Sat Sep 05 2026

Logo

ખેડૂતોની આવક વધારવા ફળો અને શાકભાજીની નિકાસ વધારવી જરૂરીઃ શિવરાજ સિંહ ચૌહાણ

2026-05-07 19:47:52
Author: Ramesh Gohil
ખેડૂતોની આવક વધારવા ફળો અને શાકભાજીની નિકાસ વધારવી જરૂરીઃ શિવરાજ સિંહ ચૌહાણ

લખનઉઃ ખેડૂતોની આવક વધારવા, રોજગારીનું સર્જન કરવા અને વિદેશી હૂંડિયામણની આવક વધારવા માટે ફળો અને શાકભાજીની નિકાસ વધારવી આવશ્યક હોવાનું કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે આજે જણાવ્યું હતું. 

અત્રે યોજાયેલા બે દિવસીય `ફ્રૂટ હોરાઈઝોન 2026' પ્રોગ્રામ દરમિયાન ચૌહાણે પત્રકાર વર્તુળોને જણાવ્યું હતું કે આ કાર્યક્રમના આયોજનનો મુખ્ય ઉદ્દેશ ફળોનું ઉત્પાદન વધારવા, ગુણવત્તા સુધારવા અને પ્રોસેસિંગના માળખાને મજબૂત બનાવવાનો છે. ભારત ખાસ કરીને કેરી સહિતનાં ઘણાં ફળોનો અગ્રણી ઉત્પાદક દેશ છે. આપણે ત્યાં ઉત્પાદિત થતી કેરીની માત્રા અને તેની ગુણવત્તા વિશ્વમાં અજોડ છે, પછી ભલે તે કેરી હોય કે દ્રાક્ષ, કેળાં કે લીચી હોય આપણે અગ્રણી ઉત્પાદકો પૈકી એક છીએ. જોકે, આપણી નિકાસ હજુ ઓછી છે. 

સરકાર ઈચ્છે છે કે ભારતીય ફળો અને શાકભાજીની પહોંચ હજુ વધુ આંતરરાષ્ટ્રીય બજાર સુધી વધે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે જો ફળો અને શાકભાજીની નિકાસ વધે તો ખેડૂતોની આવક વધે, વિદેશી હુંડિયામણની આવક વધે, રોજગારીની તકો પણ ખૂલે તેવી દિર્ઘ દૃષ્ટિને ધ્યાનમાં રાખીને આ બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આ પહેલ સાથે સંકળાયેલ અન્ય એક કાર્યક્રમનું આયોજન ઈન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રિકલ્ચરલ રિસર્ચ (આઈસીએઆર)નાં રહેમાન ખેરા કેમ્પસ ખાતે કરવામાં આવ્યું છે. આ ક્ષેત્ર સામે રહેલા પડકારો અંગે ચર્ચા કરવા માટે સરકારે અપેડા, એમઆઈડીએચ અને આઈસીએઆર તમામને એક પ્લેટફોર્મ પર આવરી લીધા છે. 

અમે ઘણાં મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છીએ. જેમાં ઉત્પાદન લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટેના ઉકેલ, ઊંચાં નૂરભાડાં, માળખાકીય આવશ્યકતાઓ, કોલ્ડ સ્ટોરેજ, રાઈપનિંગ ચેમ્બર અને ટ્રાન્સપોર્ટેશેન જેવી બાબતોનો સમાવેશ થાય છે, એમ તેમણે ઉમેર્યું હતું.