Sat Apr 25 2026

Logo

ભાત ભાત કે લોગઃ આર્થિક રીતે સ્વતંત્ર મહિલા વધુ પ્રમાણમાં જાતીય હિંસાનો ભોગ કેમ બને છે?

2026-04-25 09:04:00
Author: Jvalant Nayak
Article Image


જ્વલંત નાયક

ગત સપ્તાહે મહિલા અનામત બિલ અંગે જાહેર માધ્યમોમાં બહુ ચર્ચાઓ ચાલી. આમ તો કોઈ પણ મુદ્દે એક હદ કરતાં વધારે રાજકારણ ખેલાવા માંડે એ પછી મુદ્દાનું મરણ થઇ જતું હોય છે. બિલ અને એના રાજકારણ વિશે ઘણી ચર્ચાઓ વીતેલા દિવસોમાં થઇ ગઈ. આપણે એ બધામાં નથી પડવું. મૂળ મુદ્દો સ્ત્રીસશક્તીકરણનો છે અને સૌથી પહેલો પ્રશ્ન એ છે કે આ `સ્ત્રીસશક્તીકરણ' એટલે એકઝેટલી- ચોક્ક્સ શું?

આમ જુઓ તો આખો મુદ્દો જ બહુ પેચીદો છે. બહુ સાદી વ્યાખ્યા એ છે કે સ્ત્રીઓને પણ પુષની લગોલગ હક ભોગવવા મળે. આખી વાતનું વિકૃત પાસું એ છે કે આધુનિક તરીકે ઓળખાવા મથતી ઘણી નારીઓ (અને નરો પણ) સ્ત્રીસશક્તીકરણને મોડી રાત સુધી છૂટથી હરવા-ફરવા, સિગરેટ-શરાબ પીવા કે પૈસા ખર્ચવાની સ્વતંત્રતા પૂરતું સીમિત ગણી લે છે. આ લોકો સ્વતંત્રતા અને સ્વછંદતા વચ્ચ્ચેની ભેદરેખાને ચતુરતાથી ચાતરી જાય છે. 

બીજી તરફ, ચોક્કસ વર્ગની બદમાશીઓને બાજુએ રાખીને વિચારતા સમજાશે કે સ્ત્રી માટે બે વાત  સૌથી મહત્ત્વની ગણાય - શિક્ષણ માટેની સમાન તકો અને આર્થિક સમાનતા. સ્ત્રીઓમાં હવે શિક્ષણનું પ્રમાણ વધતું જાય છે. પણ આર્થિક મોરચે સમાનતા હજી નથી આવી. દુનિયાના મોટા ભાગના દેશોમાં પણ એકસરખા પદ ઉપર કામ કરતા સ્ત્રી-પુરુષના વેતનમાં ભેદભાવ જોવા મળશે. દુનિયાનો એક પણ દેશ સ્ત્રી-પુરુષોને મળતા વેતનને લઈને સંપૂર્ણ સમાનતા નથી લાવી શક્યો. આ મુદ્દો કદાચ મોટા ભાગના દેશોના એજન્ડા પર જ નથી. માત્ર ગણતરીના યુરોપિયન દેશો આ દિશામાં કાર્ય કરી રહ્યા છે.

1975નો `વુમન્સ ડે ઓફ'  

વર્લ્ડ બૅંકના રિપોર્ટ્સ મુજબ આઈસલેન્ડ, નોર્વે, ફિનલેન્ડ અને ન્યૂઝીલેન્ડ જેવા દેશો જેન્ડર ઇક્વાલિટી બાબતે નોંધપાત્ર કામ કરી રહ્યા છે. આ તમામ દેશ નોર્થ યુરોપમાં આવેલ હોવાથી નોર્ડિક ક્નટ્રીઝ તરીકે જાણીતા છે. નોર્ડિક ગ્રૂપમાં ય આઈસલેન્ડની મહિલાઓ આર્થિક રીતે સૌથી નસીબદાર છે. કેમકે તે વેતન બાબતે પુરુષોની લગોલગ પહોંચી શકી છે. જો કે એમને ય આ હક પતાસાની સહેલાઈથી જેમ નથી મળ્યો, બલકે દશકોના પ્રયત્નો બાદ પ્રાપ્ત થયો છે.

24 ઓક્ટોબર, 1975નો દિવસ આઈસલેન્ડના ઇતિહાસમાં બહુ મહત્ત્વનો ગણાય છે.  એ દિવસે દેશની લગભગ નેવું ટકા સ્ત્રીઓ અદબ વાળીને બેસી ગઈ. મહિલાઓ એ દિવસે ઘર, કામકાજના સ્થળો અને બાળકોને રઝળતા મૂકીને રસ્તાઓ પર ઉતરી આવી અને ઠેર ઠેર મોટી રેલીઓ તેમજ સભાઓ ભરી. એમની એક જ માંગ હતી  કામ કરવા બદલ જેટલા રૂપિયા ભાયડાઓને મળે છે, એટલા જ અમને-બૈરાઓને ય મળવા જોઈએ. 

આ એક જ દિવસની હડતાલે આખા દેશને હચમચાવી મૂક્યો. પછી તો સ્ત્રીસમાનતાની ચર્ચાઓ પૂરજોશમાં ચાલી અને પુરુષો બહુ જલદી આર્થિક ક્ષેત્રે સમાન અધિકાર આપવા તૈયાર થઇ ગયા. 1980માં તો દેશમાં પ્રથમ મહિલા પ્રધાનમંત્રીનું શાસન આવી ગયું, જે દોઢેક દાયકો લાંબું ચાલ્યું. એ પછી 2024માં ફરી એક વાર આઈસલેન્ડમાં મહિલા પ્રમુખનું શાસન આવ્યું જે આજદિન સુધી ચાલી રહ્યું છે. આજે આટલા વર્ષો બાદ આઈસલેન્ડમાં યુનિવર્સિટીઝથી માંડીને સરકારી અને કોર્પોરેટ સંસ્થાઓની મોટી મોટી ખુરસીઓ પર મહિલાઓ બિરાજમાન થયેલી દેખાય છે.

વર્લ્ડ બૅંકનો રિપોર્ટ કહે છે કે અહીંની સ્ત્રીઓ આર્થિક રીતે સક્ષમ બનતી ગઈ અને આજે પરિસ્થિતિ એવી છે કે આઈસલેન્ડમાં એક સમાન પોસ્ટ પર કાર્યરત હોય એવા પુરુષો અને સ્ત્રીઓને મળતા આર્થિક વળતરમાં સમાનતા જોવા મળે છે. હા, કામના પ્રકાર અને કલાકો બાબતે થોડી ચણભણ છે ખરી, પણ એકંદરે નોર્ડિક પુરુષોએ સ્ત્રી સમાનતાના ધોરણો સ્વીકારી લીધા છે.

સિક્કાની બીજી બાજુ

આટલું વાંચીને જો તમારી અંદર વસેલી ફેમિનિસ્ટ આત્મા આઈસલેન્ડ પર ઓળઘોળ થઇ જવા થનગની રહી હોય અને સોશ્યલ મીડિયા પર આઈસલેન્ડની જેન્ડર ઇક્વાલિટીને વખાણતી પોસ્ટ ઘસડી મારવાનું ઝનૂન ચડ્યું હોય તો જરા થોભો. સિક્કાની બીજી બાજુ પણ જાણવા જેવી છે.

વાત એમ છે કે સ્ત્રીઓને છૂટથી આર્થિક વળતર આપતા નોર્ડિક દેશોમાં સ્ત્રીઓ વિરુદ્ધના ગુનાઓનું પ્રમાણ બાકીના યુરોપિયન દેશોની સરખામણીએ ખાસ્સું ઊંચું છે. એમાંય સૌથી વધુ આર્થિક સમાનતા સ્થાપનાર આઈસલેન્ડ સ્ત્રીઓ વિરુદ્ધના જાતીય ગુનાઓમાં ટોચ પર છે! ઘરેલુ હિંસા માટે અહીં Intimate Partner Violence - IPV અથવા Gender-Based Violence  GBV જેવા રૂપકડા શબ્દો વપરાય છે. 

આંકડાઓ દર્શાવે છે કે આઈસલેન્ડ ઘરેલુ હિંસા બાબતે આખા યુરોપમાં અવ્વલ છે. યુરોપિયન યુનિયનના દેશોમાં IPVનો અનુભવ કરનારી સ્ત્રીઓની સરેરાશ 22 ટકા છે. બીજી તરફ નોર્ડિક દેશો એટલે કે ડેન્માર્ક (32 ટકા), ફિનલેન્ડ (30 ટકા), સ્વિડન (28 ટકા) અને આઈસલેન્ડ (આશરે 40 ટકા) આ મામલે ખાસ્સા આગળ છે. આ આંકડાઓ 2018થી 2024 દરમિયાન થયેલ અભ્યાસનો આધારે તારવવામાં આવ્યા છે.

આવા વિરોધાભાસ પાછળ જવાબદાર કોણ? કદાચ મહિલાઓ આર્થિક રીતે સ્વાવલંબી હોવાને કારણે સમાજ કે પરિવારની સાડાબારી રાખ્યા સિવાય પોતાની ઉપર થયેલા જાતીય અપરાધો વિષે ખૂલીને બોલી શકે છે. બીજી તરફ આર્થિક સ્થિરતા માટે પુરુષ પાત્ર પરનું અવલંબન જરૂરી નથી એટલે સ્ત્રીઓ આસાનીથી પાર્ટનર બદલવાની સ્વતંત્રતા (કે સ્વચ્છંદતા) ભોગવે છે અને જૂના પાર્ટનરને બ્લેમ કરતા અચકાતી નથી. આમાં સાચું શું છે એ જાણવું લગભગ અશક્ય છે.

સ્ત્રીઓને મળતી આર્થિક સમાનતા સાથે જ વધી રહેલા સ્ત્રીવિરોધી ગુનાઓનો વિરોધાભાસ મોટા મોટા માજશાસ્ત્રીઓને પણ સમજાઈ નથી રહ્યો.