યશ ચોટાઈ
ક્રિકેટ જગતની સૌથી લોકપ્રિય, સૌથી વધુ પૈસાનો ખેલો ધરાવતી અને સૌથી મોટી સંખ્યામાં યુવાન ખેલાડીઓને કરીઅરમાં નવો રાહ બતાવતી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 19મી સીઝનની 51 મૅચ પૂરી થઈ ચૂકી છે અને હવે 23 મુકાબલા બાકી છે ત્યારે ઊડીને આંખે વળગે એવી એક વાત બહાર આવી છે કે આ વખતે 41 મૅચ એવી રમાઈ જેમાં ટીમ-સ્કોર 200-પ્લસ હતા.
આઇપીએલની આ બહુ મોટી સિદ્ધિ કહેવાય, પણ એક જાણીતા અંગ્રેજી દૈનિકના અહેવાલમાં જણાવાયું છે કે 2025ની સીઝનની સરખામણીમાં 2026ની સીઝનમાં વ્યૂઅરશિપ ઘટી છે. એટલું જ નહીં, ટીવી રૅટિંગ્સમાં 18.8 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
2026ની આઇપીએલમાં માત્ર એક સુપરઓવર (લખનઊ સામે કોલકાતાનો વિજય) થઈ છે, પરંતુ બાકીની 50 મૅચમાંથી અનેક મૅચો હાઇ-સ્કોરિંગ, રોમાંચક, દિલધડક અને ટૂર્નામેન્ટને નવો વળાંક આપનારી રહી છે. 2025ની ટૂર્નામેન્ટ અગાઉની તમામ સીઝન કરતાં વધુ ધમાકેદાર હતી એવું કહેવામાં આવે છે. જોકે આ વખતની પહેલી 48 મૅચને ધ્યાનમાં લઈએ તો એમાંથી 39 મૅચમાં ટીમ-સ્કોર 200-પ્લસ હતા અને એવું તો 2025ની હાઇ-વૉલ્ટેજ માટે મશહૂર સીઝનમાં પણ નહોતું બન્યું.
2026ની આઇપીએલ-સીઝનની બીજી મોટી ખાસિયત એ છે કે પહેલી 48 મૅચમાં જે ટીમે 200 રન કે એનાથી વધુ રનનો લક્ષ્યાંક ચેઝ કર્યો હોય એમાં 12 ટીમને સફળતા મળી હતી. એ રેશિયો 2025ની આખી સીઝનમાં પણ નહોતો. ગયા વર્ષે પહેલી 48 મૅચમાં 200થી વધુ રનનો ટાર્ગેટ ચેઝ કરવામાં માત્ર ચાર ટીમને સફળતા મળી હતી.
આ વખતે હાઈ-સ્કોરિંગ મૅચોએ આઇપીએલની રેકૉર્ડ-બુકને વધુ દળદાર બનાવી છે, પરંતુ ટીવી વ્યૂઅરશિપનો આંકડો ચિંતા કરાવનારો છે. 2025ની સીઝનમાં સરેરાશ વ્યૂઅરશિપનો આંકડો 10.6 મિલિયન હતો જે આ વખતે ઘટીને 7.86 મિલિયન થયો છે
જે 26 ટકાનો ઘટાડો દર્શાવે છે. બ્રૉડકાસ્ટર્સની ભાષામાં કહીએ તો ટોટલ રીચનું પ્રમાણ પણ ઘટ્યું છે. 2025ની સીઝનમાં યુનિક વ્યૂઅર્સની સંખ્યા 123.96 મિલિયન હતી જે આ વખતે 8.3 ટકા ઘટીને 113.61 મિલિયન થઈ છે. જોકે ઓવર-ધ-ટૉપ (ઓટીટી) પર પ્લૅટફૉર્મ્સ પરની વ્યૂઅરશિપમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. 2025ની સીઝનમાં વ્યૂઅર્સની સંખ્યા 652 મિલિયન હતી જે 2026માં ખૂબ વધશે એવી ધારણા છે.
સાદી ભાષામાં જાણીએ તો ગઈ સીઝનની તુલનામાં આ વખતે પ્રત્યેક મૅચ સરેરાશ ઓછા લોકો જુએ છે. કહેવાય છે કે આ વખતે જાહેરખબર આપનારાઓને પણ ગયા વર્ષ કરતાં ઓછો રસ હોય એવું લાગે છે. અમેરિકા-ઇઝરાયલના ઇરાન સામેના યુદ્ધના અરસામાં જ આઇપીએલની સીઝન રમાઈ રહી છે અને એકંદરે વિવિધ બજારોમાં મંદીનો માહોલ હોવાથી આઇપીએલનો ચળકાટ પણ દર વખત જેવો નથી રહ્યો.
2025ની સીઝનમાં 65 બ્રૅન્ડની જાહેરખબરે આઇપીએલના ઍડવર્ટાઇઝિંગ વર્લ્ડમાં ધમાલ મચાવી દીધી હતી, પણ આ વખતે 31 ટકા ઓછી એટલે કે 44 બ્રૅન્ડની જાહેરખબર આવી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
આઇપીએલની વ્યૂઅરશિપ આ વખતે ઘટી હોવા પાછળનું એક ખાસ કારણ એ છે કે સૌનો લાડલો મહેન્દ્રસિંહ ધોની અનફિટ હોવાને કારણે આ વખતે હજી સુધી રમ્યો જ નથી. આ તેની અંતિમ આઇપીએલ હોવાનું મનાય છે, પણ એમાં તે ક્યારે રમશે અને કઈ મૅચ તેની સંભવિત ફેરવેલ મૅચ બનશે એ પણ નક્કી નથી. તેના કરોડો ચાહકો તેની ગેરહાજરીથી નિરાશ છે.
`હિટમૅન' રોહિત શર્મા પણ ઈજાને લીધે આ વખતે બહુ નથી રમ્યો. પાંચ ટાઇટલ જીતી ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં સારું પર્ફોર્મ નથી કરી રહી એ પણ એક મોટું કારણ છે. સૂર્યકુમાર યાદવ તેમ જ રિષભ પંત જેવા ખ્યાતનામ ખેલાડીઓ પણ અસલ ટચ નથી બતાવી શક્યા એ પણ સ્ટેડિયમો અને ટીવીથી પ્રેક્ષકો-દર્શકોને દૂર રાખનારા કારણ છે.