Tue Jul 28 2026

Logo

ડૉલર સામે રૂપિયામાં 17 પૈસાની આગેકૂચ

2026-07-28 21:12:23
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
વૈશ્વિક સ્તરે પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવ હળવો થવાના સંકેતો સાથે ક્રૂડતેલના ભાવમાં ઘટાડાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં આગેકૂચ જળવાઈ રહેતાં વધુ 17 પૈસાનો સુધારો નોંધાયો હતો અને 95.82ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અવિરત વેચવાલી તેમ જ આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હોવાથી એકંદરે રૂપિયામાં સુધારો સીમિત રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. 

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.99ના બંધ સામે સુધારાના અન્ડરટોને 95.75ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.89 અને ઉપરમાં 95.63 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે 17 પૈસાના સુધારા સાથે 95.82ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં 54 પૈસાનો ઉછાળો આવ્યો હતો. 

દરમિયાન ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે ઈરાન પર આક્રમક હુમલાઓ કર્યા હોવાથી હવે ઈરાન ચર્ચા કરવા જણાવી રહ્યું છે. જોકે, મધ્યસ્થીઓના જણાવ્યાનુસાર વાટાઘાટોમાં પ્રગતિ થઈ રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું હોવાથી ક્રૂડતેલના ભાવ દબાણ હેઠળ આવી રહ્યા છે. 

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ અટકતાં વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલની તેજીને પણ બે્રક લાગતાં રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો 95.35થી 96.05 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય.
 
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.08 ટકા વધીને 101.46 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 2.63 ટકા ઘટીને બેરલદીઠ 86.04 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ 69.86 પૉઈન્ટ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી 10.60 પૉઈન્ટ ઘટીને બંધ રહ્યો હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1688.23 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના એક્સચેન્જના નિર્દેશોને ધ્યાનમાં લેતા રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.