Sat Sep 12 2026

Logo

બંગાળમાં બિધાનનગર મતગણતરી કેન્દ્ર બહાર હંગામો, BJP અને TMCના કાર્યકર્તાઓ આમને-સામને

2026-05-04 14:53:00
Author: Vimal Prajapati
બંગાળમાં બિધાનનગર મતગણતરી કેન્દ્ર બહાર હંગામો, BJP અને TMCના કાર્યકર્તાઓ આમને-સામને

ઉત્તર 24 પરગણાઃ પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યામાં આજે પરિણામ જાહેર થવાનું છે. તેવામાં પશ્ચિમ બંગાળમાં હિંસા ભડકી હોવાનું જાણવા મળ્યું છે. બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં આવેલા બિધાનનગરમાં એક મતગણતરી કેન્દ્ર બહાર ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી. શનિવાર રાત્રે સ્ટ્રોન્ગ રૂમ સામે આ લોકોએ હંગામો કર્યો હતો. જેના કારણે અત્યારે તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો...

સ્થિતિને કાબૂમાં રાખવા માટે કેન્દ્રીય એજન્સીઓ તૈનાત

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પહેલા બંને પાર્ટીના કાર્યકર્તાઓએ નારા લગાવ્યાં હતા બાદમાં વાત આગળ વધી અને બોલાચાલી પર આવી ગયાં હતાં. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે કેન્દ્રીય સુરક્ષા કર્મીઓ પહોંચી ગયાં હતાં. સુરક્ષા કર્મીઓએ બંને પાર્ટીના કાર્યકર્તાઓને અલગ કરીને બેરિકેટ લગાવી દીધા હતા. આ વિવાદ પાર્ટીના ધ્વજને લઈને શરૂ થયો હતો, જેમાં આજે પણ વિવાદ સર્જાય તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જો કે, સ્થિતિને કાબૂમાં રાખવા માટે કેન્દ્રીય એજન્સીઓ તૈનાત કરી દેવામાં આવેલી છે. પરિણામ બાદ પણ આ સુરક્ષા કર્મીઓ બંગાળમાં 60 દિવસ સુધી રહેશે તેવું અમિત શાહે કહ્યું હતું. 

સ્ટ્રોન્ગ રૂમ આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે અત્યારે સ્ટ્રોન્ગ રૂમ આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ પશ્ચિમ બંગાળના દરેક મતગણતરી કેન્દ્રો પર સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે મતગણતરી કેન્દ્રોની બહાર વિજય રેલી કાઢવા અને ફટાકટા ફોડવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જેથી સ્થિતિને કાબૂમાં લઈ શકાય અને હિંસા ના ભડકે!
 

મતવિસ્તારોના એજન્ટોને કેવી સૂચનાઓ આપી હતી?

વધારે વિગતે વાત કરવામાં આવે તો, મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ શનિવારે એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું હતું. વર્ચ્યુઅલ મીટિંગ દ્વારા મમતાએ કહ્યું હતું કે, જ્યાં પણ ભાજપ 500થી 700 મતોથી આગળ હોય ત્યાં મતગણતરી એજન્ટોને એવા મતવિસ્તારોમાં તાત્કાલિક પુનઃગણતરી કરાવવાની માંગણી કરવી! આ સાથે એજન્ટોને રવિવારે રાત્રે લોજ અથવા હોટલમાં રહેવાનો પણ નિર્દેશ આપ્યો હતો.