Sun Sep 06 2026

Logo

બટવારા '1947'નું ટ્રેલર રિલીઝ, ભારતીય ઇતિહાસનું વધુ એક પાનું બિગ સ્ક્રીન પર દેખાશે

2026-07-28 15:37:00
Author: Mumbai Samachar Team
બટવારા '1947'નું ટ્રેલર રિલીઝ, ભારતીય ઇતિહાસનું વધુ એક પાનું બિગ સ્ક્રીન પર દેખાશે

આમિર ખાન પ્રોડક્શન્સ દ્વારા તૈયાર થયેલી અને રાજકુમાર સંતોષી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'બટવારા 1947' નું ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં સન્ની દેઓલ મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે પ્રીતિ ઝિન્ટા, શબાના આઝમી, અલી ફઝલ અને કરણ દેઓલ પણ મહત્વપૂર્ણ રોલ પ્લે કરતા જોવા મળી રહ્યા છે. 

ટ્રેલરમાં શું ખાસ છે?

ટ્રેલરમાં વર્ષ *1947ના ભારત-પાકિસ્તાન વિભાજન દરમિયાન થયેલી હિંસા, સ્થળાંતર, ધાર્મિક તણાવ અને સામાન્ય લોકોના દુઃખદ અનુભવોને અત્યંત ભાવુક રીતે રજૂ કરવામાં આવ્યા છે. સની દેઓલ એક એવા વ્યક્તિના પાત્રમાં છે, જે હિંસાની વચ્ચે માનવતા અને ભાઈચારાનો સંદેશ આપે છે. એમના દરેક ડાયલોગ દમદાર છે અને સીન પણ દિલને ટચ કરી જાય છે. પ્રીતિ ઝિન્ટા અને શબાના આઝમીના ઈમોશનલ દૃશ્યો ટ્રેલરને વધુ ઇમ્પેક્તફૂલ બનાવે છે. ટ્રેલરમાં માનવતા, ત્યાગ, પરિવારનું વિભાજન અને દેશપ્રેમ જેવા ભાવોને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. ફિલ્મનું સંગીત એ. આર. રહેમાન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જ્યારે ડાયલોગ અને વાર્તા પ્રસિદ્ધ લેખક અસગર વજાહતના નાટક પરથી પ્રેરિત છે. 

આ માટે ખાસ છે ફિલ્મ

ફિલ્મનું પહેલું નામ લાહોર 1947 નક્કી થયું હતું. બાદમાં ગંભીરતા અને વિવાદના કેટલાક મુદ્દાને ધ્યાનમાં રાખીને તેનું નામ બટવારા 1947 રાખવામાં આવ્યું. ફિલ્મને ભારતીય સેન્સર બોર્ડ (CBFC) તરફથી 'A' સર્ટિફિકેટ કોઈપણ કટ વગર મળ્યું છે. 

આ પણ એક હકીકત

15 ઑગસ્ટ, 1947ના રોજ ભારત બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્ર બન્યું. પરંતુ તે જ સમયે બ્રિટિશ સરકારે ભારતને બે દેશોમાં વહેંચવાનો નિર્ણય લીધો. આ વિભાજનને ઇતિહાસમાં *Partition of India (ભારતનું વિભાજન) તરીકે ઓળખવામાં આવે છે.

અંદાજે 1.4થી 1.8 કરોડ લોકોએ સરહદ પાર કરીને સ્થળાંતર કર્યું. ભારતીય ઇતિહાસમાં આ ઘટનાને સૌથી મોટી માનવ સ્થળાંતરની દુર્ઘટનાઓમાંની એક માનવામાં આવે છે.

ફિલ્મનો મુખ્ય સંદેશ

'બટવારા 1947' માત્ર હિંસા બતાવતી ફિલ્મ નથી, પરંતુ તે દર્શાવે છે કે ધર્મ અને રાજકારણથી ઉપર માનવતા, સહઅસ્તિત્વ અને આશા કેવી રીતે જીવંત રહી શકે છે. ટ્રેલર પણ આ જ સંદેશને ભારપૂર્વક રજૂ કરે છે.