Tue Jul 28 2026

Logo

ક્રિકેટર બનવાનું પુત્રનું સપનું પૂરું કરવા પિતાની ગંભીર બીમારી માતાએ છુપાવી રાખી!

2026-07-28 17:02:08
Author: Ajay Motiwala
Article Image

હનુમાનજીના મંદિરમાં તલ્લીન હતો ત્યારે સિલેક્ટરોએ ટીમ ઇન્ડિયામાં તેના સમાવેશની જાણી કરી

નવી દિલ્હીઃ આવતા મહિને શ્રીલંકાના પ્રવાસમાં બે મૅચની સિરીઝ રમનાર ભારતીય ટેસ્ટ ટીમમાં પહેલી વખત સ્થાન મેળવનાર મધ્ય પ્રદેશના 33 વર્ષીય ઑફ-સ્પિન ઑલરાઉન્ડર સારાંશ જૈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટર બનવાનું 12 વર્ષ પહેલાં જ્યારે પહેલી વખત સપનું જોયું હતું એ અરસામાં તે પિતાની ગંભીર બીમારીથી ખૂબ ચિંતિત પણ હતો, પણ ખુદ તેના પિતા અને માતાએ પ્રેમ અને સ્નેહથી પુત્રને બધી ચિંતામાંથી મુક્ત કર્યો હતો અને આજે સમય એ આવ્યો છે કે તેણે પહેલી વખત ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવ્યું છે.

2014માં સારાંશ (Saransh) 21 વર્ષનો હતો ત્યારે તેની ક્રિકેટ કારકિર્દીની હજી માંડ શરૂઆત હતી. ત્યારે તે ઇન્દોરની એક ક્લબ ટીમ સાથે ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ગયો હતો. ત્યાંથી તે જ્યારે પણ ફોન કરતો અને પપ્પા વિશે પૂછતો ત્યારે તેના મમ્મી કે મોટા ભાઈ તેને કહેતા કે, `પપ્પા કામમાં વ્યસ્ત છે એટલે હમણાં વાત નહીં કરી શકે.' જોકે સારાંશ સ્વદેશ પાછો આવ્યો ત્યારે હકીકત જાણીને તેની આઘાતનો કોઈ પાર નહોતો. તેના પિતાને મોઢામાં કૅન્સર થયું હોવાનું ત્યારે નિદાન થયું હતું.

પિતાએ કાગળ પર લખેલું વાક્ય પ્રેરણારૂપ

સારાંશના પિતા (Father) સુબોધ જૈન પુત્રના એકમાત્ર કોચ છે. તેઓ 61 વર્ષના છે. ખુદ તેઓ ભૂતકાળમાં ઑફ-સ્પિનર હતા અને મધ્ય પ્રદેશ વતી રણજી ટ્રોફીમાં રમ્યા હતા. તેમના જમાનામાં ગોપાલ શર્મા મધ્ય ઝોનના મુખ્ય ઑફ સ્પિનર હતા એટલે સુબોધ જૈનને ભારત વતી નહોતું રમવા મળ્યું. તેમણે પીટીઆઇને પુત્ર વિશેની ચર્ચામાં વધુમાં કહ્યું, `સર્જરી પછી મારું મોં ખૂબ સુજી ગયું હતું એટલે હું જરાય બોલી નહોતો શક્તો. સારાંશ પાછો આવ્યો ત્યારે હકીકત જાણીને સ્તબ્ધ થઈ ગયો હતો. મેં પેન લઈને કાગળ પર લખ્યું કે બેટા, તુ જિતના અચ્છા કરેગા, મૈં ઉતની જલદી ઠીક હો જાઉંગા.'

હનુમાનના મંદિરેથી બહાર આવ્યો અને...

મંગળવારે સારાંશને ભારતીય ટીમમાં પહેલી વખત જગ્યા મળી ત્યારે પિતાની 12 વર્ષ પહેલાંની ચિઠ્ઠી તેના માટે સૌથી મોટી પ્રેરણા બની એવું કહી શકાય. મંગળવારે તે હનુમાનજીના મંદિરે પ્રાર્થનામાં તલ્લીન હતો ત્યારે સિલેક્ટરોએ ભારતીય ટીમમાં તેના નામની જાહેરાત કરી હતી. તેના પિતાએ પીટીઆઇને કહ્યું, `સારાંશ હનુમાનજીના મંદિરમાં હતો ત્યારે તેના મોબાઈલ પર એક કૉલ આવ્યો હતો, પણ તે ભક્તિ-પૂજામાં વ્યસ્ત હતો એટલે કૉલ રિસીવ નહોતો કર્યો. મંદિરમાંથી બહાર આવીને તેને જાણવા મળ્યું કે તે ટીમ ઇન્ડિયામાં સિલેક્ટ થયો છે. પુત્રના આ સિલેક્શનથી મારી ખુશીનો કોઈ પાર નથી. મારી કારકિર્દી રણજી ટ્રોફી સુધી જ સીમિત રહી, પરંતુ ભારત વતી રમવાનું મારું સપનું મારો પુત્ર પૂરું કરશે.'

અશ્વિનનો ફૅન, પાટીદાર સાથે ઘણું રમ્યો છે

સારાંશને ઑફ-સ્પિનની કળા પિતા પાસેથી મળી છે. પિતાએ તેના વિશે કહ્યું, `સારાંશ ઑફ-સ્પિનની બાબતમાં અગાઉ સૌથી વધુ મને ફૉલો કરતો હતો, પણ થોડા સમયથી તે રવિચન્દ્રન અશ્વિનનો ડાઇ-હાર્ડ ફૅન છે. તેના વીડિયો જોઈને તે ઘણું શીખ્યો છે. મેં સારાંશ સહિત મધ્ય પ્રદેશના ઘણા ખેલાડીઓને કોચિંગ આપ્યું હતું. તેઓ બધામાં એક મોટો ગુણ હતો...તેઓ બોલતા ઓછું અને પોતાના કામ પર બધુ ધ્યાન આપતા. સારાંશ 11 વર્ષનો હતો ત્યારથી (રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુના ચૅમ્પિયન કૅપ્ટન) રજત પાટીદાર સાથે ઘણું રમ્યો છે.