પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીનો મેડિકલ રેકોર્ડ લીક થયા પછી રાજ્યના રાજકારણમાં મોટો વિવાદ ઊભો થયો છે. પૂર્વ મુખ્યમંત્રીના વ્યક્તિગત મેડિકલ રેકોર્ડ અને સારવાર સાથે જોડાયેલા ગોપનીય દસ્તાવેજો વગર પરવાનગીયે જાહેર કરવાના આરોપમાં કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. મમતા બેનર્જીના વકીલે આ મામલામાં એસએસકેએમ (SSKM) હોસ્પિટલ મેનેજમેન્ટ અને રાજ્ય સ્વાસ્થ્ય વિભાગના અનેક અધિકારીઓને સીધી કાનૂની નોટિસ મોકલી છે.
નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે કોઈપણ મંજૂરી વગર પૂર્વ મુખ્યમંત્રીની સારવાર સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતી અને મેડિકલ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યા છે, જે મેડિકલ ગોપનીયતા કાનૂન અને તબીબોની વ્યાવસાયિક આચારસંહિતાનું ગંભીર ઉલ્લંઘન છે.
'2021 ચૂંટણીમાં મમતા બેનર્જીએ પગમાં ફ્રેક્ચર થયાનું કર્યું હતું નાટક'
હાલમાં રાજ્યના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી દ્વારા મેડિકલ દસ્તાવેજો બતાવીને આરોપ લગાવવામાં આવ્યો હતો કે માર્ચ 2021માં વિધાનસભા ચૂંટણી દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના પગમાં કોઈ ફ્રેક્ચર થયું ન હતું. આ વાતનો વિરોધ કરતા મમતા બેનર્જીએ કાનૂની નોટિસ મોકલી છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ 2021ના નંદીગ્રામ ચૂંટણી પ્રચાર દરમિયાન મમતા બેનર્જીને પગમાં થયેલી ઈજા સાથે જોડાયેલા મેડિકલ રિપોર્ટનો હવાલો આપતા દાવો કર્યો છે કે હોસ્પિટલના રેકોર્ડ મુજબ તેમના પગમાં કોઈ ફ્રેક્ચર કે હાડકું ખસવાના (ડિસ્લોકેશન) કોઈ પુરાવા નહોતા. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે આ બાબતની તપાસ કરવામાં આવશે.
TMC એ શું કહ્યું?
ટીએમસીએ સુવેન્દુઅધિકારીના આ દાવાને સંપૂર્ણ રીતે ફગાવી દેતા આને ઘણું જ દુર્ભાગ્યપૂર્ણ, રુચિવગરનું અને પેટાચૂંટણીને પ્રભાવિત કરવાની કોશિશ ગણાવી છે.
શું છે આખી ઘટના
હકીકતમાં, ત્રણ વખત મુખ્યમંત્રી રહેલા મમતા બેનર્જીને 10 માર્ચ, 2021ના રોજ નંદીગ્રામના બિરુલિયા વિસ્તારના રેયાપારામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ડાબા પગમાં ઈજા થઈ હતી. શરૂઆતમાં તેમણે દાવો કર્યો હતો કે કેટલાક અજ્ઞાત લોકોએ તેમને ધક્કો માર્યો હતો, જેથી તેઓ તેમની કારના ખુલ્લા દરવાજા સાથે અથડાયા અને તેમના ડાબા પગમાં ઈજા થઈ. બાદમાં, તેમણે એક વીડિયો જારી કરીને કહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન ભારે ભીડએ તેમને ધક્કો માર્યો હતો. તેમને એસએસકેએમ (SSKM) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ખબર પડી કે તેમના ડાબા પગની ઘૂંટી (ટખના) અને પગના હાડકા તથા લિગામેન્ટમાં ગંભીર ઈજાઓ થઈ છે.
ઘટના પછી મમતા બેનર્જીને વ્હીલચેર પર ચૂંટણી પ્રચાર કરતા જોવામાં આવ્યા હતા. ત્યારબાદ, ટીએમસી (TMC) એ 2021ની વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી અને 210 થી વધુ બેઠકો જીતી, જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) માત્ર 77 બેઠકો પર જ જીત મેળવી શકી.