નાગોયા (જાપાન): અહીં આયોજિત 20મી એશિયન ગેમ્સના શૂટિંગ રેન્જમાં નિશાનબાજોને અમુક નિયમો પર `બાજ નજર' રાખવાની સલાહ આપવામાં જ આવે છે, મીડિયામેન માટે પણ એક ખાસ નિયમ લખવામાં આવ્યો છે જેમાં તેમના માટે ડ્રેસ કોડને લગતો નિયમ જણાવાયો છે.
સામાન્ય રીતે ઘણા દેશોમાં બ્લુ જીન્સ પહેરવાની ઘણી ઇવેન્ટમાં મનાઈ કરાતી હોય છે. એશિયન ગેમ્સ (Asian Games)ના આયોજકો એક જગ્યાએ બોર્ડ લગાવ્યું છે, `શૂટિંગની હરીફાઈઓ કવર કરનાર તમામ મીડિયામેન માટે ડ્રેસ કોડ છે એનું તેમણે ખાસ ધ્યાન રાખવું.'
Dress code for media at shooting #Asiangames.
— Abhijit Deshmukh (@iabhijitdesh) September 23, 2026
No Blue jeans, shorts allowed.
Later it was confirmed rules are only for photographers. #Aichinagoya #shooting@BoriaMajumdar @RevSportzGlobal pic.twitter.com/ypr1iR9a0D
એક વીડિયો જર્નલિસ્ટને તાજેતરમાં બ્લુ જીન્સ (Blue Jeans) બદલી આવવા કહેવામાં આવ્યું હતું. તેને બ્લૅક જીન્સની પરવાનગી અપાઈ, કારણકે ડ્રેસ કોડ હેઠળ બ્લૅક જીન્સ વધુ ફૉર્મલ ગણાય છે. પત્રકારોએ ખુલાસો માગતાં આયોજકોએ સ્પષ્ટતા કરી કે `બ્લુ જીન્સ ન પહેરવાનો નિયમ પત્રકારો માટે નથી, પણ ફોટોગ્રાફર અને ટીવી કૅમેરામેન માટે જ છે. કારણ એ છે કે તેઓ હંમેશાં જનતાની નજરમાં રહેતા હોય છે એટલે તેમણે અમુક પ્રૉફેશનલ સ્તરના ધોરણોનું પાલન કરવું પડે.'
મીડિયામેન માટેના ડ્રેસ કોડ મુજબ એશિયન ગેમ્સ દરમ્યાન તેમને (ફોટોગ્રાફર્સ તથા કૅમેરામેનને) આર્મીના ડ્રેસ જેવા કપડાં પહેરવાની, ખૂબ જ ટૂંકા શૉર્ટ, સ્લીવલેસ શર્ટ, (ગંજી જેવા) ટૅન્ક ટૉપ, કટ-ઑફ્સ, રફ ઍન્ડ ટફ તરીકે જાણીતા રૅગ્ડ ક્લોધિંગ, ડાઘ કે ખાસ પૅટર્નના કાણાંવાળા ટ્રાઉઝર, જિમ્નેશ્યમ કે રનિંગ માટેના શૉર્ટ તેમ જ સૅન્ડલ તથા ફ્લિપ-ફ્લૉપ પહેરવાની મનાઈ છે.
સ્મૃતિ મંધાનાની `ગોલ્ડન ટૂર'
ભારતને એશિયન ગેમ્સ-2026માં સૌપ્રથમ ગોલ્ડ મેડલ ટી-20 મહિલા ક્રિકેટ ટીમે અપાવ્યો છે અને આ ટીમની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાનાએ જાપાનના કેટલાક જાણીતા સ્થળોની મિત્રો સાથે મુલાકાત લીધી એની તસવીરો બુધવારથી સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે.
શું તમે આ જાણો છો?
(1) સોમવારે જાપાનના આઇચી-નાગોયામાં ડૂવાન નામે ઓળખાતા વંટોળને કારણે ઘોડેસવારીની હરીફાઈ મોકૂફ રાખવામાં આવી હતી.
(2) 2026ની જાપાન એશિયન ગેમ્સમાં ડૉપિંગનો પ્રથમ કિસ્સો બહાર આવ્યો. થાઇલૅન્ડની મહિલા બૅડમિન્ટન ખેલાડીએ પ્રતિબંધિત કેફીદૃવ્ય લીધું હોવાનો રિપોર્ટ આવતાં તેને આ રમતોત્સવમાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી.
(3) જાપાનમાં 2021ની ટૉક્યો ઑલિમ્પિક્સ વખતે ઍથ્લીટોના રહેવાની તેમ જ અન્ય સુવિધાઓ વિશે ભાગ્યે જ ફરિયાદ થઈ હતી, પણ આ વખતે એશિયન ગેમ્સમાં અસંખ્ય ફરિયાદો થઈ છે. એક અહેવાલ મુજબ એનું મુખ્ય કારણ એ છે કે ટૉક્યો ઑલિમ્પિક્સ વખતે જે મોટી એજન્સીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા એ એજન્સીઓને બદલે આ વખતે ઓછી જાણીતી અને નાની એજન્સીઓની મદદ લીધી છે.