Fri Sep 04 2026

Logo

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સરકારની નજર: મેટા, એક્સ અને ગૂગલને સંસદીય સમિતિનું સમન્સ

2026-07-28 22:27:17
Author: Mumbai Samachar Team
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સરકારની નજર: મેટા, એક્સ અને ગૂગલને સંસદીય સમિતિનું સમન્સ

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા અને ડિઝિટલ પ્લેટફોર્મના નિયમન પર ચર્ચા માટે સંસદીય સમિતિએ 3, ઓગસ્ટના રોજ ઈન્સ્ટાગ્રામ સહિતની મોટી સોશિયલ મીડિયા કંપનીઓના પ્રતિનિધિઓ અને ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (એમઈઆઈટીવાઈ) અને ગૃહ મંત્રાલયના અધિકારીઓને બોલાવ્યા હતા.

કમ્યુનિકેશન અને માહિતી ટેકનોલોજી પર સંસદની સ્થાયી સમિતિના અધ્યક્ષ અને ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ જણાવ્યું હતું કે સમિતિએ મેટા (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ), ગૂગલ, એક્સ (અગાઉ ટ્વિટર) અને સ્નેપચેટના પ્રતિનિધિઓને સમન્સ પાઠવ્યા છે, જેથી તેઓ મહિલાઓ, બાળકો, ખેડૂતો, ગ્રામીણ લોકો, મજૂરો અને સામાન્ય લોકોની પ્રાઈવેસીનું રક્ષણ કેવી રીતે સુનિશ્ચિત કરે છે અને સાર્વજનિક વ્યવસ્થા જાળવી રાખવા માટે ક્યાં પગલા ઉઠાવે છે.

આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા ખાસ કરીને ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કૉકરૉચ જનતા પાર્ટી (સીજેપી)એ જંતર-મંતર ખાતે થયેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને લોકોને એકઠા કરવા માટે વ્યાપક ઉપયોગ કર્યો હતો. નીટ-યુજી પેપર લીક અને અન્ય મુદ્દાઓને લઈને આ વિરોધ પ્રદર્શનના વીડિયો, રીલ અને લાઈવ અપડેટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વ્યાપકપણે શેર કરવામાં આવ્યા હતા.

સીજેપીના નેતૃત્વમાં જંતર-મંતર ખાતે 36 દિવસ સુધી ચાલેલા વિરોધ પ્રદર્શનનો શનિવારે અંત આવ્યો હતો. સરકારે પ્રદર્શનકારીઓની મુખ્ય માંગણીઓ સ્વીકારી અને ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ વિરોધનો અંત આવ્યો હતો.

મંગળવારે જાહેર કરાયેલી નોટિસ મુજબ, બેઠકના એજન્ડામાં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય, ગૃહ મંત્રાલય અને સામાજિક અને ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ - સ્નેપચેટ, ગૂગલ, એક્સ (અગાઉ ટ્વિટર), મેટા (ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ) ના પ્રતિનિધિઓ દ્વારા "સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સ અને તેમના નિયમન" વિષય પર જાણકારી આપવાનો સમાવેશ થાય છે.