Mon Jul 27 2026

Logo

વર્તમાન નાણાકીય વર્ષમાં નવ લાખ સીએનજી વાહનોના વેચાણનો મારુતિ સુઝુકીનો અંદાજ

2026-07-27 19:42:13
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં વધેલા ભૂરાજકીય તણાવને કારણે ઈંધણના ભાવમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં લેતાં  વર્તમાન નાણાકીય વર્ષમાં સીએનજી વાહનોનું વેચાણ 30 ટકા વધીને નવ લાખ યુનિટ આસપાસની સપાટીએ રહે તેવી શક્યતા અગ્રણી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી લિ.ના એક અધિકારીએ વ્યક્ત કરી છે. 

કંપનીના માર્કેટિંગ અને વેચાણ વિભાગના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ ઑફિસર પાર્થો બેનરજીએ જણાવ્યું હતું કે સીએનજી વાહનોની માગ વૃદ્ધિ માત્ર નાની કાર સુધી સીમિત ન રહેતાં એસયુવીમાં પણ માગ વધશે. 

હાલ બજારમાં સીએનજી વાહનોનાં વેચાણની સ્થિતિ કેવી છે એવું પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકગાળામાં અમારું સીએનજી વાહનોનું વેચાણ વર્ષાનુવર્ષ ધોરણે 58 ટકા વધીને 2.2 લાખ યુનિટનું થયું છે. ખાસ કરી પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિને કારણે ક્રૂડતેલના ભાવ વધી આવતા સીએનજી વાહનોની માગમાં ઉછાળો આવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું, જ્યારે વર્તમાન નાણાકીય વર્ષમાં સીએનજી વાહનોના વેચાણના લક્ષ્યાંક અંગે તેમણે કહ્યું હતું કે પહેલા ત્રિમાસિકગાળાના વેચાણને ધ્યાનમાં લેતા અમે સમગ્ર વર્ષ માટે નવ લાખ યુનિટના વેચાણનો લક્ષ્યાંક રાખ્યો છે. 

નોંધનીય બાબત એ છે કે હાલમાં મારુતિ સુઝુકી ઈન્ડિયા સ્થાનિક બજારમાં હળવા વેપારી વાહનો સહિત કુલ 15 સીએનજી વાહનોનું વેચાણ કરી રહી છે.તેમ જ ગત નાણાકીય વર્ષમાં સાત લાખ યુનિટ સીએનજી વાહનોનું વેચાણ થયું હતું. હવે સીએનજી વાહનોની માગ વાન અને યુટિલિટી વાહન અર્ટિગા જેવી નાની કાર પૂરતી નથી રહી, પરંતુ એસયુવી સેગ્મેન્ટમાં પણ મજબૂત માગ હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

એસયુવી વિક્ટરીઝમાં ખાસ કરીને 50 ટકા માગ અન્ડરબોડી સીએનજી (ટૅન્ક)ની રહેતી હોવાથી કંપનીએ નવાં કોમ્પેક્ટ એસયુવી મૉડૅલ બ્રીઝામાં તે જ પ્રકારની અન્ડરબોડી સીએનજી ટૅન્ક રાખી હોવાનું તેમણે જણાવતાં ઉમેર્યું હતું કે `બ્રીઝા-એસ-સીએનજી' આદર્શ સ્ટાર્ટ-સ્ટોપ ટેક્નોલૉજીથી સજ્જ હોવાની સાથે નવાં 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમીશન ધરાવે છે જેથી ઈંધણની અસરકારકતા કિલોદીઠ 26.9 કિલોમીટરની છે.