Tue Oct 06 2026

Logo

' બાપુ' જાડેજાએ લીધી બહુમૂલ્ય વિકેટ, હવે વિજયનો માર્ગ વધુ સરળ

Galle   2026-08-19 11:47:00
Author: Ajay Motiwala
' બાપુ' જાડેજાએ લીધી બહુમૂલ્ય વિકેટ, હવે વિજયનો માર્ગ વધુ સરળ

Image Source: BCCI


ગૉલ: ભારતે અહીં પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાને જીતવા માટે 372 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ વિજયનો માર્ગ આજે વધુ આસાન થઈ ગયો છે. ‘બાપુ' રવીન્દ્ર જાડેજા (Jadeja)એ કેપ્ટન ધનંજય ડિસિલ્વા (59 રન)ની બહુમૂલ્ય વિકેટ લઈને ભારતને અત્યંત જરૂરી બ્રેકથ્રુ અપાવ્યું છે.

શ્રીલંકા (SriLanka)એ આ પાંચમી વિકેટ ગુમાવી ત્યારે સ્કોર 142 રન હતો. ધનંજય અને સોનાલ દિનુશા વચ્ચે પાંચમી વિકેટ માટે 95 રનની ભાગીદારી થઈ હતી. મંગળવારની ચોથા દિવસની રમત પૂરી થઈ ત્યારે શ્રીલંકાનો સ્કોર ચાર વિકેટે 84 રન હતો. જોકે લંચ પહેલા શ્રીલંકાએ જોતામાં બે વિકેટ ગુમાવી હોવાથી ભારત માટે માર્ગ મોકળો થઈ ગયો છે. જાડેજાએ પાંચમી વિકેટ લીધા બાદ પ્રસિદ્ધ ક્રિષ્નાએ ડિકવેલાની છઠ્ઠી વિકેટ લીધી હતી અને ત્યારે શ્રીલંકાનો સ્કોર 6 વિકેટે 156 રન હતો.

અગાઉ જાડેજાની બોલિંગમાં બંને બૅટ્સમેન વારંવાર બીટ થયા હતા. કેપ્ટન શુભમન ગિલે ત્રણેય સ્પિનર (જાડેજા, માનવ અને કુલદીપ)ને વારાફરતી અજમાવ્યા અને જાડેજાને ફરી મોરચા પર મૂક્યો એ સાથે જ તેણે આ વિકેટ અપાવી હતી. સોનાલ દિનુશા હાફ સેન્ચુરી પૂરી કરીને દાવમાં હતો.

જાડેજાની ઓવરનો બીજો બૉલ મિડલ અને ઑફ સ્ટમ્પ પર પડ્યો હતો અને  ધનંજયના બૅટની ટૉપ એજ લાગ્યા બાદ બૉલ શૉર્ટ ફાઇન લેગની દિશામાં ગયો હતો જ્યાં ઊભેલા માનવ સુથારે કૅચ ઝીલવામાં કોઈ ભૂલ નહોતી કરી.