નવી દિલ્હીઃ ભારતીય રેલવે તત્કાલ ટિકિટ બુકિંગના નિયમોમાં મોટા ફેરફાર કરી રહ્યું છે, જે પહેલી ઓગસ્ટથી લાગુ પડવાથી પ્રવાસીઓને ટિકિટ માટે સવારથી લાઈન લગાવવાની જરુર ઊભી થશે નહીં, જેમાં પ્રવાસીને એક ટોકન મળશે, જેના સમયે પ્રવાસી કાઉન્ટર પર પહોંચીને સરળતાથી ટિકિટ લઈ શકશે.
નવા નિયમ અંતર્ગત ભારતીય રેલવેના પશ્ચિમ મધ્ય રેલવે (West Central Railway) દ્વારા પહેલી ઓગસ્ટથી તત્કાલ ટિકિટ બુકિંગ માટે નવી ટોકન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી રહી છે. આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ રિઝર્વેશન કાઉન્ટર પર થતી ભીડ ઘટાડવાનો, મુસાફરોનો સમય બચાવવાનો અને દલાલો દ્વારા થતી ગેરરીતિઓ પર નિયંત્રણ લાવવાનો છે. AC વર્ગના પ્રવાસીઓ માટે સવારે 8:30 વાગ્યાથી 9:00 દરમિયાન ટોકન આપવામાં આવશે ત્યાર બાદ તત્કાળ બુકિંગ શરૂ થતાં ટોકન નંબર મુજબ મુસાફરોને બોલાવવામાં આવશે.
લાઈનમાં ઊભા રહેવું નહીં પડે
Non-AC વર્ગ માટે સવારે 9:00 વાગ્યાથી 9:30 દરમિયાન ટોકન આપવામાં આવશે. ત્યાર બાદ ટોકન ક્રમ પ્રમાણે ટિકિટ બુક કરવામાં આવશે. આનાથી મુસાફરોને કાઉન્ટર પર લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે, ટોકન મળ્યા પછી રાહ વધુ વ્યવસ્થિત રીતે જોઈ શકાશે.

એક જ દિવસમાં બે વખત કાઉન્ટર પર આવવાની ઝંઝટ ઘટશે, દલાલો અને ગેરવ્યવહાર પર નિયંત્રણ આવશે, સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શક અને સરળ બનશે. આ તમામ પ્રક્રિયા માટે ઓળખપત્ર રાખવું જરૂરી છે. તત્કાલ ટિકિટ બુક કરાવતી વખતે માન્ય ઓળખપત્ર સાથે રાખવાની સલાહ આપવામાં આવી છે, જેથી બુકિંગ પ્રક્રિયા ઝડપી અને સુરક્ષિત રહે. તત્કાલ યોજના ભારતીય રેલવેએ વર્ષ 1997માં તત્કાલ યોજના શરૂ કરી હતી, જેથી મુસાફરોને અચાનક પ્રવાસ કરવાની જરૂર પડે ત્યારે એક દિવસ અગાઉ આરક્ષિત ટિકિટ મેળવી શકે.
પ્રવાસીઓને મોટી રાહત
શરૂઆતમાં આ સુવિધા મર્યાદિત ટ્રેનોમાં હતી, પરંતુ બાદમાં લગભગ તમામ મુખ્ય રિઝર્વ્ડ ટ્રેનોમાં તેને લાગુ કરી દેવામાં આવી. આ સમય જતાં ઑનલાઇન બુકિંગ, એજન્ટ નિયંત્રણ, આધાર આધારિત ચકાસણી અને હવે ટોકન જેવી નવી વ્યવસ્થાઓ ઉમેરવામાં આવી છે, જેથી સામાન્ય મુસાફરોને વધુ સારી રીતે અને પારદર્શક રીતે ટિકિટ મળી રહે. હાલ જાહેર થયેલી ટોકન સિસ્ટમ પશ્ચિમ મધ્ય રેલવે (WCR)ના રિઝર્વેશન કાઉન્ટર માટે જાહેર કરવામાં આવી છે.
સમગ્ર ભારતીય રેલવેના દરેક ઝોનમાં આ જ નિયમ લાગુ થયો છે તેવી સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. થોડા સમય પહેલા ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગની વ્યવસ્થા સરળ કરવા માટે વેબસાઈટ અપગ્રેડ કરી હતી. આ કારણે વધારે સ્લોટમાં ટિકિટ સરળતાથી બુક કરી શકાય. આ પછી હવે વધુ એક સુવિધા શરૂ કરતા હવે ભારતીય પ્રવાસીઓને મોટી રાહત મળવાની છે.