Wed Aug 19 2026

Logo

જુન્નરમાં પડોશીનું પિશાચી કૃત્ય: રૅપ બાદ નવ વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારી

2026-08-19 17:53:02
Author: Yogesh C. Patel
Article Image

સીસીટીવીની મદદથી આરોપી પકડાયો: ફાંસીની માગણી સાથે ગામવાસીઓનો હાઈવે જૅમ

પુણે: પુણેના જુન્નર તાલુકામાં બનેલી આઘાતજનક ઘટનામાં પિશાચ બનેલા પડોશીએ નવ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યા પછી તેની કથિત હત્યા કરી હતી. સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો, પરંતુ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી નરાધમને ફાંસી આપવાની માગણી સાથે ગામવાસીઓએ પુણે-નાશિક હાઈવે જૅમ કર્યો હતો.પુણે ગ્રામીણના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સંદીપ સિંહ ગિલે જણાવ્યું હતું કે ઘટના મંગળવારની બપોરે જુન્નર તાલુકાના પિંપળવંડી ગામમાં બની હતી. આરોપી અને બાળકી એક જ સમુદાયના અને પડોશમાં રહેતા હોવાથી તેમની વચ્ચે સારી ઓળખાણ હતી. રોજંદારી કરનારા પચીસ વર્ષના આરોપીને કસ્ટડીમાં લઈ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અધિકારીના જણાવ્યા મુજબ નવ વર્ષની બાળકી ચોથા ધોરણમાં ભણતી હતી. મંગળવારે તબિયત સારી ન હોવાથી બાળકી શાળામાં ગઈ નહોતી. વડીલો ખેતરમાં મજૂરી માટે ગયા હતા ત્યારે બાળકી ઘરમાં એકલી હતી.બાળકી ઘરમાં બેસીને ટીવી જોતી હતી ત્યારે આરોપી ત્યાં આવ્યો હતો. ખબરઅંતર પૂછ્યા પછી પેરુ અપાવવાને બહાને આરોપી બાળકીને નજીકના ખેતરમાં લઈ ગયો હતો. ખેતરમાં કુકર્મ આચર્યા પછી ગળું દબાવીને બાળકીની હત્યા કરવામાં આવી હતી.

સાંજે વડીલો ઘરે પાછા ફર્યા ત્યારે બાળકી નજરે પડી નહોતી. ગામવાસીઓની મદદથી શોધખોળ કર્યા છતાં તેની કોઈ ભાળ ન મળતાં આળેફાટા પોલીસ સ્ટેશનમાં તેની મિસિંગની ફરિયાદ નોંધાવી હતી.પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ બાળકીના વડીલો અને ગામવાસીઓ બાળકીની શોધ ચલાવી રહ્યા હતા ત્યારે આરોપી પણ તેને શોધવાનું નાટક કરી ગામવાસીઓ સાથે જોડાયો હતો. તપાસ દરમિયાન આરોપીની હિલચાલ શંકાસ્પદ જણાતાં પોલીસની એક ટીમ તેના પર નજર રાખી રહી હતી.

પોલીસની બીજી ટીમ ગામમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી રહી હતી. એક કૅમેરામાં આરોપી બાળકી સાથે સાઈકલ પર જતો દેખાયો હતો. શંકાને આધારે આરોપીને તાબામાં લઈ પૂછપરછ કરવામાં આવતાં તેણે ગુનો કબૂલ્યો હતો.અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીએ બતાવેલા ખેતરમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. શબ પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં લઈ જવાયું હતું. પોસ્ટમોર્ટમના અહેવાલ બાદ ઘટના અંગે વધુ જાણકારી મળી શકશે.

દરમિયાન બાળકીનો મૃતદેહ મળતાં જ ગામવાસીઓ ભડક્યા હતા. બાળકીના વડીલો-સગાંસંબંધી અને ગામવાસીઓ રસ્તા પર ઊતર્યા હતા. કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી 15 દિવસમાં જ આરોપીને ફાંસીને માંચડે ચડાવવાની માગણી તેમણે કરી હતી. રોષે ભરાયેલા ગામવાસીઓએ પુણે-નાશિક હાઈવે પર વાહનોનાં ચક્કા જૅમ કરી દીધાં હતાં. પોલીસની સમજાવટ પછી મામલો થાળે પડ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

વધુ જુઓ...