Mon Aug 31 2026

Logo

જુનિયર કૉમનવેલ્થમાં ભારતીયોએ સપાટો બોલાવ્યોઃ આટલા ગોલ્ડ મેડલ જીતી લીધા

2026-04-28 16:59:07
Author: Ajay Motiwala
જુનિયર કૉમનવેલ્થમાં ભારતીયોએ સપાટો બોલાવ્યોઃ આટલા ગોલ્ડ મેડલ જીતી લીધા

નવી દિલ્હીઃ પ્રશાંત મહાસાગરની દક્ષિણે ફિજી ટાપુ નજીક સમોઆ (Samoa) દેશમાં કૉમનવેલ્થ યુથ ઍન્ડ જુનિયર વેઇટલિફ્ટિંગ (Weightlifting) ચૅમ્પિયનશિપ ચાલી રહી છે જેમાં ભારતીય વેઇટલિફ્ટરોએ સપાટો બોલાવ્યો છે. તેમણે ચાર ગોલ્ડ મેડલ જીતી લીધા છે.

ભારતના જે ચાર વેઇટલિફ્ટર સુવર્ણ ચંદ્રક જીત્યા એની વિગત આ મુજબ છેઃ (1) 65 કિલો પુરુષ વર્ગમાં સુનીલ સિંહ (કુલ 271 કિલો વજન ઊંચક્યું) 126 કિલો સ્નૅચમાં અને 145 કિલો ક્લીન ઍન્ડ જર્કમાં (2) 58 કિલો મહિલા વર્ગમાં ઐસંગ્ફા ગોગોઈ (કુલ 185 કિલો વજન ઊંચક્યું) 79 કિલો સ્નૅચમાં અને 106 કિલો ક્લીન ઍન્ડ જર્કમાં (3) 71 કિલો પુરુષ વર્ગમાં અભિનોબ ગોગોઈ (કુલ 284 કિલો વજન ઊંચક્યું) 129 કિલો સ્નૅચમાં અને 155 કિલો ક્લીન ઍન્ડ જર્કમાં (4) 65 કિલો પુરુષ વર્ગમાં અરુણાચલ પ્રદેશનો ચારુ પેસી (કુલ 289 કિલો વજન ઊંચક્યું) 127 કિલો સ્નૅચમાં અને 162 કિલો ક્લીન ઍન્ડ જર્કમાં.

ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવે આ શાનદાર પર્ફોર્મન્સ બદલ ઍથ્લીટોને તેમ જ તેમના કોચ અને સપોર્ટ સ્ટાફને અભિનંદન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે 2030ની કૉમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાવાની છે.

સહદેવ યાદવે પીટીઆઇને જણાવ્યું હતું કે `આ સુવર્ણ ચંદ્રકોની સિદ્ધિઓ ઍથ્લીટો તેમ જ તેમના સપોર્ટ સ્ટાફની મહેનત અને સંકલ્પશક્તિનું જ પરિણામ છે. વેઇટલિફ્ટિંગના વૈશ્વિક ફલક પર થોડા વર્ષોથી ભારતીય ઍથ્લીટો પ્રબળ દાવેદાર બની રહ્યા છે અને આ ટૂર્નામેન્ટમાં મળેલી સફળતા આ વાતનો પુરાવો છે.'