નવી દિલ્હીઃ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ અંતર્ગત મહારાષ્ટ્ર સરકારને બીજા હપ્તા પેટે રૂ. 335 કરોડ છૂટા કરવામાં આવશે, એમ કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે તાજેતરમાં જણાવ્યું હતું.
કૃષિ મંત્રાલયની અધિકૃત યાદીમાં જણાવ્યાનુસાર રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ જારી કરવામાં આવેલા ભંડોળના ઉપયોગનું મૂલ્યાંકન કરવા અને મહારષ્ટ્ર સરકારને બીજો હપ્તો જારી કરવા અંગે કૃષિ પ્રધાનની અધ્યક્ષતા હેઠળ એક વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન દત્તાત્રેય ભરણે મહારાષ્ટ્ર સરકાર, ભારત સરકારના કૃષિ વિભાગના અધિકારીઓ અને મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમીક્ષા અંતર્ગત ચૌહાણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે અગાઉ મહારાષ્ટ્ર સરકારને રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળના પહેલા હપ્તા પેટે રૂ. 335 કરોડ જારી કર્યા હતી. તેમાંથી રાજ્યએ રૂ. નિર્દિષ્ટ 75 ટકા કરતાં વધુ અંદાજે રૂ. 260 કરોડનો ઉપયોગ કર્યો હોવાથી તે બીજા હપ્તા માટે લાયક ઠરે છે. આથી આ બીજો હપ્તો છૂટો કરવા માટેની પ્રક્રિયા શરૂ થશે.
વધુમાં તેમણે મહારાષ્ટ્ર સરકારને યોજાના હેઠળ નિર્ધારિત સમયમર્યાદામાં 75 ટકા કરતાં વધુ ભંડોળનો ઉપયોગ કરવા બદલ પ્રશંસા કરતાં કહ્યું હતું કે યોજના હેઠળ બીજા હપ્તા માટે લાયક ઠરનાર મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય છે. જાહેર ભંડોળનો ઉપયોગ જે હેતુઓ માટે મંજૂર કરવામાં આવ્યો છે તે હેતુઓ માટે જ થાય તે માટે હંમેશાં દેખરેખ રાખવા અને સમયસર ખર્ચ કરવા પર તેમણે ભાર મૂક્યો હતો.
આ ઉપરાંત તેમણે ખેડૂત ઓળખપત્રો જનરેટ કરવામાં મહારાષ્ટ્ર સરકારની પ્રશંસા કરવાની સાથે પૂરથી અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય દ્વારા આપવામાં આવેલી તાત્કાલિક નાણાકીય સહાયનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે માત્ર પાંચ દિવસમાં અંદાજે રૂ. 14,000 કરોડનું વળતર સીધા ખેડૂતોના બૅન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું.
યોજના હેઠળના વિવિધ ઘટકોની સમીક્ષા કરતાં ચૌહાણે મિશન ફોર ઈન્ટિગે્રટેડ ડેવલોપમેન્ટ ઑફ એગ્રીકલ્ચર સંતોષકારક પ્રગતિનો સ્વીકાર કરવાની સાથે રાજ્યના અમલીકરણના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. તેમણે મહારાષ્ટ્રને ડિજિટલ એગ્રીકલ્ચર, એગ્રીકલ્ચર એક્સટેન્શન, નેશનલ હોર્ટિકલ્ચર મિશન અને બીજ, તેલીબિયાં અને એગ્રોફોરેસ્ટ્રી જેવાં ઘટકો પાછળના ખર્ચને વેગ આપવા સલાહ આપવાની સાથે બીજ ઘટકો હેઠળ બાકી રહેલી જવાબદારીઓ ઝડપથી ચુકવવી જોઈએ એમ જણાવ્યું હતું.
વધુમાં આ બેઠક દરમિયાન ચૌહાણે પ્રધાન મંત્રી બીમા ફસલ યોજનાનાં અમલીકરણ અંગે પણ ચર્ચા કરી હતી અને જણાવતા તેમણે પાક વીમાના અમલીકરણમાં ખેડૂતો પાસેથી સચોટ માહિતીની જાહેરાત પર ભાર મૂક્યો હતો.