Tue Jul 28 2026

Logo

અત્યાર સુધીમાં ખરીફ વાવેતર વિસ્તારમાં 4.7 ટકાનો ઘટાડો

2026-07-28 20:56:52
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ વર્તમાન ખરીફ મોસમમાં વરસાદની અનિશ્ચિતતાને કારણે ગત 24મી જુલાઈ સુધીમાં કુલ ખરીફ વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાનાની સરખામણીમાં 4.7 ટકા ઘટીને 787.37 લાખ હેક્ટર રહ્યો છે, જેમાં મુખ્યત્વે ડાંગર, જાડા ધાન્ય, તેલીબિયાં અને કપાસના વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો હોવાનું કૃષિ મંત્રાલયે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. 

મંત્રાલયની માહિતી અનુસાર ગત 24મી જુલાઈ સુધીમાં દેશમાં ડાંગરનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 240.82 લાખ હેક્ટર સામે 2.6 ટકા ઘટીને 234.43 લાખ હેક્ટર, કઠોળનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 91.46 લાખ હેક્ટર સામે ઘટીને 84.57 લાખ હેક્ટર, શ્રી અન્ન અથવા તો જાડા અથવા તો કડ ધાન્યનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 161.49 લાખ હેક્ટર સામે ઘટીને 142.21 લાખ હેક્ટર અને તેલીબિયાંનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 167 લાખ હેક્ટર સામે ઘટીને 163.54 લાખ હેક્ટરની સપાટીએ રહ્યો છે. 

વધુમાં સમીક્ષા હેઠળના સમયગાળામાં કપાસનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 102.71 લાખ હેક્ટરની સરખામણીમાં ઘટીને 98.72 લાખ હેક્ટર રહ્યો છે. જોકે, આ સમયગાળામાં શેરડીનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 56.72 લાખ હેક્ટર સામે વધીને 57.58 લાખ હેક્ટરની સપાટીએ રહ્યો છે. 

એકંદરે ગત 24મી જુલાઈ સુધીમાં કુલ ખરીફ વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 826.19 લાખ હેક્ટર સામે 4.7 ટકા ઘટીને 787.37 લાખ હેક્ટરના સ્તરે રહ્યો છે. નોંધનીય બાબત એ છે કે અગાઉ આ મહિનાના આરંભે કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે વર્તમાન ખરીફ મોસમમાં આગામી 15 ઑગસ્ટ સુધી વાવેતર થવાની શક્યતા હોવાથી હાલમાં વરસાદની અનિશ્ચિતતાને કારણે વાવેતરમાં જોવા મળેલી ઘટ સરભર થઈ જવાનો આશાવાદ સેવાઈ રહ્યો છે. 

નોંધનીય બાબત એ છે કે ગત જૂન મહિનામાં વરસાદ ઓછો થયો હતો, પરંતુ જુલાઈ મહિનાના પહેલા સપ્તાહમાં સારી માત્રામાં વરસાદ થઈ જવાને કારણે વર્તમાન ખરીફ મોસમમાં વાવણીની પ્રક્રિયા આગામી 15 ઑગસ્ટ સુધી ચાલુ રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.