Tue Sep 08 2026

Logo

હવે અમદાવાદથી માતા વૈષ્ણો દેવી-કટરા વચ્ચે વધુ એક ટ્રેન દોડશે

2026-08-19 18:04:33
Author: Pooja Shah
હવે અમદાવાદથી માતા વૈષ્ણો દેવી-કટરા વચ્ચે વધુ એક ટ્રેન દોડશે

અમદાવાદઃ દેશમાં રિલિજિયસ ટૂરિઝમને કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રોત્સાહન આપે છે. લોકો બહુ મોટી સંખ્યામાં માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા જાય છે ત્યારે ગુજરાતમાં રહેતા લોકોને વૈષ્ણોદેવી જવા માટે સીધી ટ્રેનનો વધુ એક વિકલ્પ મળ્યો છે. 

રેલવેના જણાવ્યા અનુસાર સાબરમતી અને જમ્મુ તવી વચ્ચે ચાલનારી ટ્રેન નંબર 19223 ને  માતા વૈષ્ણો દેવી-કટરા સુધી વિસ્તારિત કરવામાં આવી છે. આનાથી માતા વૈષ્ણો દેવીના દર્શન માટે જનારા યાત્રીઓને સીધી કટરા સુધી રેલવે સેવા ઉપલબ્ધ થશે. 

આ અંગે રેલવેએ આપેલી વિગતો અનુસાર ટ્રેન નંબર 19223 સાબરમતી- માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ સાબરમતીથી 18 ઓક્ટોબર 2026 થી દરરોજ 10:25 કલાકે પ્રસ્થાન કરશે  તથા બીજા દિવસે 18:55 કલાકે  માતા વૈષ્ણો દેવી કટરા પહોંચશે. પરતમાં ટ્રેન નંબર 19224  માતા વૈષ્ણો દેવી કટરા–સાબરમતી એક્સપ્રેસ માતા વૈષ્ણો દેવી કટરાથી 20 ઓક્ટોબર 2026 થી દરરોજ 04:50 કલાકે પ્રસ્થાન કરશે તથા બીજા દિવસે 14:05 કલાકે સાબરમતી પહોંચશે. ટ્રેન નંબર 19223 સાબરમતી- માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસનો પાલનપુર રેલવે સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય 13:20 કલાકે અને 13:22 કલાકે રહેશે. આ ટ્રેનના વિસ્તરણની સાથે યાત્રીઓની સુવિધા માટે સામ્બા, બાડી બ્રાહ્મણ અને શહીદ કપ્તાન તુષાર મહાજન સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ પણ આપવામાં આવ્યા છે. 

આ સાથે ટ્રેન નંબર 19415 સાબરમતી- માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસના સમયમાં 25 ઓક્ટોબર 2026 થી ફેરફાર કરવામાં આવ્યા છે. ફેરફાર કરાયેલા સમય મુજબ, જમ્મૂ તવી સ્ટેશન પર ટ્રેનના આગમન અને પ્રસ્થાન ક્રમશઃ 04:05 કલાકે અને 04:15 કલાકે રહેશે, જ્યારે માતા વૈષ્ણો દેવી કટરા સ્ટેશન પર ટ્રેનનું આગમન 06:25 કલાકે થશે. 

ટ્રેન નંબર 12473 ગાંધીધામ- માતા વૈષ્ણો દેવી કટરા સર્વોદય એક્સપ્રેસના સમયમાં 24 ઓક્ટોબર 2026 થી ફેરફાર કરવામાં આવ્યા છે. ફેરફાર કરાયેલા સમય મુજબ, જમ્મૂ તવી સ્ટેશન પર ટ્રેનના આગમન અને પ્રસ્થાન ક્રમશઃ 14:32 કલાકે અને 14:37 કલાકે રહેશે, તેમ રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું.