Wed Oct 07 2026

Logo

ડૉલરમાં મજબૂતાઈ અને ક્રૂડ તેલના ભાવમાં સુધારો આવતા રૂપિયો 11 પૈસા નરમ

2026-09-23 19:58:00
Author: Ramesh Gohil
ડૉલરમાં મજબૂતાઈ અને ક્રૂડ તેલના ભાવમાં સુધારો આવતા રૂપિયો 11 પૈસા નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને બે્રન્ટ ક્રૂડ તેલના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો થતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયાો 11 પૈસા નબળો પડ્યો હતો. ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું કે અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધિકારીઓએ શેષ વર્ષ 2026માં વ્યાજદરમાં વધારાની શક્યતા વ્યક્ત કરતાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ જોવા મળ્યું હતું અને રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો. જોકે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો. 

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.62ના બંધ સામે સુધારા સાથે 95.58ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.76 અને ઉપરમાં 95.57 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે 11 પૈસાના ઘટાડા સાથે 95.73ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં 16 પૈસાનો સુધારો જોવા મળ્યો હતો. 

યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (યુએનજીએ)માં થનારી આડકતરી વાતચીતોમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનાં વિવાદનો ઉકેલ આવે અને વૈશ્વિક જોખમી પરિબળો હળવા થવાની શક્યતાને ધ્યાનમાં લેતાં ક્રૂડ તેલમાં નરમાઈ રહેતાં આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરતા મિરે એસેટ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે જો ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહે અને અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં વધારો થાય તો રૂપિયામાં સુધારો અટકી શકે છે. તેમ છતાં અમારા મતે ડૉલર સામે રૂપિયો 95.50થી 95.95ની રેન્જમાં રહે તેવી શક્યતા છે. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ 0.27 ટકા વધીને 100.87 આસપાસ અને બે્રન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવ 0.26 ટકા વધીને બેરલદીઠ 99.51 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 299.17 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 117.80 પૉઈન્ટનો સુધારો આવ્યો હતો. તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 3809.99 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલ હતા.