Mon May 04 2026

Logo

સ્પોર્ટ્સમૅનઃ સૂર્યકુમારનો સૂરજ ફરી ક્યારે ઊગશે?

2026-05-02 08:40:00
Author: Ajay Motiwala
Article Image

 

 અજય મોતીવાલા

ક્રિકેટની રમતમાં અને ખાસ કરીને ટી-20 ફોર્મેટમાં કોઈ ખેલાડી જોતજોતામાં ઊંચા શિખર સર કરવા માંગતો હોય છે (જેમ કે 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી) અને કોઈ પ્લેયર કારકિર્દીનો સુવર્ણકાળ જોયા બાદ અચાનક તેનો ગ્રાફ નીચે આવી જતો હોય છે (જેમ કે સૂર્યકુમાર યાદવ). આજે આપણે 35 વર્ષના સૂર્યકુમારની જ વાત કરવાની છે.

ભારતીય ટી-20 ટીમના વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન સૂર્યાના નેતૃત્વ વિશે કોઈને લેશમાત્ર શંકા નથી, પરંતુ બેટિગમાં તેનું નબળું ફોર્મ તેના કરોડો ચાહકો માટે મોટી ચિંતાનો વિષય છે. આઈપીએલ પછી ટી-20 વર્લ્ડ કપની ટીમની કેપ્ટન્સી સંભાળવાની વાત દૂર રહી, એ ટીમમાંથી જ તેણે સ્થાન ગુમાવવું પડે એવી તેની હાલત છે.

જ્યારે સૂર્યકુમાર યાદવ જેવા સ્તરના ખેલાડી લયમાં ન દેખાય, ત્યારે સામાન્ય રીતે તેના ફોર્મમાં કચાશ એક જ ફોર્મેટ કે એક જ ટીમ વતી રમતી વખતે નથી દેખાતી હોતી. તે સરિયામ નિષ્ફળ બની જતો હોય છે. ભારતની નેશનલ ટીમ અને મુંબઈ ઇન્ડિયન્સ માટે તેની નબળી બેટિગ  ટેક્નિકલ, ટેક્ટિકલ અને માનસિક પરિબળોના સંયોજનનું પરિણામ છે. તેની ક્ષમતામાં અચાનક ઘટાડો નથી થયો. આવું કેટલાક કારણોસર છેલ્લા લગભગ એક વર્ષમાં જોવા મળ્યું છે.

સૂર્યાના અભિગમમાં ક્યાં ખામી છે?
તેના શ્રેષ્ઠ સમયમાં નવીનતા તેની સૌથી મોટી તાકાત હતી. 360 ડિગ્રી સ્ટ્રોક-પ્લે, જેના માટે બોલરો ફીલ્ડિંગ સેટ કરી શકતા નહોતા. જોકે હવે ટીમોએ હોમવર્ક કરી લીધું છે: કઠણ પિચ પર બોલર્સ વધુ સંખ્યામાં સ્લોઅર બોલ તેના હિટિગ ઝોનમાં ફેંકતા જોવા મળે છે. પરિણામે, શરૂઆતમાં તે ગૂંચવાઈ જાય છે અને પછી જોખમી શોટ રમવા મજબૂર બને છે.

તે હવે વારંવાર ઇનિંગ્સની શરૂઆતમાં સંઘર્ષ કરતો જોવા મળે છે. પહેલા 1015 બોલમાં તેની નબળાઈ હવે કોઈનાથી છૂપી નથી. તે જલદી રન બનાવવાના દબાણમાં વિકેટ ગુમાવી બેસે છે. તે પહેલાંની જેમ પ્રથમ બોલથી જ સરળતાથી રન નથી બનાવી શકતો. આથી તેની ઇનિંગ્સની શરૂઆત નબળી બની રહી છે. તે હવે ગુણવત્તાવાળા પેસ અને શોર્ટ બોલ સામે રમવામાં મુશ્કેલી અનુભવે છે.

વિરોધી ટીમો તેની સામે આ નબળાઇઓ યાદ રાખીને યોજના બનાવી રહ્યા છે અને તેને સસ્તામાં આઉટ કરી રહ્યા છે. તેના કટ અને રેમ્પ જેવા શોટ્સ હવે મર્યાદિત થઇ ગયા છે અને ટાઈમિંગ પણ સારા નથી હોતા. તે હવે દબાણ હેઠળ હાઈ રિસ્કના શોટ સિલેક્શન કરતો જોવા મળે છે. જે બોલ પર આક્રમક રમવાની જરૂર નથી હોતી એમાં પણ તે એવું રમીને આઉટ થઈ રહ્યો છે. તેનો માનસિક થાક દેખાઈ રહ્યો છે. 

હજી 11 મહિના પહેલા 2025ની આઇપીએલમાં સેક્નડ બેસ્ટ 717 રન બનાવનાર સૂર્યકુમાર પોતાની આક્રમક ભૂમિકા ભારત વતી કે મુંબઈ ઇન્ડિયન્સ વતી રમતી વખતે તાત્કાલિક આક્રમણ કરવું કે ધૈર્યપૂર્વક ઇનિંગ્સ બનાવવી એ વિશે મૂંઝવણમાં હોય એવું લાગે છે.

સૂર્યા માટે ઉકેલ શું છે?

(1) સૂર્યકુમારે અતિ-આક્રમક વલણને બદલે પહેલા 15 બોલ રમવા વિશે નવેસરથી અપ્રોચ ફરી ગોઠવવો જોઈએ.
(2) પ્રારંભમાં ખૂબ જ સાવચેતીપૂર્વક રમવું, 
બાઉન્ડરી કરતાં ગેપ્સ શોધવા. 360 ડિગ્રીની સ્ટાઈલ છોડવાની જરૂર નથી, પણ સેટ થયા પછી જ જોખમી શોટ રમવા. યોગ્ય સમયે શોટ પસંદ કરવો.... ટાઈમિંગ પરફેક્ટ હોવું જરૂરી છે.
(3) શોર્ટ બોલ સામે ટેક્નિકલી ફેરફાર કરવો, 
થોડા પાછળ ઊભા રહીને બાઉન્સ બોલમાં શોટ મારવો. હવામાં શોટ મારવાને બદલે ગ્રાઉન્ડેડ શોટ રમવા પર ધ્યાન આપવું.
(4) ટીમ ઇન્ડિયા અને મુંબઈ ઇન્ડિયન્સ, બંને માટે પોતાની કઈ ભૂમિકા છે એ નક્કી કરવું.

સ્પષ્ટ ચિત્ર શું છે?

સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓ એક રાતમાં કુશળતા ગુમાવતા નથી, પરંતુ તેની દરેક નબળાઈને નિશાન બનાવવામાં આવે છે. જો તે શરૂઆતમાં સમજદારીથી રમે અને શોટ સિલેક્શનમાં સુધારો કરે તો તે ફરી વિશ્વના સૌથી ખતરનાક ટી-20 બેટસમેનમાં સ્થાન મેળવી શકે છે.