિર્ણય લઈ શકે છે. ટ્રમ્પની ટેરિફની વાતથી જર્મનીને કેટલો આર્થિક ફટકો પડે છે એના પર સૌની નજર છે. 25 ટકા ટેફિર અને અમેરિકાના સૈનિકોને પાછા બોલાવવાના વલણથી એકવાત સ્પષ્ટ છે કે, તેઓ હવે અમેરિકન ફર્સ્ટની પોલિસી પર કામ કરી રહ્યા છે. સમજૂતીના મૂડમાં નથી.