Sat May 09 2026

Logo

એક નજર ઈધર ભી...: પોખરામાં પેરાગ્લાઈડિગનો પરમ આનંદ

2026-05-09 08:36:00
Author: Kamini Shroff
Article Image

કામિની શ્રોફ


ખોળો. બે અક્ષરનો આ શબ્દ બે વર્ષના બાળકને, બત્રીસ વર્ષના યુવાનને કે 82 વર્ષના જૈફને રાહત, નિરાંત અને શાંતિનો અનુભવ કરાવે છે. વહાલસોયી મા કે જીવનના તબક્કા અનુસાર પ્રિય વ્યક્તિના ખોળામાં માથું મૂકવાથી જે લાગણીનો અનુભવ થાય એ અવર્ણનીય હોય છે. માનવી ખોળા જેવો જ અદ્ભુત આનંદ કરાવતો પ્રકૃતિનો ખોળો છે. 

નેપાળના પોખરા શહેરમાં અઢી દિવસના મુકામ દરમિયાન એનો એહસાસ થયો. પેરાગ્લાઈડિગ, બોટ રાઈડિગ, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે માણવાથી તરબતર થઈ જવાયું. કોઈ પણ પ્રવાસમાં સ્થળ દર્શનના આનંદની અનુભૂતિ સાથે સમજણમાં વધારો થાય ત્યારે એ પિકનિક મટી પર્યટન બની જાય છે. નેપાળ પ્રવાસના આ અંતિમ લેખમાં સૌંદર્ય અને સાહસના સાક્ષાત્કારના અનુભવ અને આનંદને માણીએ.

પેરાગ્લાઈડિગ: કાઠમંડુથી પોખરા જવા નીકળ્યા ત્યારે પ્રવાસ દરમિયાનના સાથીઓમાં જે ગણગણાટ શરૂ થયો એમાં સૌથી વધુ ચર્ચા પેરાગ્લાઈડિગની હતી. ઊંચે ગગનમાં ઉડતાં પંખીઓ જોઈને દિમાગમાં પેલા નિશાળના નિબંધની જેમ `હું પંખી હોઉં તો' વિચાર - કલ્પના ચોક્કસ સ્ફૂરી ઊઠે. કોઈ ફિલોસોફિકલ સોન્ગ `ચલ ઉડ જા રે પંછી કે અબ યે દેસ હુઆ બેગાના' ગાઈ રહ્યું હતું તો કોઈ `બનકે પંછી ગાયે પ્યાર કા તરાના, મિલ જાએ અગર આજ કોઈ સાથી મસ્તાના' ગણગણી રોમેન્ટિક ફીલ કરી રહ્યું હતું. 

પેરાગ્લાઈડિગ પેકેજમાં ગુજરાતીઓને ગમે એવી વાત `ડોર ટુ ડોર સર્વિસ'ની હતી. સૌપ્રથમ આ સર્વિસ ઓફર કરનારા ગ્રુપની ઓફિસમાં કેટલીક સૂચનાઓ આપવામાં આવી. ત્યારબાદ જમીન સ્તરેથી લગભગ પાંચ હજાર ફૂટ ઉપર આવેલા સ્થળ પર પહોંચવા નીકળ્યા. પેરાગ્લાઈડિગ કરનારી દરેક વ્યક્તિને એક અલાયદો નિષ્ણાત અને અનુભવી પેરાગ્લાઈડર ફાળવવામાં આવ્યો હતો. 

અમારી સાથે જે વ્યક્તિ હાજર હતી એની સાથેની ઔપચારિક વાતચીતમાં જાણવા મળ્યું કે 27 વર્ષનો એ યંગસ્ટરે પેરાગ્લાઈડિગના પાઈલટની ટ્રેઈનિંગ આપણા મહારાષ્ટ્રમાં લીધી હતી. એ ટ્રેઈનિંગને કારણે એ પેરાગ્લાઈડિગની બારીકીઓને સમજી શક્યો અને આજે એક અગ્રણી પાઈલટ તરીકે નામના મેળવી ચુક્યો છે. 

આ વાત જાણી આનંદ થયો. કોઈના વિકાસમાં નિમિત્ત બનવું એ બહુ મહત્ત્વની વાત છે. અમાં વાહન ઊંચાઈ પર પહોંચ્યા પછી દસેક મિનિટ સીધું ચઢાણ ચડવાનું હતું. `અભી મૌસમ બહોત અચ્છા હૈ, પેરાગ્લાઈડિગ કે લિયે બેસ્ટ હૈ' એ વાક્ય સાંભળતા જ પંખી બનવાની તાલાવેલી તીવ્ર થઈ ગઈ. મારા પાઈલટનું નામ રાજુ હતું અને મને `ગાઈડ'ના દેવ આનંદ-રાજુ ગાઈડનું સ્મરણ થયું. ચાર ડગલાં દોડી ગગનમાં ઝંપલાવ્યું ત્યારે નીચે ઊંડી ખીણ નજરે પડતા આપણી ભાષામાં કહું તો ફાટી ગઈ.

જોકે, કેટલીક સેકંડના તીવ્ર ધબકારા પછી પંખી બનવાની કલ્પના સાકાર થઈ ત્યારે આનંદની મોટી ભરતી આવી. આમ પણ ઉપર હોવાની-રહેવાની લાગણી પ્રફુલ્લિત કરનારી હોય છે. કેટલીક મિનિટના ગગનવિહાર પછી રાજુ ગાઈડએ `સર, મૈં વીડિયો લે રહા હૂં. આપ કુછ બોલીયે. ગાઈએ.' દોડવું હતું અને ઢાળ મળી ગયો હોય એમ બંદા `પંછી બનું ઊડતી ફિં મસ્ત ગગન મેં આજ મૈં આઝાદ હૂં દુનિયા કે ચમન મેં' ગણગણ્યું. ગગનવિહાર કરતા કરતા `ગગનવિહારી' વિશેષણનો વારંવાર ઉપયોગ કરતા વાર્તાકાર-નાટ્યકાર મધુ રાયનું સ્મરણ થયું. 

અનાયાસે `આસપાસ આકાશમાં અંતરમાં આભાસ, ઘાસચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ' મોઢામાંથી સરી પડ્યું. પાંત્રીસેક મિનિટની એ હવાઈ સફર દરમિયાન હિમાલયની  પર્વતમાળા, ખાબોચિયા જેવા લાગતા સરોવર, વૃક્ષોની વનરાજી, કીડિયાં જેવા લાગતા મનુષ્યો અને સાતેક હજાર ફૂટની ઊંચાઈ પર ઊડવાના આનંદથી અંતરમાં થયેલા ઉજાસ સામે શબ્દો ટૂંકા પડે. માચુ પિચુ (માછલીની પૂંછડીનો ભાસ કરાવતો પર્વત) માઉન્ટનના દર્શન થયા. આપ કો એક્રોબેટ કરના હૈ? એવા રાજુ ગાઈડના સવાલના જવાબમાં ડોકું ધુણાવી મોટેથી હા પાડ્યા પછી લગભગ ત્રણેક મિનિટનો અનુભવ હવામાં સર્કસવેડા કરવા જેવો રહ્યો. 


પેટમાં થોડા ગોળા ચડ્યા, પણ આહલાદક આનંદ સામે બીજું બધું પાણી ભરે. અલબત્ત ગગનવિહારી થયા પછી જમીનદોસ્ત થયા ત્યારે આંતરિક સમૃદ્ધિમાં અનેકગણો ઉછાળો આવ્યો હોવાની લાગણી થઈ. શાહખ ખાનનો `ચક દે ઈન્ડિયા'ના `યે સત્તર મિનટ'ના ડાયલોગની જેમ `યે પૈંતીસ મિનટ તુમ્હે ઝિંદગીભર યાદ રહેંગે' જેવી લાગણી થઈ. થેન્ક યુ, પોખરા.

બોટ રાઈડિગ: મુંબઈ જેવા કોંક્રિટ જંગલમાં આયુષ્ય પસાર કરતા લોકોને લીલાછમ જંગલનો લાભ મળે ત્યારે `આંગળી આપતા પહોંચો પકડવો'ની વૃત્તિ ઉછાળા મારવા લાગે. સરોવરમાં 45 મિનિટની સફર કરવાની છે એવું એનાઉન્સમેન્ટ થતા બધાના ચહેરા મલકાઈ ઉઠ્યા. સાંકડી નાવમાં સાંકડ માંકડ બેસવાનું હોવા છતાં સગવડમાં ઓગણીસ-વીસ થાય તો ફરિયાદના ઝંડા લહેરાવવામાં પાવરધા ગુજરાતી સહેલાણીઓમાંથી કોઈ કરતા કોઈએ હરફ ઉચ્ચાર્યો નહીં. પોણો કલાક દરમિયાન પાણી પર તરી રહ્યા હોઈએ એવી લાગણી સહુ કોઈએ અનુભવી. 

સફર દરમિયાન જુઓ પેલું કિગફિશર બર્ડ (કલકલિયો), ઈગ્રેટ (સફેદ બગલો), સ્ટેપ ઈગલ (ગડ) વિશે ગાઈડ આંગળી ચીંધી જાણકારી આપતો હતો. ગડની ભવ્યતા, મુલાયમ બગલો અને ઝીણકા કિગફિશર જોતા જોતા સરખામણીએ મહાકાય પાણીમાં વિશ્રામ કરતા મગરના દર્શન પણ થયા. મગરે બનાવેલા ઘર પણ પહેલી વાર જોયા. અલબત્ત દૂરથી. સાથે સાથે પંખીઓનો કલરવ મનને પ્રસન્નચિત્ત કરી દેતો હતો. પ્રકૃતિમાં રૂઢ અર્થમાં કોઈ ગ્લેમર નથી, પણ એ એટલી આકર્ષક છે કે એની સામે બધું ગ્લેમર ઝંખવાણું પડી જાય.

સાંસ્કૃતિક કાર્યક્રમ: ભારત-નેપાળની સરહદ નજીક રહેતા થા કમ્યુનિટીના લોકોની રહેણીકરણી સાદી પણ ઉષ્માથી છલકાતી હોય છે. નિજી સંસ્કૃતિ સાથે ગાઢ રીતે સંકળાયેલા આ લોકો વર્ષ દરમિયાન વિવિધ પર્વની ઉજવણી ઉમંગ અને ઉત્સાહ સાથે કરે છે. અમે ચિતવનમાં હતા એ દિવસે ચૈત્ર સુદ દસમ હતી અને એ દિવસ થા કમ્યુનિટી માટે ઉત્સવનો દિવસ હોવાથી ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ માણવાનો મોકો મળ્યો. દોઢેક કલાક ચાલેલો કાર્યક્રમ જોવા 600 બેઠકનો હોલ આખો ભરાઈ ગયો હતો. 

સ્ટેજ પર કોઈ જાતની ઝાકઝમાળ વિના જે વિવિધ શૈલીનાં નૃત્યો રજૂ થયા એ જોઈ વિદેશી સહેલાણીઓ સહિત બધા મુગ્ધ થઈ ગયા. દાંડિયા સાથેનો તેમનો કાર્યક્રમ તો આપણી નવરાત્રીના દાંડિયા રાસનું સ્મરણ કરાવતો હતો. છેલ્લી વીસેક મિનિટ તો ખાસ હાજર રહેલા સહેલાણીઓને સ્ટેજ પર આવવાનું આમંત્રણ મળતા ગુજરાતીઓએ પહેલ કરી ગરબા શરૂ કર્યા જેમાં વિદેશીઓ પણ જોડાઈ ગયા. અત્યંત વ્યસ્ત દિવસના અંતે શરીર ભલે થાક્યા હોય, દિલ-દિમાગમાં પ્રસન્નતા ના મોજા ઉછળી રહ્યા હતા.