Tue Oct 06 2026

Logo

ભારતે ચાઈનીઝ રસાયણની આયાત સામે એન્ટિ ડમ્પિંગ તપાસ શરૂ કરી

2026-09-23 19:56:19
Author: Ramesh Gohil
ભારતે ચાઈનીઝ રસાયણની આયાત સામે એન્ટિ ડમ્પિંગ તપાસ શરૂ કરી

નવી દિલ્હીઃ સ્થાનિક ઉત્પાદકોની ફરિયાદને ધ્યાનમાં લેતા ભારતે ચીનથી આયાત થતાં સુગંધ પુષ્ટિવર્ધક અને ફાર્માસ્યુટિકલ ઈનગે્રડિઅન્ટ્સ ગ્લાયસીનની આયાત સામે એન્ટિ ડમ્પિંગ તપાસ શરૂ કરી છે. 

વાણિજ્ય મંત્રાલય હેઠળની તપાસકર્તા એજન્સી ડિરેક્ટોરેટ જનરલ ઑફ ટ્રેડ રેમેડિઝ સમક્ષ સ્થાનિક ઉત્પાદક અવિદ ઓર્ગેનિક્સ દ્વારા એન્ટિ ડમ્પિંગ તપાસ શરૂ કરવા માટે અરજી કરવામાં આ હતી અને અરજદારે આક્ષેપ કર્યો હતો કે ચીનથી આયાત થતાં ગ્લાયસીનને કારણે સ્થાનિક ઉદ્યોગને નોંધપાત્ર માત્રામાં માઠી અસર પડી રહી હોવાથી એન્ટિ ડમ્પિંગ તપાસ હાથ ધરવામાં આવે, એમ ડિરેક્ટોરેટે નોટિફિકેશનમાં જણાવ્યું હતું. 

આ સાથે ઑથોરિટીએ તપાસ શરૂ કરી છે ડિરેક્ટોરેટે તપાસ માટેનો સમયગાળો વર્ષ 2022થી 2025 સુધીનો નિર્ધારિત કર્યો છે. એન્ટિ ડમ્પિંગની તપાસમાં ડમ્પિંગની માત્રા અને તેની અસરો અંગેની આકારણી કરવામાં આવશે અને જો ડમ્પિંગને કારણે સ્થાનિક ખેલાડીઓ પર નોંધપાત્ર માત્રામાં અસર થયાનું ફલિત થશે તો ડિરેક્ટોરેટ દ્વારા એન્ટિ ડમ્પિંગ ડ્યૂટીની ભલામણ કરવામાં આવશે. જોકે, એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાદવા અંગેનો અંતિમ નિર્ણય તો નાણાં મંત્રાલય દ્વારા જ લેવામાં આવશે. 

નોંધનીય બાબત એ છે કે અમેરિકા-ચીન વચ્ચેનાં વેપાર અંગેના તણાવની સ્થિતિ અને ચીનની નોંધપાત્ર સ્તરે અતિ ઉત્પાદન ક્ષમતાને ધ્યાનમાં લેતાં ભારતમાં ચીનનાં સસ્તાં ઉત્પાદનો ડમ્પ થવાનું જોખમ વધારે છે. પરિણામે તાજેતરમાં ભારતે ચીનથી આયાત થતાં ઘણાં ઉત્પાદનોની આયાત સામે એન્ટિ ડમ્પિંગ તપાસ શરૂ કરી છે અને ચીન ઉપરાંત ઘણાં દેશોથી થતી સસ્તી આયાત સામે સ્થાનિક ઉત્પાદકોના હિત જાળવવા માટે એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી પણ લાદી છે. 

પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત નાણાકીય વર્ષમાં દેશની ચીન ખાતેની નિકાસ 36.66 ટકા વધીને 19.47 અબજ ડૉલરના સ્તરે રહી હતી, જ્યારે આયાત 16 ટકા વધીને 131.63 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. આમ નિકાસ કરતાં આયાત વધુ રહેતાં ભારતની ચીન સાથેની વેપાર ખાધ વધીને આગલા નાણાકીય વર્ષનાં 99.2 અબજ ડૉલર સામે વધીને ઐતિહાસિક ઊંચી 112.6 અબજ ડૉલરની સપાટીએ પહોંચી હતી.